Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

પરિણામો પહેલા ત્રીજા મોરચા પર ફોકસ : કેસીઆર સ્ટાલિનને મળી પ્લાન તૈયાર કરશે

કોંગ્રેસની આગેવાનીમાં મળનારી બેઠકમાં માયાવતી, અખિલેશ, મમતા હાજર રહેવાનાં ન હોવાથી કોકડું ગૂંચવાયું

નવીદિલ્હી, તા.૧૩: લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થાય તે પહેલાં જ ત્રીજા મોરચાને અંતિમ સ્વરૂપ આપવાના પ્રયત્ન જોશભેર શરૂ થઇ ગયા છે. આજે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના પ્રમુખ અને તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર)ચેન્નાઇમાં ડીએમકેના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિનને મળશે અને આગામી પ્લાન તૈયાર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજની આ બેઠકમાં ત્રીજા મોરચાના ભાવિ અંગે કેટલાક અગત્યના નિર્ણય થઇ શકે છે.

લોકસભા ચૂંટણી-૨૦૧૯ની લડાઇ હવે અંતિમ પડાવ પર પહોંચી ગઇ છે. ૧૯ મેના રોજ છેલ્લા અને સાતમા તબકકાનું મતદાન થવાનું છે. આ સાતમા તબકકામાં પંજાબ, પૂર્વ ઉતરપ્રદેશ જેવાં મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં મતદાન થશે. ખાસ કરીને બધાની નજર વારાણસી, ગોરખપુર અને ગુરદાસપુર બેઠક પર રહેવાની છે. સાતમા તબકકામાં લોકસભાની ૫૯ બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે આ તબકકો પૂરો થાય કે તુરંત જ ત્રીજા મોરચા અંગેની મોટી જાહેરાત કરવા કેસીઆર મરણિયા બન્યા છે.

દરમિયાન ત્રીજા મોરચાના સાથી પક્ષોમાં તિરાડ પડવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનરજી, બહુજન સમાજ પાર્ટી(બસપા)નાં સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટી(સપા)ના પ્રમુખ અખિલેશ યાદવ મતદાન પૂર્ણ થતા પહેલાં દિલ્હીમાં યોજાનારી ત્રીજા મોરચાની બેઠકનો વિરોધ કરી તેમાં ગેરહાજર રહે તેવી શકયતા છે.

આ બેઠકનું નેતૃત્વ કોંગ્રેસ કરવાની હોવાથી આ ત્રણેય દિગ્ગજ નેતાઓ બેઠકથી દુર રહેવાના છે.

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ગત સપ્તાહે મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી અને તેમાં સ્પષ્ટપણે નકકી કરવામાં આવ્યું હતું કે જયાં સુધી ૨૩ મેના દિવસે પરિણામો જાહેર ન થાય અને ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ત્રીજા મોરચા માટે કોઇ બેઠક કરવાની જરૂર નથી. મમતા બેનરજી અને માયાવતીએ આ તબકકે વડા પ્રધાનપદ માટે કોઇ નામ નકકી નહીં કરવાની પણ સલાહ આપી હતી.

કોંગ્રેસના સાથી પક્ષો દ્વારા અવારનવાર રાહુલ ગાંધીનું નામ પીએમ પદના ઉમેદવાર તરીકે અનધિકૃત રીતે આગળ કરવામાં આવ્યું છે. પણ માયાવતી તથા મમતા બેનરજી પણ ખુદને વડા પ્રધાનપદના ઉમેદવાર ગણાવતાં હોવાથી સ્થિતિ ગંૂચવાઇ ગઇ છે.

માયાવતી અને મમતા બેનરજી બંનેએ અગાઉ પીએમ બનવાની ઇચ્છા જાહેર કરીને કોંગ્રેસના મિશનમાં બ્રેક મારી દીધી છે. છેલ્લા તબકકાના મતદાન પહેલાં જ કોંગ્રેસ ત્રીજા મોરચા માટે બેઠક યોજીને દરેક પક્ષોની રણનીતિ જાણવા આતુર છે. આજે કેસીઆર અને સ્ટાલિન વચ્ચેની બેઠકમાં શું યોજના ઘડવામાં આવે છે તે પણ ત્રીજા મોરચાના ભવિષ્ય માટે મહત્વનું બની રહેશે.(૨૨.૧૩)

(3:23 pm IST)