Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

અમારે ત્યાં પાણી નથી, મહેમાનો આવશો નહીં

ઔરંગાબાદના ગોકુળનગરના લોકોનો સગાંવહાલાંને સંદેશ

ઔરંગાબાદ તા. ૧૩ :.. વિશ્વ ધીમે ધીમે જળસંટની દિશામાં આગળ વધી રહ્યું છે. અનેક દેશો પાણીની તંગીનો અનુભવ કરી રહ્યા છે એવામાં ભારતમાં ઔરંગાબાદમાં પણ પાણીની અછત પડી રહી હોવાની વાત પ્રકાશમાં આવી છે. જો કે અહીં વાત થોડી જુદી જ છે. ઔરંગાબાદમાં કેટલાક વિસ્તારોમાં છેલ્લાં ૧૪-૧પ વર્ષથી મહાનગરપાલિકાએ પાણીની લાઇન જ નાખી નથી. પરિસરના લોકો બોરવેલના પાણીથી ગુજારો કરે છે. પરંતુ એપ્રિલ મહિનાનો અંત આવતાંમાં બોરવેલનાં પાણી પણ ઊંડાં ઉતરી જાય છે. જોકે આ વખતે જાન્યુઆરી મહિનામાં જ બોરવેલનાં પાણી ઊંડા ઉતરી જતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

ઔરંગાબાદના જ ગોકુળનગરના રહેવાસીઓ ચાર-પાંચ દિવસે એક વાર ટેન્કર મંગાવે છે, જેમાંથી પરિવાર દીઠ એક ડ્રમ પાણી મળે છે. ગમે તેટલા વધુ પૈસા ખર્ચતાં પણ એક ડ્રમ કરતાં વધુ પાણી મળતું નથી. એવામાં ગોકુલનગરના રહેવાસીઓએ પાણીની અછતને ધ્યાનમાં લઇ તેમનાં સગાંવહાલાંને ઉનાળાની રજામાં મહેમાન બનીને આવવાની સ્પષ્ટ ના પાડતો સંદેશો મોકલાવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

(11:40 am IST)