Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

બોર્ડની પરીક્ષાઓમાં ૯૦%એ હવે સામાન્ય વાત

સ્થિતિ એવી છે કે સ્પર્ધા ૯૦% ઉપર માર્ક મેળવનાર વચ્ચે જ : શિક્ષણશાસ્ત્રીઓ ચિંતામાં : ઓછા માર્ક લાવનાર પોતે ગુન્હો કર્યો હોય તેવું ફિલ કરે છે

નવી દિલ્હી તા. ૧૩ : દેશભરમાં ધો.૧૦ની જુદા જુદા બોર્ડની એકઝામમાં બે વિદ્યાર્થીઓએ ૧૦૦% મેળવ્યા બાદ હવે ૯૦%ને નોર્મલ માર્ક ગણવામાં આવે છે. ગુજરાત રાજયની વાત કરવામાં આવે તો પણ ૯૮.૮થી ૯૭.૮ની વચ્ચે રાજયના ત્રણ ટોપ સ્ટુડન્ટને માર્ક મળ્યા છે. તો CBSE ધો. ૧૦ના પરિણામમાં પણ કોઈ જુદો સીન નથી. જેના ટોપર્સને પણ ૯૯.૮, ૯૯૦.૪ અને ૯૯.૨ ટકા મળ્યા છે.

જયારે આવો જ ટ્રેન્ડ ધોરણ ૧૨ બોર્ડની એકઝામમાં પણ જોવા મળ્યો છે. વાત એટલેથી જ નથી અટકતી ખૂબ મોટા પ્રમાણમાં આ જુદી જુદી બોર્ડની એકઝામમાં વિદ્યાર્થીઓને ૯૦% ઉપર માર્ક આવ્યા છે. ધો. ૧૦માં ૯૦% કરતા વધારે માર્ક લાવનાર વિદ્યાર્થીઓ ૨૦૧૭ના ૨૪.૧૮%થી વધીને ૨૦૧૯માં ૩૫.૩૦% વિદ્યાર્થીઓએ ૯૦% ઉપર માર્ક મેળવ્યા હતા. જયારે ધો. ૧૨માં ૨૦૧૭માં કુલ વિદ્યાર્થીઓ પૈકી ૧૧.૫૮% વિદ્યાર્થીઓ એવા હતા જેઓ ૯૦% ઉપર માર્ક સ્કોર કરી શકયા હતા પરંતુ ૨૦૧૯માં આવા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૨૯.૦૮% સુધી પહોંચી ગઈ છે.

જયારે ગુજરાત બોર્ડમાં આનાથી તદ્દન વિપરિત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જયાં ૨૦૧૩માં લાગુ પડેલી ગ્રેડિંગ સિસ્ટમના કારણે માર્કની રેસ ઓછી જોવા મળે છે. જયારે બીજા બે વર્ષ પહેલા ગુજરાત બોર્ડમાં સેમેસ્ટર સિસ્ટમ પણ દાખલ કરવામાં આવી હતી. તો બીજી તરફ જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીઓ ૧૦૦માંથી ૧૦૦ પૂરા મેળવી રહ્યા છે. એક અંગ્રેજી વિષયના ટીચરે કહ્યું કે હવે તો વિદ્યાર્થીઓ ભાષાના પેપરમાં પણ ૧૦૦માંદ્મક ૧૦૦ મેળવી રહ્યા છે કેમ કે બોર્ડ લખાણવાળા પેપરની જગ્યાએ ઓબ્જેકિટવ પ્રકારની પેપર સ્ટાઇલ તરફ વધુ ઝુકી રહ્યું છે.

આ પ્રકારની સ્થિતિમાં ૯૦ ટકાથી ઓછા માર્ક મેળવનાર વિદ્યાર્થીઓના માનસ પર ખૂબ જ ઘેરી અસર પડે છે. આપણે એ સમજવાની જરૂર છે કે દરેક વ્યકિત એકબીજાથી ભિન્ન છે અને તેમની ક્ષમતા પણ ભિન્ન ભિન્ન છે. માછલીને ઝાડ પર ચઢવાનું કહો તો તે વાંદરાની જેમ ચઢી ન શકે અને વાંદરાને માછલીની જેમ તરવાનું કહો તો તે તરી ન શકે. આજે પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે સ્પર્ધા ફકત ૯૦% ઉપર માર્ક લઈ આવનાર વચ્ચે જ છે. બાકીના તેનાથી ઓછો સ્કોર કરનાર વિદ્યાર્થીઓને તો સમાજની દ્રષ્ટીએ સાવ નકામા અને વખાણવા લાયક ન હોવાનું માની લેવામાં આવે છે.

તાજેતરમાં આવેલ પરિણામોમાં ધો.૧૨ પાસ કરનાર ભાર્ગવ ડેકા નામનો વિદ્યાર્થી કહે છે કે, 'જયારે રીઝલ્ટ જાહેર થાય છે કે તરત જ બધા ટોપર્સને અભિનંદન આપવા અને તેમના વખાણ કરતા લેખ, ટોક શો પાછળ દોડી જાય છે. જે બીજા વિદ્યાર્થીઓ માટે હતાશ કરનારું હોય છે જેમણે પોતાની ક્ષમતા પ્રમાણે બેસ્ટ રિઝલ્ટ લાવવા પ્રયાસ કર્યો હોય છે.' જયારે ૮૭% માર્ક લાવનારી સ્મિતા દાસ કહે છે કે મને આટલા સરસ માર્ક આવ્યા છે છતા મે કોઈ ભૂલ કરી હોય કે ગુનો કર્યો હોય તેવું સતત અનુભવાય રહ્યું છે કેમ કે બધાની આશા ૯૦% ઉપર માર્ક આવે તેવી જ હોય છે.

શિક્ષણવિદોએ આ મામલે ચિંતા વ્યકત કરતા કહ્યું કે જેમને ૧૦૦ ટકા માર્ક આવે છે હવે તેમના માટે આગળ વધુ કંઈ સારુ કરવાના કોઈ ચાન્સ જ નથી રહેતા. તેમનું ઇમ્પ્રુવમેન્ટ અટકી જાય છે. આપણે માર્કની દોડની પાછળ શિક્ષણનો ખરો અર્થ કે જેમાં વિદ્યાર્થીઓને ગ્રેડ શીટ નહી પરંતુ રીયલ લાઈફમાં કામ લાગે તેવી સ્કિલથી પરીપકવ બનાવવાના હોય છે તે ભૂલી જઈએ છીએ. SGVPના પ્રિન્સિપાલે કહ્યું કે, 'આપણી એજયુકેશન સિસ્ટમ ફકત વિદ્યાર્થીઓ પર પ્રેશર મુકવાનું જાણે છે. જયારે આપણું ભણતર તો ઇન્ડસ્ટ્રીના ધોરણો કરતા ઘણું જૂનું અને પાછળનું છે.'

(11:37 am IST)