Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

નવી સરકારે પહેલા મોંઘવારીના ધૂણતા રાક્ષસને કાબુમાં લેવો પડશે

છેલ્લા બે મહિનાથી અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રુટ, દાળ, ઈંધણ સહિતની ચીજવસ્તુઓના ભાવો વધ્યા છેઃ નવી સરકારે પહેલુ કામ ખાદ્ય ફુગાવાને કાબુમાં લેવો પડશેઃ આકરો ઉનાળો અને દુષ્કાળને કારણે તમામ ચીજવસ્તુઓના ભાવો ભડકે બળે છે છતાં એક પણ રાજકીય પક્ષે મોંઘવારીના મુદ્દાને સ્પર્શ કર્યો હતો

નવી દિલ્હી, તા. ૧૩ :. કેન્દ્રમાં મોદીના નેતૃત્વમાં સરકાર આવે કે પછી રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર આવે કે પછી ગઠબંધનના નેતાઓમાંથી કોઈપણ એકની સરકાર આવે આ સરકાર માટે સૌથી મોટો પડકાર પહેલો બનશે ફુડ ઈન્ફલેશન એટલે કે ખાદ્ય ફુગાવો. છેલ્લા બે મહિનાથી તમામ ચીજવસ્તુઓના ભાવો ભડકે બળ્યા છે અને મોંઘવારીનો રાક્ષસ ફરી ધુણવા લાગ્યો છે તેને કાબુમાં લેવાનું કામ નવી સરકારનું પહેલુ રહેશે. અત્રે એ નોંધનીય છે કે એક પણ પક્ષે પ્રચારમાં મોંઘવારીનો મુદ્દો ચગાવ્યો નથી.

જે કોઈની પણ સરકાર આવે તેમના માટે સૌથી મોટો અને પહેલો પડકાર ખાદ્ય ફુગાવોનો રહેશે. છેલ્લા બે મહિનાથી મોટા ભાગની ચીજવસ્તુઓના ભાવો વધતા ગયા છે. આનુ કારણ કાળઝાળ ગરમી અને દુષ્કાળના દિવસો હોવાનું કહેવાય છે. શુક્રવારે કર્ણાટકના દાવણગીરી ખાતે મકાઈનો એક કવીન્ટલનો ભાવ રૂ. ૨૦૧૦ હતો જે એક વર્ષ પહેલા રૂ. ૧૧૨૦ હતો. જુવાર અને બાજરાનો ભાવ મહારાષ્ટ્રના જલગાંવમાં ૧ કવીન્ટલના રૂ. ૨૭૫૦ હતો જે ગયા વર્ષે રૂ. ૧૬૦૦ હતો. એટલુ જ નહિ અનેક પાકમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૧૯માં કપાસની ૩૧.૫ મીલીયન ગાંસડીનું ઉત્પાદન થયુ હતુ જે તેના પહેલાના વર્ષે ૩૬.૫ મીલીયન ગાંસડી હતું. એટલુ જ નહી બાગ કામની પ્રોડકટના ભાવ પણ ૧૩ થી ૧૫ ટકા જેટલા વધી ગયા છે. કર્ણાટકમાં ટમેટાના ભાવ ૧ વર્ષ પહેલા રૂ. ૫૮૦ એક કવીન્ટલના હતા જે આજે રૂ. ૨૦૦૦ થઈ ગયા છે. જ્યારે ડુંગળીના ભાવ એક કવીન્ટલના રૂ. ૬૫૫ હતા જે વધીને ૮૫૦ થઈ ગયા છે. એટલુ જ નહિ ઉનાળાની સીઝનમાં શાકભાજીના ભાવ પણ ભડકે બળવા લાગ્યા છે. એક વર્ષ પહેલાની સરખામણીમાં તેમા ૩૬ થી ૩૯ ટકાનો વધારો નોંધાયો છે. ઘઉં, બાજરો, ચોખા, મોલાસીસ, ગોળ વગેરેના ભાવમાં પણ બેફામ વધારો થઈ ગયો છે. ખાદ્ય તેલના ભાવમાં પણ ભયંકર વધારો થવા પામ્યો છે.

અમુલના એમડી સોઢીના જણાવ્યા પ્રમાણે દૂધના ભાવ પણ વધારવા પડે તેવી સ્થિતિ છે. દૂધના ઉપલ્ધીના ભાવ વધુ ચૂકવવા પડી રહ્યા છે. વળી, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની અછત છે જેના કારણે દુધની આવક પણ ઘટી છે. વળી, ઢોરઢાંખર ઓછુ દૂધ આપી રહ્યા છે. આ ઉપરાંત ખાંડ પણ એક મહત્વની કોમોડીટી છે. તેના ભાવમાં પણ ધીમો ધીમો વધારો થઈ રહ્યો છે. ખાંડનું ઉત્પાદન આગામી દિવસોમાં ઘટવાની શકયતા છે. નબળા ચોમાસાની અસર સુગર મીલ્સના ઉત્પાદન પર પણ પડી છે. ફ્રુટ અને શાકભાજીના ભાવો પણ વધી રહ્યા છે. જ્યારે એનડીએ સરકાર ૨૦૧૪માં સત્તા પર આવી ત્યારે ફુગાવો બે આંકડામાં હતો જે ૨૦૧૬ના અંતે એક આંકડામાં આવી ગયો હતો.

હવે નવી સરકાર માટે ફુગાવાને કાબુમાં લેવાનુ પ્રાથમિકતામાં હશે.

(10:30 am IST)