Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

BOBમાં દેના અને વિજ્યા બેંક ભળ્યા બાદ હવે રેશનલાઇઝેશનની કવાયત

વડોદરા ઝોનમાં ૭૦૭ અને ગુજરાતમાં કુલ ૧૭૭૪ શાખાઃ નજીક નજીકમાં આવેલી શાખાઓને બંધ કરવા માટે યાદી તૈયાર થશે

વડોદરા તા. ૧૩ : ૧ એપ્રિલથી દેશમાં બેંક ઓફ બરોડામાં દેના અને વિજયા બેંક ભળી ગઇ છે. જેના પગલે હવે દેશભરમાં બેંક ઓફ બરોડાની કુલ શાખાઓની સંખ્યા ૯૪૯૦ થઇ ગઇ છે. વડોદરા શહેરમાં જ ૮૦ ઉપરાંત અને વડોદરા ઝોનમાં આ સંખ્યા ૭૦૭ ઉપર પહોંચી છે. હવે બેંક ઓફ બરોડા દ્વારા બ્રાન્ચ રેશનલાઇઝેશનની કવાયત હાથ ધરાઈ છે. જેમાં એક જ વિસ્તારમાં નજીક નજીકની શાખામાંથી કેટલીક શાખા બંધ કરાશે. બેંક ઓફ બરોડાના મેનેજમેન્ટ દ્વારા આ દિશામાં કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જેમાં દરેક શાખાની તમામ પ્રકારની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. હજી આ પ્રારંભિક કવાયત છે ત્યારે શાખાઓ બંધ કરવી કે નજીકની શાખામાં ભેળવવા જેવા નિતી વિષયક નિર્ણય લેવામાં સમય લાગી શકે તેમ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં જ બેંક ઓફ બરોડાની કુલ હવે ૧૭૭૪ શાખાઓ થઇ ગઇ છે. શાખા બંધ કરાય તો તેના ખાતેદારોથી લઇને બેંકિંગ સેવાઓને કોઇ જ જાતની મુશ્કેલી ન પડે તે હેતુને ધ્યાનમાં રખાશે. આ ઉપરાંત બેંક માટે પણ પ્રિમાઇસીસ થઇ લઇને તમામ અન્ય મુદ્દાઓ ફાયદાકારક કયાં છે તે ભૌગોલિક દ્રષ્ટિએ જોવાશે.

બેંકના કર્મચારીઓમાં બેંક ઓફ બરોડાના ૮૫૬૭૫, વિજયા બેંકના ૧૫૮૭૫ અને દેના બેંકના ૧૩૪૪૦ કર્મચારીઓ હવે બેંક ઓફ બરોડાના જ કર્મીઓ બની ગયા છે. (૨૧.૪)

ગુજરાતમાં ૨૦૦ શાખાનું ભાવિ ભવિષ્યમાં નક્કી થશે

ગુજરાતમાં સૌથી વધુ શાખા ધરાવતી બેંકમાં હવે બેંક ઓફ બરોડા થઇ છે. અગાઉ ૧૨૦૦ ઉપરાંત શાખા ધરાવતી સ્ટેટ બેંક ગુજરાતની સૌથી મોટી બેંક હતી. બ્રાન્ચ રેશનલાઇઝેશનમાં અંદાજે ૧૫૦ થી ૨૦૦ શાખાઓને નજીકની શાખામાં ભેળવી દેવાઈ શકે છે. આ શાખાનું ભાવી આગામી સમયમાં નક્કી થશે. આથી આગામી સમયમાં બેંકની ગુજરાતની કુલ ૧૭૭૪ શાખાઓમાંથી અંદાજે ૧૫૭૪ શાખાઓની આસપાસ શાખાઓની સંખ્યા થઇ શકે છે.

(10:11 am IST)