Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

દિલ્હીની રાજ સિંહાસન કોને ? પ્રાદેશિક પક્ષોના હાથમાં હશે સત્તાની ચાવી

દેશના ૧૩ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોના મૂળ ઉંડા છેઃ છેલ્લી કેટલીક ચૂંટણીનું વિશ્લેષણ કરીએ તો પ્રાદેશિક પક્ષો કદી નબળા પડયા નથીઃ આ વખતે નથી કોઈ તરફી લહેર ત્યારે પ્રાદેશિક પક્ષો બનશે મહત્વનાઃ ભાજપ અને કોંગ્રેસની બેઠકોમાં વધઘટ થતી રહેશે પરંતુ પ્રાદેશિક પક્ષોનો વોટશેર અને બેઠકોમાં મોટો ફેરફાર જોવા મળતો નથીઃ આ વખતે પણ પ્રાદેશિક પક્ષો સારો દેખાવ કરશે તેવી ભવિષ્યવાણી

નવી દિલ્હી, તા. ૧૩ :. દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ૪૮૩ બેઠકો માટે મતદાન પુરૂ થઈ ગયુ છે અને બાકી બચેલી ૬૦ બેઠકો માટે હવે સાતમા તબક્કાનું મતદાન રવિવારે થવાનુ છે. જેમ જેમ ચૂંટણી પરિણામોના દિવસો નજીક આવે છે તેમ તેમ દરેક લોકો વિચારી રહ્યા છે કે શું કેન્દ્રમાં કોઈ એક પક્ષની બહુમતીવાળી સરકાર બનશે ? કે પછી ખંડીત જનાદેશ મળશે ? કે પછી સરકાર બનાવવા માટે ત્રીજો વિકલ્પ એટલે કે ગઠબંધનનો સહારો લેવામાં આવશે.

ભાજપે ૨૦૧૪માં બહુમતી મેળવી હતી અને એનડીએની સરકાર બની હતી. આ પહેલા આવી ભારે બહુમતી ૧૯૮૪માં કોંગ્રેસને મળી હતી. તેના ત્રીસ વર્ષ બાદ કેન્દ્રમાં કોઈ એક પક્ષને સંપૂર્ણ બહુમતી મળી હતી. આ વખતે એવુ લાગે છે કે સરકાર બનાવવા માટે જરૂરી બેઠકો લાવવાનું એક પક્ષ માટે મુશ્કેલ બનશે. આવુ કેમ થશે ? તેનો જવાબ છેલ્લા ૩ દાયકા દરમિયાન પક્ષોના દેખાવો પાછળ છુપાયેલ છે.

૧૯૮૯થી ૨૦૧૪ સુધી કેન્દ્રમાં ગઠબંધન સરકાર રહી હતી. એ દરમિયાન કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યુ હતુ જે ધીમે ધીમે નબળુ થતુ ગયુ અને સામે ભાજપ મજબુત બનતો ગયો. આ સિવાય એક મોટુ પરિવર્તન આવ્યુ કે રાજ્ય સ્તર પર પ્રાદેશિક પક્ષો મજબુત થઈને બહાર થઈ આવ્યા અને તેઓએ કેન્દ્રમાં સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

છેલ્લા ૩ દાયકામાં પ્રાદેશિક પક્ષોની તાકાત વધી છે. પ્રાદેશિક અને નાના રાષ્ટ્રીય પક્ષોની વોટની ટકાવારી અને બેઠકોની સંખ્યા ૧૯૯૬ બાદ વધતી રહી હતી. એટલુ જ નહિ ૨૦૧૪માં જ્યારે ભાજપને બહુમતી મળી ત્યારે પ્રાદેશિક પક્ષોને બહુ મોટુ નુકશાન થયુ નહોતું. એ મહત્વનુ છે કે છેલ્લી કેટલીક ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની બેઠકોની સંખ્યામાં ઉતાર-ચઢાવ આવ્યો. ભાજપને ૨૦૦૯માં ૧૧૬ બેઠકો મળી હતી જ્યારે ૨૦૧૪માં ૨૮૨ મળી. જ્યારે કોંગ્રેસ પાસે ૨૦૦૯માં ૨૦૬ હતી ૨૦૧૪મા માત્ર ૪૪ બેઠકો મળી હતી. જો યુપીને બાદ કરવામા આવે તો મોદી લહેરની પ્રાદેશિક પક્ષો પર કોઈ અસર જોવા મળી ન હતી. જો ભાજપ-કોંગ્રેસ, ડાબેરીઓ અને અપક્ષોને હટાવી દઈએ તો ૧૯૯૮થી પ્રાદેશિક પક્ષોનો વોટશેર ૪૦ ટકા રહ્યો છે. ૨૦૧૪માં તે ૧ ટકા વધ્યો હતો.

દેશના ૧૩ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો છે. આસામ, આંધ્ર, બિહાર, હરીયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડીશા, પંજાબ, તામીલનાડુ, તેલંગાણા, યુપી અને પ.બંગાળ આ રાજ્યોમાં આ પક્ષો મહત્વની ભૂમિકામા છે અને કેન્દ્ર સરકારની રચનામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. છેલ્લી ૨ ચૂંટણીની વાત કરીએ તો અન્ના ડીએમકે, આઈઈટીસી, બીજેડી, આરજેડી, શિવસેના, ટીડીપી, પીઆરએસ વગેરેનો દબદબો વધ્યો છે. ૨૦૧૪ની ચૂંટણી પછી વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં આ પક્ષોનો વોટશેર ઘટયો નથી.

આ વખતે ચૂંટણીમાં ૨૦૧૪ જેવી કોઈ લહેર નથી તેથી કહી શકાતુ નથી કે કોની તરફ ટ્રેન્ડ છે પરંતુ ઉપરોકત વિશ્લેષણથી કહી શકાય કે પ્રાદેશિક પક્ષો મહત્વની ભૂમિકામા હશે. આ ચૂંટણીમાં પણ પ્રાદેશિક પક્ષોનો દેખાવ ખરાબ નહી હોય અને તેમનો વોટ રાષ્ટ્રીય પક્ષ તરફ નહી જાય. તેઓ આ વખતે સારો દેખાવ કરે તેવી શકયતા છે તેથી ભવિષ્યવાણી કરી શકાય કે પ્રાદેશિક પક્ષો પાસે દિલ્હીની સત્તાની ચાવી રહેશે.

(10:02 am IST)