Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

NDA ને ઝટકો :હવે ગોવા ફોર્વર્ડ પાર્ટીએ છેડો ફાડ્યો : અમિતભાઇ શાહને પત્ર લખી જાણ કરી

પ્રમોદ સાવંતની નેતાગીરીમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન : ભાજપમાં હવે રાજ્યમાં નિર્ણય લેવાની ક્ષમતા નથી.

પણજી : ગોવામાં ફોરવર્ડ પાર્ટીએ NDA સાથે છેડો ફાડ્યો છે,  2019માં ભાજપ નેતૃત્વની રાજ્ય સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો હતો. હવે ગઠબંધનમાંથી પણ અલગ થઇ ગઇ છે,  આ અંગે પાર્ટીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહને પત્ર લખી જાણ પણ કરી દીધી. એક બાજુ ભાજપ પશ્ચિમ બંગાળ સર કરવા મથી રહ્યો છે. ત્યાં બીજી બાજુ અન્ય રાજ્યોમાં સાથી પક્ષો તેનો સાથે છોડી રહ્યા છે.

ગોવામાં દિવંગત નેતા મનોહર પર્રિકરની સરકારમાં જોડાયેલી ગોવા ફોરવર્ડ પાર્ટીએ પ્રમોદ સાવંતની સરકારમાંથી ખસી જવાનો નિર્ણય તો દોઢ વર્ષ પહેલાં જ તોડી નાંખ્યો હતો. આ અંગે પાર્ટીના વડા વિજય સરદેસાઇએ જણાવ્યું કે આ નિર્ણય પાર્ટીની કારોબારી અને રાજકીય બાબતો સમિતિની બેઠક બાદ લેવામાં આવ્યો છે. જેની જાણ ગૃહમંત્રી શાહને કરી દીધી છે.

વિજય સરદેસાઇએ રાજ્ય સરકાર બાદ એનડીએ સાથે પણ સંબંધ તોડી નાંખવા અંગે જણાવ્યું કે ભાજપની રાજ્ય નેતાગીરીએ જુલાઇ 2019થી જ રાજ્યની જનતાથી મોઢું ફેરવી લીધું છે. મનોહર પર્રિકરના કસમય નિધન બાદથી આવી સ્થિતિ સર્જાઇ છે. ગોવાના નવા સીએમ પ્રમોદ સાવંતની નેતાગીરીમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી રહ્યું છે. એટલું જ નહીં ભાજપમાં હવે રાજ્યમાં નિર્ણય લેવાની ક્ષમતા નથી.

વાસ્તવમાં ગોવામાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે આવી હતી. પરંતુ ગઠજોડ માટે જાણીતા ભાજપે કોંગ્રેસના જ 10 ધારાસભ્યોને ફોડી, અન્ય ક્ષેત્રીય પક્ષો જીએફપી અવે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીની સાથે મળી સત્તા મેળવી લીધી હતી. ત્યારે કોંગ્રેસના બળવાખોરોને સામેલ કરાતા જ ભાજપ અને ગોવા ફોરવર્ડ પાર્ટી વચ્ચે મતભેદની શરુઆત થઇ હતી. ત્યારે ભાજપ નેતાગીરીએ જીએફપીના ક્વોટાના મંત્રીઓને હટાવી દીધા હતા. તેને પગલે પાર્ટીએ સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. પરંતુ એનડીએનો સાથ છોડ્યો નહતો.

(6:52 pm IST)