Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મહારાષ્ટ્રમાં 15 એપ્રિલથી લૉકડાઉન લાગુ થશે ? : રાત્રે સીએમ ઉદ્ધવ ઠાકરે જનતાને કરશે સંબોધન

લોકલ ટ્રેન મુસાફરી બાધિત કરી શકે : સંબોધનમાં મહારાષ્ટ્ર માટે નવી ગાઇડલાઇન જાહેર થઇ શકે

મુંબઈ : મહારાષ્ટ્રમાં  કોરોના વાયરસની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. કોરોનાના વધતા કેસને જોતા લૉકડાઉન લાગી શકે છે. મહારાષ્ટ્રમાં 15 એપ્રિલથી લૉકડાઉન લાગી શકે છે. ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે 8.30 કલાકે રાજ્યને સંબોધિત કરશે. માનવામાં આવી રહ્યુ છે કે આ સંબોધનમાં મહારાષ્ટ્ર માટે નવી ગાઇડલાઇન જાહેર થઇ શકે છે. મંત્રી અસલમ શેખ અનુસાર લૉકડાઉન તુરંત નહી લગાવવામાં આવે, સાથે જ તેમણે જણાવ્યુ કે કોરોનાના કેસને જોતા હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. સુત્રો અનુસાર મહારાષ્ટ્રમાં 15 દિવસનું લૉકડાઉન લગાવવામાં આવી શકે છે.

આ મામલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી ચુક્યા છે. મહારાષ્ટ્રના લૉકડાઉન પર મંત્રી અસલમ શેખે કહ્યુ હતું કે સરકાર આવનારા 2-3 દિવસમાં મોટો નિર્ણય લઇ શકે છે. આ ચેન તોડવા માટે એક જ રસ્તો છે કે સરકાર લૉકડાઉન જેવી સ્થિતિ લાવે.  ટાસ્ક ફોર્સની બેઠકમાં સામેલ તમામ સભ્ય લૉકડાઉન માટે તૈયાર હતા, જોકે, આ લૉકડાઉન કેટલા સમય માટે હશે તેને લઇને કેટલાક મતભેદ સામે આવ્યા હતા.

આ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાની વ્યવસ્થાને લઇને મહત્વની મીટિંગ કરી હતી, જેમાં ઓક્સીજન ક્ષમતા વધારવા, તરલ ઓક્સીજન, વિદ્યૃત સ્મશાન ગૃહ સ્થાપિત કરવા વિશે ચર્ચા થઇ હતી. વાયરસના પ્રસારને રોકવા માટે રાજ્ય સરકાર મુંબઇ લોકલ ટ્રેન સેવાનો ઉપયોગ કરવાથી સામાન્ય જનતાના પ્રતિબંધિત કરવાની પણ યોજના બનાવી રહી છે. મહારાષ્ટ્રના મંત્રી વિજય વડેટ્ટીવારે કહ્યુ કે સરકાર મુંબઇ લોકલ ટ્રેનમાં મુસાફરી માટે ફાળવવામાં આવેલા સમયને ઓછો કરી શકે છે અથવા લોકલ ટ્રેનમાં મુસાફરી પર પ્રતિબંધ મુકી શકે છે

(6:47 pm IST)