Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મુંબઇની નાલાસોપારાની કોવિડ હોસ્પિટલમાં સમયસર ઓક્સિજન ન મળતા ૭ દર્દીઓના મોતથી પરિવારજનોમાં રોષ ભભૂક્યોઃ તબીબોઍ આરોપો ફગાવ્યા

મુંબઇઃ મુંબઇમાં ઓક્સિજનના અભાવે 7 કોરોના દર્દીના કથિત મોત થયા બાદ સંબંધીઓએ હોસ્પિટલમાં હંગામો કરી દીધો. ઘટના નાલાસોપારાની હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો અટકવાનું નામ લઇ રહ્યા નથી. ત્યાં હોસ્પિટલમાં ઓક્સિજન નહીં મળી શકવાથી 7 દર્દીઓએ જીવ ગુમાવી દેતા પરિવારજનોનો રોષ ફાટી નીકળ્યો હતો.

હોસ્પિટલના ડોકટરે આરોપો ફગાવ્યા

આ હોસ્પિટલનું નામ જાહેર કરાયું નથી પરંતુ ટ્વીટરમાં દેખાતી તસવીરો મુજબ વિનાયક હોસ્પિટલ હોવાનું જણાય છે.પરંતુ હોસ્પિટલના ડોક્ટરે ઓક્સિજનની અછતનો આરોપ ફગાવી દેતા જણાવ્યું કે આ હોસ્પિટલમાં માત્ર ગંભીર બીમારીથી પીડિત દર્દીઓને દાખલ કરવામાં આવે છે. જે દર્દીઓનાં મોત થયા છે, તેઓ વધુ વય કે અન્ય બીમારીથી પીડિત હતા.

રાજ્યના 12 જિલ્લામની હેસ્પિટલોમાં બેડ ફૂલ

મહારાષ્ટ્રમાં આશરે 12 જિલ્લાની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે. ઉપરાંત 75 ટકા ICU બેડ પણ ફૂલ થઇ ગયા છે. જો આવી જ રીતે રાજ્યમાં કોરોના વધતું રહેશે તો પરિસ્થિતિ વધુ વણસી જશે. મહારાષ્ટ્રના ઘણા શહેરોની હોસ્પિટલોમાં બેડની અછત પડી રહી છે.

મુંબઇની મોંઘી-મોંઘઈ હોસ્પિટલોમાં કોરોનાના દર્દી ભરાઇ રહ્યા છે. લીલાવતી હોસ્પિટલમાં લોબીમાં લિફ્ટની પાસે બેડ લગાવી દર્દીને રાખવાની નોબત આવી છે. હોસ્પિટલ મેનેજમેન્ટનું આ અંગે કહેવું છે કે દર્દીઓની સંખ્યા એટલી વધારે થઇ રહી છે કે તેમના જીવ બચાવવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 51,751 દર્દી

મહારાષ્ટ્રમાં સોમવારે 51,751 નવા દર્દી નોંધાયા હતા અને 52,312 સાજા પણ થયા હતા. 258 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એક દિવસ અગાઉ રાજ્યમાં સંક્રમણના 63,294 કેસ નોંધાયા હતા. મુંબઈમાં સોમવારે 6,893 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કેસનો કુલ આંક હવે વધીને 34 લાખ 58 હજાર 996 થયો છે અને મૃતકોની સંખ્યા 58,245 પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં હવે 5 લાખ 64 હજાર 746 એક્ટિવ દર્દીઓ છે.

લોકડાઉન લગાવવા સિવાય છૂટકો નથીઃ ઉદ્ધવ ઠાકરે

વર્તમાન પરિસ્થિતિને જોતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે રાજ્યમાં કોરોનાની ચેઇન તોડવા માટે સંપૂર્ણ લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી.બુધવારે ઉદ્ધવ કેબિનેટની બેઠક થવાની છે. એવું માનવામાં આવે છે કે મુખ્યમંત્રી આ બેઠક પછી તરત જ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી શકે છે અને આ લોકડાઉન 15થી 30 એપ્રિલ સુધી હોઈ શકે છે.

આ પહેલાં સરકાર આજે સાંજ સુધીમાં કોરોનાની અસરથી પ્રભાવિત ખેડૂતો, ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.જોકે સપ્તાહના અંતમાં લોકડાઉન થયાના એક દિવસ પછી રાજ્યમાં કોરોના કેસોમાં માત્ર એક જ દિવસમાં લગભગ 18.3% ઘટાડો જોવા મળ્યો. સંક્રમણના સરકારે વધતા જતા કેસો વચ્ચે ગુડી પડવા અને રમઝાન અંગે કડક ગાઈડલાઇન્સ જાહેર કરી છે.

(5:22 pm IST)