Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

હરિદ્વારમાં કોરોના મહામારી છતાં પણ અમાસ નિમિતે ૩૫ લાખ ભાવિકોઍ કુંભમેળામાં સ્નાન કર્યુઃ કોરોના સંક્રમણ વધ્યુઃ અનેક સાધુ-સંતોના રિપોર્ટ પોઝીટીવ

હરિદ્વારઃ એક તરફ દેશભરમાં કોરોનાનો વિસ્ફોટ થઇ રહ્યો છે. ત્યારે હરિદ્વારમાં આસ્થાના કુંભમેળામાં સોમવારે અમાસના રોજ 35 લાખ શ્રદ્ધાળુઓએ શાહી સ્નાન કર્યું હોવાનો અંદાજ છે. મેળામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોરોનાના નિયમોનું પાલન કરાવવામાં તંત્ર લાચાર છે. કહી દીધું કે આટલા મોટી જનમેદનીમાં નિયમોનું પાલન કરાવવું અશક્ય છે.

લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા સંક્રમણનો ભય

લાખોની સંખ્યામાં સાધુઓ અને શ્રદ્ધાળુઓ આવતા કોરોના સંક્રમણ ફેલાવવાનો પણ ભય રહેલો. સેંક્ડો સાધુઓ સંક્રમિત થયાના અહેવાલ પણ છે. પરંતુ તેનો ચોક્ક્સ આંકડો બહાર પડાયો નથી. થોડા દિવસ પહેલાં કુંભમેળામાં જઇ આવેલા આરએસએસ (સંઘ)ના વડા મોહન ભાગવત પણ પોઝિટિવ થતા નાગપુરની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

સોમવતી અમાસે શાહી સ્નાનનું ધાર્મિક મહત્વ

દર 12 વર્ષે યોજાતા કુંભમેળામાં સોમવતી અમાસના શાહીસ્નાનનું ખૂબ જ મહત્વછે. આવો યોગ બહુ જ ઓછો આવતો હોવાથી સોમવતી અમાસના શાહીસ્નાનમાં દેશભરમાંથી લોકો ઉમટી પડયા હતા. ઉત્તરાખંડની સરકારે રાજ્યની સરહદો પર કડક ચેકિંગ રાખ્યું છે અને કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા કરી છે. જે લોકોનો રિપોર્ટ નેગેટિવ આવે તેમને જ હરિદ્વાર સુધી જવા દેવામાં આવતા હોવાનું અને તેમને જ ગંગામાં ડૂબકી લગાવવાની પરવાનગી અપાઈ હતી.

સામાન્ય જનતા માટે સવારનો સમય ફાળવાયો

શાહીસ્નાન વખતે વિવિધ અખાડાઓએ શોભાયાત્રા કાઢી હતી. સોમવતી અમાસના વહેલી સવારથી અલગ અલગ ઘાટે શાહીસ્નાનની વ્યવસ્થા કરાઈ હતી. અંદાજ પ્રમાણે 35 લાખ જેટલાં લોકોએ ગંગાનદીમાં ડૂબકી લગાવી. અખાડા માટે અલગ વ્યવસ્થા થઈ હતી અને શ્રદ્ધાળુઓ માટે અલગ ઘાટ નક્કી કરાયા હતા. સામાન્ય લોકો માટે સવારનો સમય સ્નાન માટે ફાળવવામાં આવ્યો હતો.

કુંભમેળાના ઈન્સ્પેક્ટર જનરલ સંજય ગુંજયાલે કહ્યું હતું કે આટલા મોટા મેળા કોરોનાની 100 ટકા ગાઈડલાઈનનું પાલન કરાવવું અશક્ય છે. તેમ છતાં સ્થાનિક તંત્રે શક્ય એટલા પ્રયાસો કર્યા છે. જો અમે એ મુદ્દે વધુ કડકાઇ કરી હોત તો કુંભમેળામાં નાસભાગ મચી જવાની દહેશત હતી.

કુંભમેળામાં વ્યવસ્થા માટે 20,000 પોલીસ જવાન

કુંભમેળામાં 20,000 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું હતું કે કુંભમેળામાં શાહીસ્નાન કોઈ જ મોટી દોડધામ વગર પૂર્ણ થયું હતું.

(5:21 pm IST)