Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કોરોનાની દવાઓને GSTમાંથી રાહત આપો

સોનિયા ગાંધીનો પીએમ મોદીને પત્ર

નવી દિલ્હી તા. ૧૩ : કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું છે કે કોવિડ-૧૯ની સારવાર અને દવાઓને GSTમાં રાહત આપવામાં આવે તેમ જ યોગ્યતા ધરાવતા સ્થાનાંતરિત મજૂરોનાં ખાતાંઓમાં પ્રતિ મહિને રૂ. ૬૦૦૦ જમા કરવામાં આવે. આ સાથે જે રાજયોમાં રસીની અછત છે, એમને પ્રાથમિકતાના ધોરણે રસી ઉપલબ્ધ કરાવવામાં આવે, એમ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત તેમણે બધાને રસી આપવાની વકીલાત પણ કરી હતી.

દેશમાં ફરી એક વાર કોરોના રોગચાળો વકર્યો છે અને અનેક રાજયોમાં રાત્રિ કરફયુ લાદવામાં આવ્યો છે, ત્યારે માઇગ્રન્ટ મજૂરોની સ્થિતિ કફોડી બની છે, એટલે તેમના પુનર્વસન માટે સરકારે એક નવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને એ લોકોનાં ખાતાંઓમાં પ્રતિ મહિને રૂ.૬૦૦૦ જમા કરવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું. કોંગ્રેસપ્રમુખે કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક બાદ વડા પ્રધાનને પત્ર લખ્યો હતો. કોંગ્રેસે પણ સોશિયલ મિડિયા પર બધા દેશવાસીઓ માટે રસીકરણ કેમ્પેન શરૂ કર્યું હતું.

આ સાથે દેશ જયારે કોરોનાની રસીની અછતનો સામનો કરી રહ્યો છે, ત્યારે રસીની નિકાસ પર પ્રતિબંધ મૂકવા અને દેશવાસીઓના રસીકરણને પ્રાથમિકતા પર કોંગ્રેસે ભાર મૂકયો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશને કોવિડ-૧૯ની રસીની જરૂર છે, જેથી દેશવાસીઓ તમારો અવાજ ઉઠાવો, કેમ કે દરેકને સુરક્ષિત જીવવાનો અધિકાર છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ કહ્યું હતું કે ભારતીયોને પહેલા રસી અપાવવી જોઈએ, વિશ્વમાં રસીની નિકાસ કરતાં પહેલાં રસી બધા ભારતીયો માટે ઉપલબ્ધ થવી જોઈએ.

(3:41 pm IST)