Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ભારતીય અર્થતંત્ર માટે 'બૂરે દિન'

નોકરીઓને લઇ ખતરાની ઘંટડી : એપ્રિલમાં બેકારી વધી

વધતા કોરોનાના કારણે નોકરી કરનારા માટે ખતરો વધ્યો છે. ૧૧ એપ્રિલ ૨૦૨૧ના ખતમ થનારા અઠવાડિયામાં બેરોજગારીનો દર ૮.૬ ટકા થયો છે જે ચિંતાનો વિષય છે

નવી દિલ્હી,તા. ૧૩: કોરોના સંકટની વચ્ચે દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકો પર મુસીબતનો હુમલો ચારે તરફથી થઈ રહ્યો છે. એક તરફ કોરોના વાયરસથી લોકોમાં ફરી ડરનો માહોલ બની રહ્યો છે તો અન્ય તરફ Retail Inflation ફરી વધવાનું શરૂ થયું છે. આ સિવાય ઔઘોગિક ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે રોજગારને લઈને પણ નિરાશા જનક રિપોર્ટ સામે આવ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટના અનુસાર ૧૧ એપ્રિલ ૨૦૨૧ના સપ્તાહના અંતમાં બેરોજગારીનો દર ૮.૬ ટકા થશે, જે ૨ અઠવાડિયા પહેલા ૬.૭ ટકા રહ્યો હતો. 

કોરોનાના વધવાની સાથે જયાં લોકડાઉનની આશંકા વધી છે ત્યાં નોકરીને ગુમાવવાનો ખતરો પણ વધી રહ્યો છે. સીએમઆઈઈના રિપોર્ટ અનુસાર લોકોમાં ફરી એકવાર નિરાશા વધી છે. ગયા વર્ષે કોરોના સંકટના કારણે લાગેલા લોકડાઉનથી અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું હતું ત્યારે લાખો લોકોની નોકરીઓ ગઈ હતી અને કરોડોનો રોજગાર પણ ઠપ થયો હતો. હવે કોરોનાની સેકંડ વેવના કારણે નોકરી પર ફરીથી ખતરો વધ્યો છે. વધતી બેરોજગારીના દરના આધારે કહી શકાય છે કે લોકોમાં ડર પણ એક કારણ છે. એપ્રિલમાં શહેરી વિસ્તારની બેરોજગારીનો દર ૮ ટકા થયો છે. જયારે માર્ચમાં આ દર ૭.૮૪ ટકા થયો હતો. ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર ૬.૭ ટકા રહ્યો છે.

કોરોના સંકટના કારણે ૨૦૨૦માં પ્રવાસી શ્રમિકો પોતાના વતન પરત આવ્યા હતા. લોકડાઉનમાં ઢીલાશ બાદ અર્થવ્યવસ્થા પાટા પર આવતી જોવા મળી અને સાથે ૨ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થતાં લોકો ફરીથી વતન તરફ દોટ મૂકી રહ્યા છે. આ સાથે સારા સમાચાર એ પણ છે કે ઈ કોમર્સ કંપનીઓ નવી નોકરી લાવવાની તૈયારીઓ કરી રહી છે. કોરોનાના વધતા કેસને લઈને ફરી ઈ-કોમર્સ કારોબારમાં ઉછાળો આવી શકે છે. એવામાં તમામ કંપનીઓ મુશ્કેલ સમયમાં ફરી લોકોને ઘરે બેઠા જરૂરી સામાન પહોંચાડવાની તૈયારી કરી રહી છે.

(10:26 am IST)