Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કાફલા આડે આવી હતી બે એમ્બ્યુલન્સ

પ.બંગાળ : PM મોદીના કાફલાએ પ્રોટોકોલ તોડી બે-બે એમ્બ્યુલન્સને આપ્યો માર્ગ : ભારે પ્રશંસા

કોલકતા,તા. ૧૩: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી વિવિધ તબક્કામાં યોજાઈ રહી છે. વડાપ્રધાન મોદીથી લઈને પશ્યિમ બંગાળના સીએમ મમતા બેનરજી સુધી પ્રદેશના વિવિધ વિસ્તારોની રેલીઓમાં વ્યસ્ત છે. તેવામાં પશ્યિમ બંગાળમાં રસ્તાઓ પર વીઆઈપી કાફલાની ગાડીઓની અવરજવર વધુ જોવા મળી રહી છે. સોમવારે પીએમ નરેન્દ્રભાઇ મોદીનો કાફલો ત્યાં એક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી બે એમ્બુલન્સ આવતી જોવા મળી. ત્યારે પીએમ મોદીના કાફલાએ પ્રોટોકોલ તોડીને એમ્બુલન્સને રસ્તો આપ્યો. આ જોતા સોશિયલ મીડિયા પર પીએમ મોદીની ભારે પ્રશંસા થઈ રહી છે.

કારણકે, પીએમ મોદીના કાફલા દરમિયાન રસ્તો સંપૂર્ણરીતે ખાલી કરાવવામાં આવે છે અને ત્યાં કોઈપણ પ્રકારના વાહનને અવર-જવર માટેની પરવાનગી નથી હોતી. વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમના કાફલાના ચોક્કસ પ્રોટોકોલ છે. તેવામાં કોરોનાકાળમાં સોમવારે જયારે પીએમ મોદીના કાફલા સામે ૨ એમ્બુલન્સ આવતી જોવા મળી ત્યારે સંવેદનશીલતા દાખવતા એસપીજીએ ખાસ વ્યવસ્થા હેઠળ રસ્તો આપ્યો. વડાપ્રધાન મોદીએ આ દ્વારા દેશના લોકોને સ્વાસ્થ્ય સેવાઓ પ્રત્યે જાગૃતિનો મહત્વનો સંદેશ આપ્યો છે.

સોશિયલ મીડિયા પર આ બાબતે ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો વડાપ્રધાનની આ પહેલની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ, આ પહેલી વખત નથી કે જયારે પીએમ મોદીના કાફલામાં એમ્બુલન્સને પસાર થવા માટેની છુટ આપવામાં આવી હોય. આ પહેલા પણ ઘણીવખત પીએમના કાફલામાં પ્રોટોકોલ તોડીને એમ્બુલન્સને રસ્તો આપવામાં આવ્યો છે. આ સિવાય પીએમ દ્યણીવખત પોતાના કાફલાથી લોકોને નડતી પરેશાનીને ધ્યાનમાં રાખતા ખાસ સાવચેતી રાખે છે. હાલમાં જ પીએમ મોદી જયારે કોરોના વેકિસન લેવા માટે એઈમ્સ જઈ રહ્યા હતા ત્યારે તેમણે વહેલો સમય પસંદ કર્યો હતો કે જેથી તેઓના કાફલાના કારણે લોકોને ઓછી સમસ્યા નડે.

(10:24 am IST)