Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

અર્થવ્યવસ્થાને બેવડો માર

મોંઘવારી વધી અને ઉદ્યોગોમાં મંદી

માર્ચમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ છેલ્લા રર મહિનામાં સૌથી ઓછો

નવી દિલ્હી તા.૧૩: દેશને અર્થવ્યવસ્થાના મોરચે બેવડો ઝટકો લાગ્યો છે. એક તરફ રીટેલ મોંઘવારી દરમાં વધારો થયો છે. તો બીજી બાજુ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એટલે કે આઇઆઇપીમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. માર્ચમાં છુટક મોંઘવારી દર ફેબ્રુઆરીના ર.૫૭ ટકાથી વધીને ૨.૮૬ થઇ ગયો, જયારે આઇઆઇપી ઘટીને ૦.૧ પર આવી ગયો જે જાન્યુઆરીમાં ૧.૪ ટકા હતો. છેલ્લા રર મહિનામાં આ ઓૈદ્યોગિક વિકાસ દર સૌથી ઓછો છે.

અર્થશાસ્ત્રી ડોકટર એસ.વાસુદેવનું કહેવું છે કે છુટક મોંઘવારી દર અને ઓૈદ્યોગિક ઉત્પાદનના આંકડા ચિંતાજનક છે. છુટક મોંઘવારી દરમાં ખાદ્ય વસ્તુઓના મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો છે તો આઇઆઇપીમાં મેન્યુફેકચરીંગ સેકટરનો ગ્રોથ રેટ ઓછો થઇ ગયો છે બંન્ને સેકટર સામાન્ય માણસ સાથે જોડાયેલા છે. આનો અર્થ એ થાય કે બજારમાં રૂપિયાનો ફલો ઘટી રહ્યો છે. અને માંગ છે નહીં. સાથે જ ઉત્પાદન ઘટવાથી સપ્લાય પણ ઘટી રહી છે.

માર્ચમાં રીટેલ મોંઘવારીમાં વધારો જોવા મળ્યો. રીટેલ મોંઘવારી દર ર.૮૬ ટકાએ પહોંચ્યો હતો. ખાસ વાત એ છે કે માર્ચમાં ખાદ્ય પદાર્થોના મોંઘવારી દર -૦.૬૬ થી વધીને ૦.૩ ટકા નોંધાયો હતો. જયારે શાકભાજીની મોંઘવારી -૭.૬૯ ટકાથી વધીને -૧.૪૯ ટકા થઇ હતી. આજ રીતે કઠોળમાં પણ મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો હતો.

(11:34 am IST)