Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન

બેંકોએ ૭ લાખ કરોડ માંડવાળ કર્યા : ૮૦ ટકા મોદી રાજમાં

રિઝર્વ બેંકના રિપોર્ટમાં ધડાકોઃ એપ્રિલ ૨૦૧૪ બાદ બેંકોએ રૂ. પ,૫૫,૬૦૩ કરોડની લોનનું નાહી - નાખ્યું અર્થાત માંડવાળ કર્યા

નવી દિલ્હી તા.૧૩: બેંકોને ડુબતી બચાવવા માટે જયાં સરકાર એક તરફ કરદાતાઓના પૈસાથી તેઓને મુડી આપવાની દિશાએ આગળ વધી રહી છે તો બીજી તરફ બેંકોએ લોન ન ભરનારા લોકોની રકમ મોટાપાયે ''રાઇટ ઓફ' એટલે કે માંડવાળ કરવાનું શરૂ કરી દીધું છે.

ડિસેમ્બર ૨૦૧૮ સુધીના સમયમાં સમાપ્ત ત્રિમાસિક ગાળા સુધીમાં બેંકોએ લગભગ રૂ. ૧,૫૬,૭૦૨ કરોડની બેડ લોનને રાઇટ ઓફની શ્રેણીમાં નાખી દીધા છે. આ પ્રકારે છેલ્લા ૧૦ વર્ષમાં બેંકોએ લગભગ ૭ લાખ કરોડની બેડ લોનને ''રાઇટ ઓફ'' કરેલ છે એટલે કે માંડવાળ કરેલ છે. રિઝર્વ બેંકના છેલ્લા આંકડાઓથી આ ખુલાસો થયો છે. સરળ શબ્દોમાં રાઇટ ઓફનો અર્થ એ છે કે બેંકોમાંથી લેવાયેલ લોન કે જે લોકો ચૂકવી શકયા નથી તે રકમને બેંકોએ પોતાના સરવૈયામાંથી હટાવી લીધી હોય.

રિઝર્વ બેંકના આંકડાઓથી ખુલાસો થયો છે કે છેલ્લા ૧૦ વર્ષમાં રાઇટ ઓફ કરાયેલી મોટાભાગની લોનનો ૮૦ ટકા હિસ્સો છેલ્લા પા વર્ષ એટલે કે એપ્રિલ ૨૦૧૪ બાદ રાઇટ ઓફ થયેલ છે. અને આ રકમ થવા જાય છે રૂ). ૫,૫૫,૬૦૩ કરોડ, બેડ લોનની રકમ ઓછી દેખાડવા માટેે ઉત્સુક બેંકોએ ૨૦૧૬-૧૭માંં રૂ. ૧,૦૮,૩૭૪ કરોડ અને ૨૦૧૭-૧૮માં રૂ. ૧,૬૧,૩૨૮ કરોડની લોન રાઇટ ઓફ કરી છે તો ૨૦૧૮-૧૯ના શરૂઆતના ૬ મહિનામાં રૂ. ૮૨૭૯૯ કરોડની રકમ રાઇટ ઓફ કરી છે. ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૧૮ના ત્રિમાસિક ગાળામાં રૂ. ૬૪૦૦૦ કરોડની રકમ રાઇટ ઓફ કરવામાં આવેલ છે.

બેંકોના સૂત્રોનું કહેવું છે કે વ્યકિત વિશેષના મામલામાં લોન લેનાર લોકો અને રાઇટ ઓફ કરાયેલ લોનની રકમ અંગે વધુ માહિતી નથી. બેંકો દાવો કરે છે કે રાઇટ ઓફ છતાં રિકવરીના પ્રયાસો ચાલુ હોય છે. જો કે સૂત્રોનું કહેવું છે કે ૧૫ થી ૨૦ ટકાથી વધુ રકમની રિકવરી થઇ શકી નથી.

(8:49 pm IST)