Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

સંન્યાસીને વોટ નહી આપો તો, મારા પાપ માથે નાંખતો જઇશઃ સાક્ષી મહારાજની ધાર્મિક ધમકી

પહેલા પણ ચૂંટણી ટિકિટ ન મળતા મહારાજ રોષે ભરાયા હતા

લખનૌ, તા.૧૩: ઉન્નાવ બેઠકથી ભાજપાના ઉમેદવાર સાક્ષી મહારાજ ફરી એક વાર ચૂંટણી સમયે વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં તેમણે ચૂંટણી પ્રચાર કરતા ધાર્મિક ચેતવણી આપી હતી કે, એક સંન્યાસીને વોટ નહી આપો તો મારા પાપ તમને સોંપતો જઇશ. ઉત્ત્।ર પ્રદેશના ઉન્નાવ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર થતા સાક્ષી મહારાજ પહેલાંથી ચર્ચાનો વિષય બન્યા હતા અને હવે ઉન્નાવમાં ચૂંટણી પ્રચાર કરતા વિવાદાસ્પદ નિવેદન તેમની સમસ્યા વધારી શકે છે.

શુક્રવારે ઉન્નાવમાં ચૂંટણી પ્રચાર માટે આવેલ મહારાજે સંબોધન કર્યું હતું કે, હું એક સંન્યાસી છું અને એક સંન્યાસી જયારે ભિક્ષા માંગે અને તે ન મળતા ગૃહસ્થીના પુણ્ય લેતો જાય છે, જો સંન્યાસીને વોટ નહી આપો તો હું મારા પાપ તમને આપતો જઇશ.

મહારાજે જણાવ્યું કે, હું જે કંઇ પણ કહી રહ્યો છું તે શાસ્ત્રોમાં કહેલ સત્ય છે. હું ધન નથી માંગી રહ્યો, જનતા પાસે વોટ માંગી રહ્યો છું, જેનાથી ૧૨૫ કરોડ ભારતીયોનું નસીબ બદલાશે.  સાક્ષી મહારાજે ચૂંટણી પ્રચાર કરતા જણાવ્યું કે, મતદાન એ કન્યાદાન બરાબર છે. આથી, બધા જ લોકો ઘરમાંથી બહાર નીકળી મતદાન કરે.

પોતાના સંબોધનમાં સાક્ષી મહારાજે વિપક્ષ દળો પર પ્રહારો કરતા જણાવ્યું કે, રાજયમાં ગઢબંધનની કોઇ અસર નથી. પહેલા આ લોકો એકબીજાને જોવાનું પસંદ નહોતા કરતા, પરંતુ આજે વડાપ્રધાન મોદીને હટાવવા માટે બધા એકસાથે ભેગા થયેલ છે.  આ પહેલા સાક્ષી મહારાજ ચૂંટણી ટિકિટ માટે ધમકીભર્યા વલણને કરાણે ચર્ચાનો વિષય બન્યા હતા.

(11:29 am IST)