Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

કાલે આંબેડકર જયંતિએ અશાંતિ સર્જાવા સરકારને દહેશત

નવી દિલ્હી તા. ૧૩ : આવતીકાલે શનિવારે ડો. બાબા સાહેબ આંબેડકરજીની જયંતિ નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટનાનો પ્રયાસ ટાળવા સઘન સલામતી બંદોબસ્ત ગોઠવવાની બધાં રાજયોને કેન્દ્ર સરકારે તાકીદ કરી છે.

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પીએસઆઈએ પોતાના હદવિસ્તારોમાં શાંતિ જાળવવા પગલાં લેવાના રહેશે. એક પખવાડિયામાં કેન્દ્ર દ્વારા ત્રીજીવાર ઉકત સલાહ આપવામાં આવી છે.

પહેલીવાર બીજી એપ્રિલે ભારત બંધ દરમિયાન આવી એડવાઈઝરી આપવામાં આવી હતી. બીજીવાર નોકરી અને શિક્ષણ ક્ષેત્રે જ્ઞાતિ આધારિત આરક્ષણના વિરોધમાં લોકોએ ૧૦મી એપ્રિલે હડતાળની હાકલ વખતે આપવામાં આવી હતી.

કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે ૧૪ એપ્રિલે આંબેડકર જયંતિ નિમિત્તે આવશ્યક સાવચેતીના પગલાં લેવાની સલાહ આપવામાં આવી હતી. જાનમાલની હાનિ થતી રોકવા પેટ્રોલિંગ સઘન બનાવવાની અને જરૂરપડ્યે પ્રતિબંધાત્મક આદેશ જારી કરવાની સૂચના આપવામાં આવી હતી.

આવતીકાલે ગુજરાતમાં સ્વતંત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભાજપ નેતાઓ - કાર્યકરોને ડો. બાબા સાહેબ આંબેડકરજીને ફુલહાર કરતા રોકવાની અને સામખીયાળી ખાતે રસ્તા રોકનું એલાન આપ્યું છે ત્યારે સંઘર્ષ થવાની પૂરી સંભાવના હોય તમામ જિલ્લા - શહેર પોલીસ વડા - ઓફિસરોની રજા રદ્દ કરાયેલ છે.(૨૧.૬)

(10:07 am IST)