Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

ખાવા માટે રોટલી પણ ન હતી અને કાળી મજૂરી કર્યા બાદ જ્યોતિ રેડ્ડી અમેરિકન કંપની કી સોફ્ટવેર સોલ્યુશનના સીઇઓ બની ગયા

નવી દિલ્હી : કહેવાય છે કે, જો તમારા ઈરાદા પાક્કા અને નેક હોય તો સફળતા ઝક મારીને પાછળ આવે છે. આવુ જ કંઈક સાબિત કર્યું છે જ્યોતિ રેડ્ડીએ. ખેતરમાં મજૂરીથી લઈને તેમણે મર્સિડીઝ બેન્ઝ સુધી સફર કેવી રીતે પાર પાડી તેના પર તો એક ફિલ્મ બને તેવી છે. આજે તે લાખો લોકોની મિસાલ બની ચૂકી છે. આજે તે કી સોફ્ટવેર સોલ્યુશનની સીઈઓ બની ગયા છે.

ખાવા માટે રોટલી ન હતી

તમે વિશ્વાસ નહિ કરી શકો કે, આજે લક્ઝુરિયસ ગાડીઓનું કલેક્શન રાખનારી જ્યોતિ રેડ્ડીના જીવનનો એક સમય એવો પણ હતો કે, જ્યાં તે ખુલ્લા પગે સ્કૂલે જતા હતા. બે સમયની રોટલી ભેગી કરવા માટે ઝઝૂમવુ પડતું હતુ. જ્યારે તેઓ નવ વર્ષની હતી, ત્યારે તેમના પિતાએ તેમને અને તેમની બહેનને એક અનાથાલયમાં મોકલી આપી હતી.

જ્યોતિનો જન્મ આંધ્રપ્રદેશના વારંગલ જિલ્લાના ગુડેમ ગામમાં થયો હતો. પરિવારમાં પાંચ ભાઈ-બહેન, પિતા વેંકટ રેડ્ડી ખેડૂત હતા. તે સમયે જ્યોતિ ઉઘાડા પગલે ચાલીને સ્કૂલે જતા હતા. પિતાએ નવ વર્ષની ઉંમરમાં જ તેઓને અનાથાલય એટલા માટે મોકલ્યા હતા કે, ત્યાં જ્યોતિને બે ટંકની રોટલી તો મળી શકે.

અનાથાલયમાં રહી

નાની બહેન અનાથાલયમાં રહી ન શકી. તેથી તે પિતાની પાસે પરત આવી ગઈ હતી. પરંતુ જ્યોતિ અડગ રહી. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, તેઓને પોતાના પરિવારની યાદ આવતી હતી, માતા યાદ આવતી હતી. પરંતુ ત્યાં રહેવુ તેની મજબૂરી હતી. જ્યોતિએ અનાથાલયમાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો. તે સમયે તે અઢી કિલોમીટર ઉઘાડા પગે ચાલીને સરકારી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરવા જતી હતી.

સ્કૂલમાં જ્યોતિ હંમેશા પાછળની સીટ પર બેસતી હતી. કેમ કે, પાસે પહેરવા માટે સારા કપડા ન હતા. સુપરિટેન્ડન્ટથી 110 રૂપિયા ઉધાર લીધા અને આંધ્રા બાલિકા કોલેજમાં બાયોલોજી, ફિઝીક્સ અને કેમેસ્ટ્રી જેવા વિષયો સાથે એડમિશન લીધું.

16ની ઉંમરમાં લગ્ન

પરંતુ જ્યોતિના પિતાએ માત્ર 16 વર્ષની ઉંમરમાં દીકરીના લગ્ન કરાવી દીધા હતા. તેમના પતિ સમ્મી ખેડૂત હાત. હવે જ્યોતિને ખેતરમાં જઈને કામ કરવું પડતું હતું. દસ કલાક કામ કરીને તેઓને માત્ર 5 રૂપિયા મળતા હતા. પરંતુ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ગ્રેજ્યુએશન પણ પતાવી દીધું હતું. સરકારી સ્કૂલમાં સ્પેશિયલ ટીચરની નોકરી પણ મળી ગઈ હતી. 400 રૂપિયા મળતા હતા. લગ્નના ત્રણ વર્ષની અંદર જ જ્યોતિને બે દીકરીઓ બીના અને બિંદુ થઈ હતી. રાતમાં તે પેટીકોટ સીવતા, જેથી વધુ રૂપિયા કમાવી શકે.

તેના બાદ તેઓને જનશિક્ષા વારંગલમાં લાઈબ્રેરિયનની નોકરી મળી ગઈ હતી. તેમણે ડો.ભીમરાવ આંબેડકર ઓપન યુનિવર્સિટીથી 1994માં બીએની ડિગ્રી મેળવી હતી અને 1997માં કાકાતિયા યુનિવર્સિટીથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. કમ્પ્યૂટર સાયન્સમાં પીજી ડિપ્લોમાં કર્યું.

અમેરિકાની સફર

માર્ચ 2002માં તેઓને અમેરિકાથી નોકરીની ઓફર આવી હતી. તેઓએ દીકરીઓને હોસ્ટેલમાં મોકલી દીધી અને અમેરિકા નીકળી પડ્યા. શરૂઆતના દિવસોમાં ગેસ સ્ટેશન પર નોકરી કરવી પડી હતી. બેબી સીટિંગ, વીડિયો શોપમાં પણ કામ કર્યું. દોઢ વર્ષના સંઘર્ષ બાદ તેઓ ભારત પરત ફર્યા હતા.

તેઓ હિંમત હાર્યા નહિ. પરત અમેરિકા ફર્યા હતા. અહીં આવીને વીઝા પ્રોસેસિંગ માટે એક કન્સલ્ટીંગ કંપની ખોલી હતી. આગળ જઈને સોફ્ટવેર સોલ્યુશનના નામથી કંપની પણ શરૂ કરી. ત્રણ વર્ષની અંદર જ જ્યોતિની કંપનીએ 1,68,000 ડોલરનો પ્રોફિટ પણ કરી લીધો. આજે જ્યોતિની કંપનીમાં 100થી વધુ લોકો કામ કરે છે. કંપનીનું ટર્નઓવર 1.5 કરોડ ડોલરથી વધુ છે.

(5:03 pm IST)