Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

શેરબજાર ધરાશાયી... રોકનારા રડ્યા : રોકશે તે ફાવશે

લાંબા ગાળા માટે દરેક ઘટાડે ટુકડે ટુકડે સલામત ખરીદી કરવાની સલાહઃ ૧૯૯૨, ૧૯૯૬, ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૦ના કડાકામાં ખરીદી કરનાર રોકાણકારો ન્યાલ થઇ ગયા હતા

મુંબઇ તા. ૧૩ : ભારતીય શેરબજારમાં જે ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે તેનાથી રિટેલ રોકાણકારો સ્તબ્ધ થઇ ગયા છે. ફકત ૩૭ સેશનમાં સેન્સેકસે દસ હજાર પોઇન્ટ ગુમાવી દીધા છે. શેરબજાર, મ્યુચ્યુલ ફંડ અને યુલીપમાં રોકાણ કરતા સુરતના લાખો રોકાણકારોના જીવ અધ્ધર છે ત્યારે બજાર સાથે સંકળાએલા તજજ્ઞો દરેક ઘટાડે લેવાલી કરી આપી લાંબા ગાળા માટે રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે.

કોરોના ફેકટરને કારણે શેરબજારમાં અફડા તફડીના માહોલને કારણે રિટેલ રોકાણકારોના પોર્ટફોલિયોમાં દોઢ જ મહિનામાં ૨૫ ટકાનું ધોવાણ થઇ ગયું છે. કોરોના ફેકટરની અસર કયાં સુધી રહેશે અને ભારતીય બજાર હજુ કેટલું તૂટશે તે અનિશ્ચિત હોવાથી રોકાણકારોના જીવ અધ્ધર છે. જો કે ભૂતકાળમાં જયારે પણ બજારમાં કડાકો આવ્યો છે ત્યારે રોકાણ કરનારને તગડું વળતર મળ્યું છે. ૧૯૯૨, ૧૯૯૬, ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૦માં શેરબજારમાં આવેલા કડાકા વચ્ચે રોકાણ કરનારાઓ ન્યાલ થઇ ગયા હતા. ૧૯૯૨માં હર્ષદ મહેતા બુલ રન બાદ બજારમાં ૫૪ ટકાનો ઘટાડો થયો હતો. એ ઘટાડામાં ખરીદી કરનારાઓને બે વર્ષમાં ૧૨૭ ટકા રિટર્ન મળ્યું હતું. ૧૯૯૬માં ફરી શેરબજાર તૂટયું હતું. એ વખતે ૪૦ ટકાના કડાકામાં ખરીદી કરનારાઓને બીજા જ વર્ષે ૧૧૫ ટકા રિટર્ન મળ્યું હતું. ૨૦૦૦માં ટેકનોલોજી બબલ ફૂટતા સેન્સેકસમાં ૫૬ ટકાનો કડાકો બોલી ગયો હતો. એ કડાકામાં ખરીદી કરનારાઓને આગામી વર્ષોમાં ૧૩૮ ટકા રિટર્ન મળ્યું હતું. ૨૦૦૮માં વૈશ્વિક કટોકટીને કારણે ફરી સેન્સેકસ અને નિફટીમાં ૬૧ ટકાનો ઘટાડો થયો હતો. એ વખતે ખરીદી કરનારાઓને દોઢ વર્ષમાં ૧૫૭ ટકા રિટર્ન મળ્યું હતું. ૨૦૧૦માં ૨૮ ટકા ઘટાડામાં ખરીદી કરનારાઓને ત્રણ વર્ષમાં ૯૬ ટકા જેટલું માતબર રિટર્ન મળ્યું હતું. ભૂતકાળના અનુભવોના આધારે રોકાણકારો ટુકડે ટુકડે ખરીદી કરી લાંબા ગાળે સારૂ રિટર્ન મેળવી શકશે.

રોકાણકારોએ ધ્યાનમાં રાખવા જેવી વાતો

કોરોના વાઇરસની ખાસ અસર હજુ ભારતમાં વર્તાઇ નથી ક્રુડના ભાવો ૩૦ ટકા નીચા આવતા ભારતના અર્થતંત્રને મોટો ફાયદો થશે. ભારતનું અર્થતંત્ર નિકાસ આધારિત નહી હોવાથી વૈશ્વિક પરિબળોની ચીન જેટલી અસર ભારતને નહી થાય અમેરિકા અને યુરોપમાં વ્યાજના દરો ઘટતા ભારત સહિતના ઇમર્જીગ માર્કેટમાં નાણાનો ફલો વધશે. ભારતીય બજારમાં આવેલો કડાકો મુખ્યત્વે વિદેશી રોકાણકારોના એકધારા વેચાણને કારણે છે. ઇટીએફમાં સતત સેલીગને કારણે બ્લુ ચીપ કંપનીઓના શેરો આજે દસ દસ ટકા સુધી તુટયા છે ઘરેલુ રોકાણકારો, મ્યુચ્યલ ફંડ તથા ઇન્સ્ટીટયશનલ રોકાણકારો હજુ સુધી નેટ ખરીદીમાં છે. સેન્સેકસ અને નીફટી કંપનીના અર્નીગ્સ વધ્યા નહી હોવા છતા બજાર ખુબ વધ્યું હતું. ૨૫ ટકા કરેકશનને કારણે ભારતીય બજારો હવે ખરીદીના ઝોનમાં આવ્યા છે ભારતીય બજારમાં કડાકાને કારણે મીડકેપ અને સ્મોલ કેપ શેરોના વેલ્યુએશન રીઝનેબલ થયા છે. શેરબજારમાં જયારે ઘટાડો આવે છે ત્યારે દરેક ઘટાડે ખરીદી કરનારને ત્રણ વર્ષમાં સારા રીટર્ન મળ્યા છે. યસ બેકનો પ્રશ્ન મહદઅંશે ઉકેલાઇ ગયો હોવાથી તેની નકારાત્મક અસર વર્તાવાની શકયતા નહીવત છે. અન્ય દેશોની જેમ રીઝર્વ બેક ઓફ ઇન્ડિયા વ્યાજદરમાં ઘટાડો કરે તો બજારનું સેન્ટીમેન્ટ સુધરશે. પ્રાઇસ ટુ બુક અને માર્કેટ કેપ ટુ જીડીપીની દ્રષ્ટિએ ભારતીય બજારોના વેલ્યુએશન રીઝનેબલ થયા

(10:42 am IST)