Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

સટ્ટાબજારમાં ભાજપાનો ભાવ વધ્યો

ભાજપાને ર૪પ થી રપ૧ અને એનડીએને ૩૦૦ બેઠકો મળવાનો સટ્ટાબાજોનો અંદાજઃ કોંગ્રેસનો ભાવ ૧૦.૧

મુંબઇ તા. ૧૩ :.. સટ્ટાબજારમાં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ની આગેવાની વાળા એનડીએની પ્રચંડ જીત અને કેન્દ્રમાં સતત બીજી વાર તેની સરકાર બનવાની આશા સેવાઇ રહી છે.

સટ્ટાબજારના સુત્રો અનુસાર ર૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં વાયુસેનાની સર્જીકલ સ્ટ્રાઇક પછી ભાજપાની શકયતાઓ વધી ગઇ છે. પુલવામાં આતંકી હૂમલાનો બદલો લેવા માટે વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાની સીમામાં ઘુસીને બાલાકોટમાં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવી હતી.

વાયુસેનાની સર્જીકલ સ્ટ્રાઇક પહેલા સટ્ટાબાજો ચૂંટણીમાં ભાજપાને ર૦૦-થી ર૩૦ બેઠકોની આશા રાખતા હતા અને એક ઉપર એકનો ભાવ આપી રહ્યા હતાં. એટલે કે જીતે તો એક રૂપિયાના સટ્ટા પર એક રૂપિયાનો ભાવ આપતા હતાં. પણ હવે ભાજપાને આ ચૂંટણીમાં ર૪પ થી રપ૧ અને એનડીએને ૩૦૦ થી વધુ બેઠકો મળવાની આશા છે, પુલવામાં હુમલા પહેલા કોંગ્રેસને ર૦૦ અથવા તેનાથી વધારે બેઠકો જીતવાની શકયતા પર ૭.૧ નો ભાવ અપાતો હતો. એટલે જીતે તો એક રૂપિયાના સટ્ટા પર ૭ રૂપિયાનો ભાવ અપાઇ રહયો હતો. પણ હવે તે ભાવ ૧૦ છે.

સટ્ટાબજારમાં ચૂંટણી પર ભાવ લગાડવાની ગતિ પહેલા ઓછી હતી પણ ચૂંટણીની તારીખો જાહેર થયા પછી તેમાં તેજી આવી છે. ચૂંટણી પરિણામો પર રમાતો સટ્ટો પણ ક્રિકેટમાં રમાતા સટ્ટા જેવો જ છે. રાજસ્થાનના ફલોદીને ચૂંટણી સટ્ટાનો ગઢ માનવામાં આવે છે. અને મુંબઇ તથા દિલ્હી જેવા મુખ્ય બજારો પણ તેના આધારે ચાલે છે. જો કે હજી ચૂંટણી સટ્ટા અંગેના વધારે આંકડાઓ નથી બહાર આવ્યા પણ સટ્ટાખોરોનું કહેવું છે કે રાજયો અને લોકસભા બેઠક પર પણ દાવ લગાવાય છે. સટ્ટાખોરો અનુસાર, જો કોંગ્રેસ તેનો વડાપ્રધાન પદનો ઉમેદવાર જાહેર કરે તો તેની સ્થિતી સુધરી શકે છે. જો પ્રિયંકા વાડ્રાને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવાય તો કેટલાક મત કોંગ્રેસની તરફેણમાં જઇ શકે છે.

(11:54 am IST)