Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ભારત અને ચીન વચ્‍ચે સંબંધો સુધારવા કવાયતઃ કેન્‍દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન અેપ્રિલમાં ચીનના પ્રવાસે જશે

નવી દિલ્‍હીઃ ભારત અને ચીન વચ્‍ચે સંબંધો સુધારવા માટે પ્રયાસો થઇ રહ્યા છે અને તેના ભાગરૂપે કેન્‍દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન આગામી મહિનામાં ચીનના પ્રવાસે જશે.

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન એપ્રિલમાં ચીનની મુલાકાતે જવાના છે. જો કે તેમની ચીન મુલાકાતના કાર્યક્રમને આખરી ઓપ અપાવાનું હજી બાકી છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને સંકેત આપ્યા છે કે આગામી મહીને તેમની ચીન મુલાકાતની શક્યતા છે. 2017માં 73 દિવસ સુધી ચાલેલા ડોકલામ સૈન્ય ગતિરોધ બાદ ભારતના સંરક્ષણ પ્રધાનની પહેલી ચીન મુલાકાતને દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચીન દ્વારા તાજેતરમાં એશિયાના બંને મહાકાય પાડોશી દેશોના સહયોગની વકીલાત કરવામાં આવી હતી અને બંને દેશોનો સહયોગ એક અને એક બે જેવો નહીંપણ એક અને એક અગિયાર જેવો સાબિત થવાની વાત પણ કહેવામાં આવી હતી.

ભારતે પ્રતિક્રિયા આપી હતી કે તેઓ પરસ્પર સમ્માન અને એકબીજાના હિતો, ચિંતાઓ અને આકાંક્ષાઓની સંવેદનશીલતાના આધાર પર મતભેદોને ઉકેલીને પરસ્પર સંબંધ વિકસિત કરવા માટે ઈચ્છુક છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમનની સંભવિત ચીન મુલાકાતને આવા ઘટનાક્રમ સાથે સાંકળીને જોવાઈ રહી છે. સોમવારે એક કાર્યક્રમથી અલગ ચીનની મુલાકાત માટે પુછવામાં આવેલા સવાલના જવાબમાં સીતરમને ક્હ્યુ હતુ કે હા.. કદાચ એપ્રિલના આખરમાં થવાની શક્યતા છે. સીતારમનના નિવેદન પહેલા સંરક્ષણ મંત્રાલયે ગત સપ્તાહે સંરક્ષણ પ્રધાન ચીનની મુલાકાતે જવાના હોવાની વાતને નકારી હતી.

ડોકલામ ટ્રાઈ જંક્શન ખાતે 2017માં 73 દિવસ લાંબા સૈન્ય ગતિરોધનો ઉકેલ 2017ના ઓગસ્ટમાં ચીન ખાતેને બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન મોદીના સામેલ થતા પહેલા આવ્યો હતો. ચીન મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરીને બંને દેશોના સંબંધોમાં સુધારા માટેની પહેલ કરી હતી. બાદમાં બંને દેશોએ પરસ્પર સંબંધો સુધારવાની કોશિશો કરી હતી.

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ સિવાય પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર પર સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધ લાગુ કરાવવાની ભારતની કોશિશોમાં બીજિંગનો અડંગો અને ન્યૂક્લિયર સિક્યુરિટી ગ્રુપમાં ભારતના પ્રવેશમાં પણ ચીનની અડચણ મતભેદના મહત્વના મામલા છે. સિવાય પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થતા ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર અને ઓબીઓઆર પ્રોજેક્ટ ભારત માટે ચિંતાના મોટા કારણો છે.

(9:12 pm IST)