Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

આધાર લિન્ક કરવાની સમય મર્યાદા ચુકાદા સુધી વધારાઈ

સુપ્રીમના ચુકાદાથી લાખો લોકોને રાહત થઇ : બેંક એકાઉન્ટ, મોબાઇલ ફોન તેમજ પોસપોર્ટને આધાર સાથે ફરજિયાત લિંક કરવાની સમય મર્યાદાને વધારાઈ

નવીદિલ્હી,તા. ૧૩ : આધાર લિંક કરવાને લઇને સામાન્ય લોકોને આજે ખુબ મોટી રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે આધાર લિંક કરવાની સમય મર્યાદાને ચુકાદો આવે ત્યાં સુધી લંબાવી દેવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મામલામાં ચુકાદો આવે ત્યાં સુધી બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન અને પાસપોર્ટની ફરજિયાત આધાર લિંકિંગની સમય મર્યાદાને વધારી દીધી છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે એમ પણ કહ્યું છે કે, સરકાર ફરજિયાત આધારને લઇનેદબાણ લાવી શકે નહીં. સુપ્રીમ કોર્ટના નવેસરના ચુકાદાને લઇને સામાન્ય લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. વરિષ્ઠ વકીલ વૃંદા ગ્રોવર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરતી વેળા આ મુજબનો આદેશ કર્યો હતો. તેઓએ પાસપોર્ટ માટે આધારની અનિવાર્યતાને લઇને અપીલ દાખલ કરી હતી. અત્રે નોંધનીય છે કે, બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબરથી આધાર લિંકિંગ માટે ૩૧મી માર્ચની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. સરકાર તમામ જનકલ્યાણની યોજનાઓને લઇને આધાર જોડી ચુકી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૧૮માં જારી કરવામાં આવેલા પાસપોર્ટ નિયમ હેઠળ તત્કાલ યોજનામાં નવા પાસપોર્ટ બનાવવા અથવા તો નવીનીકરણ માટે આધારને ફરજિયાત બનાવવામાં આવ્યો છે. તેઓએ તત્કાલમાં પાસપોર્ટ રિન્યુ કરવા માટે અરજી આપી હતી ત્યારે તેમના જુના પાસપોર્ટને રદ કરી દેવામાં આવ્યો હતો. હવે નવા પાસપોર્ટ માટે આધાર નંબર આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. અરજીમાં આ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. પાસપોર્ટ અધિકારીઓએ આધાર વગર પાસપોર્ટ રિન્યુ કરવાનો ઇન્કાર કરી દીધો હતો જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આધાર માત્ર કલ્યાણકારી યોજનાઓ માટે ફરજિયાત કરવામાં આવ્યો છે. ત્રણ દિવસની અંદર પાસપોર્ટ જરૂરી છે. કારણ કે, એક સેમિનારમાં ભાગ લેવા માટે તેઓ ઢાકા જનાર છે. અરજીદાર તરફથી આ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. આ પહેલા આધાર એક્ટની કાયદેસરતાને લઇને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી ચુકી છે. અરજી કરનાર લોકોએ દલીલ કરી હતી કે, યુનિક આઈડેન્ટી નંબર્સના ઉપયોગથી નાગરિક અધિકારો ખતમ થઇ જશે. નાગરિકતા મર્યાદિત થઇ જશે. આધારના મામલામાં ચર્ચાસ્પદ સુનાવણી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. અનેક સામાજિક કાર્યકરોએ અને હાઈકોર્ટના પૂર્વ જજે આધાર સ્કીમને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે.

ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એકે સિકરી, જસ્ટિસ એએમ ખાનવીલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ અશોક ભૂષણની બનેલી બેંચે આ મામલામાં સુનાવણી ચલાવી છે. આધારના મામલામાં આગામી ચુકાદો આવ્યા બાદ સામાન્ય લોકોને રાહત થઇ છે. કારણ કે, મોબાઇલ ફોન ઉપર અને ફોન કરીને આધાર લિંક કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે, સરકાર તત્કાલ પાસપોર્ટ જારી કરવા માટે પણ આધાર ફરજિયાતપણે રજૂ કરવા કહી શકે નહીં. હવે ૩૧મી માર્ચ બાદ પણ મોબાઇલ ફોન ધારકો જે આધાર નંબરની નકલ સંબંધિત મોબાઇલ કંપનીઓ સમક્ષ જમા કરાવી શક્યા નથી તેમના મોબાઇલ નંબર પર સેવા ચાલુ રહેશે. કારણ કે, સમય મર્યાદાને વધારી દેવામાં આવી છે.

(8:16 pm IST)
  • PNBના 12000 કરોડ રૂપિયાથી વધુના ગોટાળા કેસના મુખ્ય આરોપી નીરવ મોદી હોંગકોંગમાંથી પોતાનો વ્યવસાય સમેટવાની ફિરાકમાં છે. તપાસ એજન્સીઓ હોંગકોંગ પહોંચે તે પહેલા નીરવ મોદી હોંગકોંગમાં પોતાનો વ્યવસાય બંધ કરવામાં લાગ્યા છે. નીરવ મોદીની ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લમિટેડની હોંગકોંગમાં પણ મોટો બિઝનેસ ધરાવે છે access_time 10:03 am IST

  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST

  • કોલેજના કલાસમાં ઘુસી વિદ્યાર્થીએ લેકચરરને ૩ ગોળી ધરબી દીધી: હરીયાણાના સોનીપતમાં એક વિદ્યાર્થીએ પિપલીની સરકારી કોલેજમાં ઘુસીને સરાજાહેર લેકચરર ઉપર ૩ ગોળીઓ ધરબી દેતા લોહીલોહાણ હાલતમાં મૃત્યુ નિપજેલ છે : આ સ્ટુડન્ટ ભાગી ગયો છે, ભારે ભય ફેલાયો છે access_time 3:39 pm IST