Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

SBIએ મિનિમમ બેલેન્સ ચાર્જમાં કર્યો ઘટાડો

૧લી એપ્રિલથી લાગુઃ ૫૦ની જગ્યાએ નવા નિયમ મુજબ મિનિમમ બેલેન્સ ન રાખવા પર રૂ. ૧૫નો થશે દંડ : ૨૫ કરોડ ગ્રાહકોને થશે ફાયદોઃ મેટ્રો - ગ્રામ્ય તમામ વિસ્તારોમાં લાગુ થશે ભાવ ઘટાડો

નવી દિલ્હી તા. ૧૩ : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના સેવિંગ ખાતાધારકો માટે મિનિમમ બેલેન્સ ચાર્જિસમાં સુધારો કર્યો છે. પહેલા રૂ. ૫૦ની જગ્યાએ નવા નિયમ મુજબ મિનિમમ બેલેન્સ ન રાખવા પર રૂ. ૧૫નો દંડ થશે.SBIના નિર્ણયથી ૧ એપ્રિલથી બેંકના ૨૫ કરોડ ગ્રહાકોને ફાયદો થશે. આ માટે બેંકનું કહેવું છે કે જુદા જુદા ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મેટ્રો અને અર્બન સેન્ટરોમાં મિનિમમ બેલેન્સ મેઇન્ટેનન્સના ચાર્જિસ રૂ.૫૦થી ઘટાડીને રૂ. ૧૫ કરવામાં આવ્યા છે. જયારે સેમી-અર્બન અને રૂરલ સેન્ટરમાં રૂ. ૪૦થી ઘટાડીને રૂ. ૧૨ અને રૂ.૧૦ કરવામાં આવ્યા છે. આ દરેક ચાર્જીસ પર અલગથી GST ટેકસ લાગુ પડશે.

બેંકનો આ નિર્ણય ત્યારબાદ આવ્યો છે જયારે પાછલા ૮ મહિનામાં મિનિમમ બેલેન્સ ચાર્જિસ દ્વારા બેંક પર રૂ.૧૭૭૧ કરોડ જેટલી માતબર રકમ કમાઈ લેવા અંગે નિંદા કરવામાં આવી રહી છે. દંડ દ્વારા વસૂલવામાં આવેલ આ રકમનો સરવાળો બેંકના જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરનો કુલ નફો રૂ. ૧૫૮૧ કરોડ કરતા પણ કયાંય વધુ છે.

ગત ઓકટોબર મહિનામાં બેંક દ્વારા પોતાના ગ્રાહકોના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા અંગે કાર્યવાહી કરતા રૂ. ૪૦-૧૦૦નો દંડ રાખવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે પાછળથી તેને ઘટાડીને રૂ. ૩૦-૫૦ કરીદેવાઈ હતી. જેને હજુ એકવાર ઘટાડવામાં આવી છે.

જોકે આ દંડની પ્રક્રિયામાં જનધન એકાઉન્ટ્સ, બેઝિક સેવિંગ એકાઉન્ટ્સ ડીપોઝિટ, પેન્શનર એકાઉન્ટ્સ, સોશિયલ સ્કિમના લાભાન્વિતોના એકાઉન્ટ્સ પર કોઇ જ પ્રકારના ચાર્જીસ રાખવામાં આવ્યા નથી.

બેંકના નિયમ મુજબ શહેરી વિસ્તારમાં રૂ.૩૦૦૦ અને સેમિ અર્બન અને ગ્રામ્ય વિસ્તારોમાં રૂ.૨૦૦૦થી રૂ.૧૦૦૦ મિનિમમ બેલેન્સ ફરજીયાત રાખવું પડે છે.

(3:44 pm IST)