Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

છત્તીસગઢ : સુકમામાં નક્સલીના હુમલામાં નવ જવાનો શહીદ થયા

૧૦૦થી પણ વધુ નક્સલવાદીઓની ટોળકીએ હુમલો કર્યો : સર્ચ ઓપરેશન વેળા સીઆરપીએફના જવાનોને પહેલા આઈઇડી બ્લાસ્ટથી ટાર્ગેટ બનાવ્યા બાદ અંધાધૂંધ ગોળીબાર : સરકાર ફરી એકવખત હચમચી

સુકમા, તા. ૧૩ : છત્તિસગઢના સુકમામાં આજે સર્ચ ઓપરેશનમાં વ્યસ્ત સીઆરપીએફના જવાનો પર માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા છુપા હુમલામાં ઓછામાં ઓછા નવ જવાનો શહીદ થયા છે અને આ હુમલામાં અન્ય છ જવાનો ઘાયલ પણ થયા છે. માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલામાં ઘાયલ થયેલા જવાનો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જવાનોને પહેલા આઇઇડી બ્લાસ્ટ મારફતે ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. મળેલી માહિતી મુજબ હુમલામાં આશરે ૧૦૦ માઓવાદીઓ હોવાની માહિતી મળી છે. નક્સલવાદીગ્રસ્ત સુકમાના કિસ્તરામ વિસ્તારમાં બપોરે ૧૨ વાગ્યાની આસપાસ સીઆરપીએફની ૨૧૨ની બટાલિયન પર હુમલો કરવામાં આવ્યો હતો. જવાનો સર્ચ ઓપરેશન માટે જઇ રહ્યા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. નક્સલવાદીઓ પહેલાથી જ સંતાયેલા હતા. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે નક્સલવાદીઓને જવાનોના મુવમેન્ટના સંબંધમાં પહેલાથી જ માહિતી મળી ગઇ હતી. નક્સવાદીઓએ પૂર્વ આયોજિત હુમલો કર્યો હતો. પીપલ્સ લિબરેશન ગ્રુપનો આ હુમલામાં હાથ હોવાની શંકા છે. દરમિયાન નક્સલ વિરોધી ઓપરેશનસ્પેશિયલ ડીજી ડીએમ અવસ્થીએ કહ્યુ છે કે એક પેટ્રોલ ટુકડી ગાડીમાં જઇ રહી હતી ત્યારે રસ્તામાં નક્સલવાદીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યો હતો. નક્સલી હુમલા અંગે માહિતી મળ્યા બાદ તરત જ વધારાના પોલીસ જવાનો અને અન્ય સુરક્ષા જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. નક્સલવાદીઓવારંવાર હુમલા કરતા રહ્યા છે. અ પહેલા ગયા વર્ષે એપ્રિલ મહિનામાં સુકમામાં નક્સલવાદીઓએ છુપો હુમલો કર્યો હતો. આ હુમલામાં ૨૫ જવાન શહીદ થયા હતા. આ તમામ જવાનો સીઆરપીએફના ૭૪મી બટાલિયનના હતા. જવાનોની ટીમ રોડ ઓપનિંગ માટે જઇ રહી હતી ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. સીઆરપીએફ ભોજન માટેની તૈયારી કરી રહ્યા હતા ત્યારે નક્સલવાદીઓએ અંધાધુંઘ ગોળીબાર કર્યો હતો. નક્સલવાદીઓએ ગયા વર્ષે ૨૫મી એપ્રિલના દિવસે પણ ભીષણ હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના ૨૫થી વધુ જવાનો શહીદ થયા હતા. તે પહેલા ૨૫મી મે ૨૦૧૩ના દિવસે સુકમા જિલ્લામાં ૧૦૦૦થી વધારે નક્સલવાદીઓની ટોળકીએ કોંગ્રેસની પરિવર્તન યાત્રા ઉપર હુમલો કર્યો હતો. આમા ૨૫ લોકોના મોત થઇ ગયા હતા. મોટાભાગના કોંગ્રેસી કાર્યકર હતા. ૬ઠ્ઠી એપ્રિલ ૨૦૧૦ના દિવસે દાંતેવાડાના વન્ય વિસ્તારમાં નક્સલવાદીઓએ સૌથી ભીષણ હુમલો કર્યો હતો જેમાં ૭૫ જવાન સહિત ૭૬ લોકોના મોત થયા હતા.

(7:40 pm IST)