Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ટ્રેનોમાં મહિલાઓ માટે લોઅર બર્થ અને સીટ રીઝર્વેશન નક્કી થશેઃ ઈ-ટીકીટ બુકીંગમાં ગર્ભવતી માટેનો વિકલ્પ હશે

મેઈલ અને એકસપ્રેસ ટ્રેનના તમામ સ્લીપર કોચમાં મહિલાઓ માટે ૬ - ૬ બર્થ રીઝર્વઃ વેઈટીંગ ટીકીટ ઉપર મુસાફરી કરતી મહિલાઓને ઉંમર મુજબ અગ્રતા ક્રમે બર્થ ફાળવાશે

રાયપુર, તા. ૧૩ :. ટ્રેનમાં મહિલાઓ માટે હવે લોઅર બર્થ કવોટા નક્કી કરી દેવાયો છે. અલગ અલગ કેટેગરીના ડબ્બામાં અલગ અલગ સંખ્યામાં બર્થની સંખ્યા નક્કી કરવામાં આવી છે. સરકયુલર મુજબ મેઈલ અને એકસપ્રેસ ટ્રેનના તમામ સ્લીપર કોચમાં મહિલાઓ માટે ૬ - ૬ બર્થ રીઝર્વ રાખવામાં આવશે. આવી જ રીતે ગરીબ રથના થર્ડ એ.સી. કોચમાં પણ ૬ બર્થ નક્કી કરવામાં આવી છે. ૪૫ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે તમામ મેઈલ-એકસપ્રેસ ટ્રેનોના થર્ડ અને સેકન્ડ એ.સી. કોચમાં ૩ - ૩ બર્થ રીઝર્વ રાખવામાં આવી છે. રાજધાની અને દુરંતો સહિતની પુરેપુરી એ.સી. ટ્રેનોના ત્રીજા વર્ગના એરકન્ડીશન્ડ કોચમાં ૪ લોઅર બર્થનો કવોટા મહિલાઓ માટે નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ગર્ભવતી મહિલાઓને અગ્રતા ક્રમ આપવામાં આવશે.

 

નવો સોફટવેર બનાવાઈ રહ્યો છે

 

રેલ્વે બોર્ડના કથન અનુસાર મહિલાઓ માટે લોઅર બર્થ કન્ફર્મ કરવા માટે રેલ્વેના આઈ.ટી. વિભાગ દ્વારા રીઝર્વેશન સીસ્ટમમાં નવો સોફટવેર ડેવલોપ થઈ રહ્યો છે. આ સોફટવેર નજીકના સમયમાં લાગુ કરી દેવાશે.

મહિલાઓને ઉંમર  મુજબ મળશે અગ્રતા

ટ્રેનોમાં વેઈટીંગ ટીકીટ સાથે મુસાફરી કરવાવાળી મહિલાઓને હવે રાહત મળશે. જેમાં વેઈટીંગ ટીકીટ કન્ફર્મ કરવામાં મહિલાઓને પ્રાથમિકતા તેમની ઉંમરને ધ્યાનમા રાખી આપવામાં આવશે. એટલુ જ નહિં ટ્રેનોમાં બર્થ ખાલી રહેવા ઉપર ટીટીઈ દ્વારા મહિલાઓને અગ્રતા ક્રમ એટલે કે તેમને પહેલા બર્થ આપવી પડશે. આ ઉપરાંત સમુહમાં મુસાફરી કરવાવાળી મહિલાઓને પણ ઉંમર મુજબ અગ્રતા ક્રમ આપવામાં આવશે.

સિનીયર સીટીઝનો  માટે પણ કવોટા

સિનીયર સીટીઝન માટે અલગ કવોટા નક્કી કરાયો છે. જો કે હવે લોઅર બર્થનો કવોટા વધવાથી આ કેટેગરીમાં રીઝર્વેશન કરાવવુ સહેલુ નહી હોય એવુ પણ બની શકે કે, ટીકીટ દલાલો વધુ પૈસા માગે ! રેલ્વે એ વડીલો માટે લોઅર બર્થની સીસ્ટમ લાગુ કરેલી છે. આઈઆરસીટીસી એ ઈ-ટીકીટ બુકીંગમાં આ સુવિધા આપી છે. ટીકીટ બુક કરાવતી વખતે લોઅર બર્થ અને સિનીયર સીટીઝનનું નવુ ઓપ્શન જોડવામાં આવ્યુ છે. જે 'ટીક' કરવાવાળા વડીલો માટે નીચેની સીટની ગેરેંટી મળે છે.

ઈ-ટીકીટ બુકીંગમાં ગર્ભવતી મહિલાઓ માટે વિકલ્પ

નવી સિસ્ટમમાં લોઅર બર્થની સુવિધા ગર્ભવતી મહિલાઓને મળશે. ગર્ભવતી મહિલાઓને હાલમાં રેલ્વેના રીઝર્વેશન ટીકીટ કાઉન્ટર ઉપરથી બુકીંગ કરાવતી વખતે જ લોઅર બર્થની સુવિધા આપવામાં આવી રહી છે. જે હવે નજીકના સમયમાં ઈ-ટીકીટીંગમાં પણ અપડેટ થશે.(૨-૭)

 

(12:13 pm IST)