Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ખેડૂત આંદોલનની મુલાકાતે પહોંચ્યા મહાત્મા ગાંધીના પૌત્રી : તારા ગાંધી ભટ્ટાચાર્ય ગાઝીપુર બોર્ડર પર પહોંચ્યા : ખેડૂત નેતાઓએ મંચ પર સ્વાગત કર્યુ અને તેમના આશિર્વાદ પણ લીધા

તારા ગાંધીએ કહ્યું તમારે લોકોએ હિંસાની જરૂર નથી. આપના કામમાં સત્યતા છે. હું અહીં આવી છું, આપ દરેકને જોઈને મારુ જીવન સફળ થઈ ગયું

નવી દિલ્હી :કૃષિ કાયદાની વિરુદ્ધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે મહાત્મા ગાંધીના પૌત્રી તારા ગાંધી ભટ્ટાચાર્ય ગાઝીપુર બોર્ડર પર પહોંચ્યા હતા. તેમણે ત્યાં આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન નેતાઓએ મંચ પર તેમનું સ્વાગત કર્યુ અને તેમના આશિર્વાદ પણ લીધા હતા.

મંચ પરથી ખેડૂતોને સંબોધન કરતા તારા ગાંધીએ જણાવ્યુ હતું કે, હું રાકૈશ ટિકૈત અને અન્ય નેતાઓને મળવા માટે અહીં આવી છું. દિલ્હીથી બોર્ડર સુધી આવવા માટે ભલે કલાકોનો સમય લાગ્યો હોય, પણ હું આ યાત્રાને ક્યારેય નહીં ભૂલી શકું.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, આજે અમે જીવતા છીએ તો, આપના (ખેડૂતોના) કારણે. જો ખેડૂતોનું હિત નહીં હોય, આપણુ પણ હિત નહીં થાય. આપ દરેક અહીં આવ્યા છો, આપ મહેમાન છો. હું દરેકને પ્રણામ કરૂ છું. હું ન તો રાજકારણ જાણુ છુ, ન તો કાયદો જાણુ છું. પણ આપ દરેક મને તમારા ગામની જ માનજો. આપ દરેકને હું પ્રાર્થના કરુ છું કે, સત્યની જીત થશે, જે પણ થશે સારૂ જ થશે.

તેમણે ખેડૂત નેતાઓ તરફ ઈશારો કરતા જણાવ્યુ હતું કે, આપ દરેકને હું કહેવા માગુ છું કે, પર્યાવરણ તો દૂષિત છે, પણ મનને દૂષિત કરતા નહીં. તમારે લોકોએ હિંસાની જરૂર નથી. આપના કામમાં સત્યતા છે. હું અહીં આવી છું, આપ દરેકને જોઈને મારુ જીવન સફળ થઈ ગયું. હું તમારી સાથે છું. આપને નમન કરૂ છું.

(12:57 am IST)