Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

કુંભ મેળામાં ફરી ભીષણ આગ લાગીઃ બિહારના રાજયપાલનો ચમત્કારીક બચાવ

નિંદ્રામાં સુતેલા લાલજી ટંડનના ફોન-ચશ્મા-ઘડીયાળ ભસ્મીભૂત

પ્રયાગરાજ,ઉત્ત્।રપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં ફરી એક વખત ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. બિહારના રાજયપાલ લાલજી ટંડનનો આ આગમાં આબાદ બચાવ થયો છે. આગ ટંડનના કેમ્પમાં મોડી રાતે લગભગ અઢી વાગ્યે લાગી હતી, જે સેકટર-૨૦ના અરેલ વિસ્તારમાં બનેલા ત્રિવેણી ટેન્ટ સિટીમાં આવેલો છે.

ફાટરબ્રિગેડના જવાનોએ લોકોની મદદથી લાલજી ટંડનને સલામત રીતે ટેન્ટની બહાર કાઢ્યા હતા. ગાઢ નિદ્રામાં સૂઈ રહેલા ટંડનનો મોબાઈલ ફોન, ચશ્માં અને દ્યડિયાળ સહિતનો સામાન આગમાં સળગીને ખાખ થઈ ગયો છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ ફાટરબ્રિગેડે આપ્યું છે. આ ઘટનામાં કોઈ વ્યકિતને નુકસાન થયું નથી. આગ લાગ્યા બાદ લાલજી ટંડનને કુંભ મેળાના સર્કિટ હાઉસમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

બિહારના રાજયપાલ લાલજી ટંડન સેકટર-૨૦ના અરેલ વિસ્તારમાં આવેલા ત્રિવેણી ટેન્ટ સિટીમાં રોકાયા હતા. મોડી રાતે ઓચિંતી તેમના ટેન્ટમાં ભયાનક આગ લાગી હતી. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી અને ટંડનને સુરક્ષિત રીતે ટેન્ટની બહાર કાઢવામાં આવ્યા હતા. રાતે સાડા ત્રણ વાગ્યે તેમને સર્કિટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

આ અગાઉ ૧૦ ફેબ્રુઆરીએ સેકટર-૧૩ના દંડી બાડા નગરના ડંગજી ભૂરા મઠમાં ભયાનક આગ લાગી હતી. આ આગમાં મઠના ચાર કેમ્પ સળગીને ખાખ થઈ ગયા હતા. તે પહેલાં ૫ ફેબ્રુઆરીએ કુંભ મેળા ક્ષેત્રના સેકટર-૧૫માં આવેલા નાથ સંપ્રદાયની શિબિરમાં બપોરે ૧૨ વાગ્યે આગ લાગી હતી. આગમાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના વિરામ માટે બનાવવામાં આવેલા બંને મહારાજા ટેન્ટ સળગી ગયા હતા. આ આગથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલો પણ મલ્યા હતા. યોગી મહાસભાનો પંડાલ ઓલ્ડ જીટી રોડ પર બનાવવામાં આવ્યો હતો.

એ પહેલા ૧૯ જાન્યુઆરીએ મેળા ક્ષેત્રના સેકટર-૧૩માં આગ લાગી હતી. ૧૬ જાન્યુઆરીએ પણ સ્વામી વાસુદેવાનંદની શિબિરમાં આગ લાગી હતી. શિબિરમાં એ સમયે ભંડારો ચાલી રહ્યો હતો. આગ લાગવાથી ભંડારાનો ટેન્ટ સળગી ગયો હતો. ૧૪ જાન્યુઆરીએ દિગંબર અખાડામાં ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની અડધો ડઝન ગાડીઓએ કલાક સુધી મહેનત કર્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કુંભ મેળો ૩૨૦૦ હેકટર કરતાં પણ વધુ વિસ્તારમાં આયોજિત થયો છે. સમગ્ર ક્ષેત્રને નવ ઝોન અને ૨૦ સેકટરમાં વહેંચી દેવામાં આવ્યું છે. લોકોની ભારે ભીડ જોતા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અહીં ૨૦ હજારથી વધુ પોલીસકર્મીઓ, ૬ હજાર હોમગાર્ડ, ૪૦ પોલીસ સ્ટેશન, ૫૮ પોલીસ ચોકી, ૪૦ ફાયરબ્રિગેડ સ્ટેશન, કેન્દ્રિય સુરક્ષા દળોની ૮૦ કંપનીઓ અને પીએસીની ૨૦ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. (૪૦.૭)

(3:41 pm IST)