Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

આધાર વગર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાશે નહીં

ગુરૂવારથી અમલ : વર્ષ ર૦૧૭ સુધીમાં છ કરોડથી વધુ ફોલિયા

મુંબઇ, તા. ૧૩ : સરકારે આધાર નંબરને મોટા ભાગની સરકારી યોજનાઓ સાથે સાંકળી લીધો છે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં પણ તેને ફરજિયાત બનાવવાની કવાયત હાથ ધરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં ૧પ ફેબ્રુઆરીથી આધાર નંબર વગર રોકાણ થઇ શકશે નહીં.

બીએસઇએ આ અંગે પરિપત્ર પણ જાહેર કરી દીધો છે. સકર્યુલરમાં એવું જાણવામાં આવ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓને ૩૧ માર્ચ, ર૦૧૮ સુધી પોતાનો આધાર નંબર લિંક કરાવવો પડશે. જો તેમ કરવામાં નહીં આવે તો તેઓનું રોકાણ બ્લોક કરી દેવામાં આવશે અને તેને કારણે આવા રોકાણકારો પોતાના આધાર નંબર વગરનું રોકાણ પાછું ખેંચી શકશે નહીં.

સરકારે પાછલા વર્ષે જૂન મહિનામાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટમાં સંશોધન કર્યું હતું, જે અંતર્ગત તમામ મ્યુચ્યુલ ફંડ, શેરબજાર અને બેન્કોમાં આધારને લિંક કરાવવાનું જરૂરી થઇ ગયું છે તે અનુસાર રોકાણકારના મ્યુચ્યુઅલ ફંડમાં એકથી વધુ પોર્ટફોલિયો હોય તો તમામને આધાર નંબર સાથે લિંક કરાવવો જરૂરી બનશે.

બીએઇએ પોતાના પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આવતીકાલ સુધી રોકાણ કરતા પોતાના મ્યુચ્યુઅલ ફંડના ફોલિયોમાં ૩૧ માર્ચ, ર૦૧૮ સુધી આધાર લિંક કરાવવાનો રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો મ્યુચ્યુઅલ ફંડના ફોલિયોને 'સિઝ' કરી દેવામાં આવશે અને તેના કારણે રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડના ફોલિયોને આધાર લિંક વગર ટ્રાન્ઝેકશન કરી શકશે નહીં.

નોંધનીય છે કે શેરબજારમાં જોવા મળેલી તેજીની સાથેસાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા રોકાણકારોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.

દેશભરમાં મ્યુચ્યુઅલ ફંડમાં વર્ષ ર૦૧૭ સુધીમાં છ કરોડથી વધુ ફોલિયો છે.

પાછલા વર્ષે સ્મોલકેપ અને મિડકેપ સેકટરના શેરમાં જોવા મળેલા ઉછાળાના પગલે મ્યુચ્યુઅલ ફંડના સ્મોલકેપ અને મિડકેપ ફંડમાં પણ એવરેજ ૪૦થી પ૦ ટકા જેટલુ રિટર્ન છૂટયું હતું અને તેના કારણે નાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોની સંખ્યામાં વધારો થયો હતો.

(4:31 pm IST)