Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સીઆરપીએફ કેમ્પ પર હુમલામાં બે આતંકવાદી ઠાર : હથિયારો જપ્ત

સતત બીજા દિવસે ભારતીય સેનાનું ઓપરેશન શ્રીનગરમાં જારી : સુંજવાન આર્મી કેમ્પ હુમલામાં ઇજાગ્રસ્ત વધુ એક જવાનના મોતથી મોતનો આંકડો વધીને સેનાના પક્ષે છ ઉપર પહોંચ્યો : પરિવારોને સુરક્ષિત બચાવાયા

શ્રીનગર,તા. ૧૩ : જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરના કરણ નગર સ્થિત સીઆરપીએફ કેમ્પ પાસે સેના અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ આજે પણ જારી રહી  હતી. સતત બીજા દિવસે સેનાનું ઓપરેશન જારી રહ્યું હતું. હજુ સુધી બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ઓપરેશન સેનાનું ચાલી રહ્યું છે. સીઆરપીએફના આઈજી ઓપરેશન ઝુલ્ફીકાર હસને કહ્યું છે કે, અથડામણ હજુ પણ ચાલી રહી છે. એન્કાઉન્ટરમાં ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. નાગરિકો અને સંપત્તિને નુકસાન ન પહોંચે તે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. એકબાજુ હિમવર્ષા અને બીજી બાજુ આતંકવાદીઓના ગોળીબાર એમ બે મોરચા ઉપર ભારતીય જવાનો સાહસનો અદ્ભુત પરિચય આપી રહ્યા છે. સીઆરપીએફ જવાનો, પોલીસ અને સેના દ્વારા જે કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેને ચારેબાજુથી ઘેરી લઇને તપાસ ચલાવી રહી છે. આજે સીઆરપીએફના આઈજી રવિદીપ સહાએ કહ્યું હતું કે, સવારે બે આતંકવાદીઓએ ઘુસણખોરીના પ્રયાસ કર્યા હતા. પરિવારના લોકોને સુરક્ષિત કાઢવામાં આવી ચુક્યા છે. સીઆરપીએફના ઓપરેશનમાં એક જવાનને ઇજા થઇ હતી જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. સોમવારે સાડા ચાર વાગે ત્રાસવાદીઓએ સીઆરપીએફ કેમ્પમાં હુમલો કર્યો હતો. સુંજવાન આર્મી કેમ્પ ઉપર હુમલા બાદ સતત બીજો હુમલો ત્રાસવાદીઓએ કર્યો છે.  મોટુ નુકસાન કરવાની ત્રાસવાદીઓની યોજનાને નિષ્ફળ કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ સુંજવાન આર્મી કેમ્પમાંથી વધુ એક જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી આ હુમલામાં મોતનો આંકડો વધીને હવે છ થઇ ગયો છે. આ હુમલામાં છ જવાન શહીદ થયા છે અને એક નાગરિકનુ મોત થયુ છે. ચાર ત્રાસવાદીઓને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે શનિવારે સવારે ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ જવાન શહીદ તઇ ગયા હતા અને એક નાગરિકનુ મોત થયુ હતુ. હુમલાને અંજામ આપનાર  ચારેય ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો.  ભારતીય સેનાના જવાનોએ વધુ નુકસાન ન થાય તે હેતુસર આ ઓપરેશન ચલાવ્યુ હતુ. જેથી વધારે નુકસાન થયુ હતુ.  ઠાર મરાયેલા ત્રાસવાદીઓની પાસેથી એકે ૪૭ અને અન્ય ઘાતક હથિયારોનો જથ્થો મળી આવ્યા હતા. જે પણ કેટલાક પ્રશ્નો ઉભા કરે છે.  આર્મી કેમ્પ પર શનિવારે ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો.  ઓપરેશન ઓલઆઉટ સેનાએ હાથ ધરીને ૨૦૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાઇ ગઇ છે. જેથી ત્રાસવાદીઓ સેનાના જવાનો અને તેમના પરિવારના સભ્યો પર હુમલા કરી રહ્યા છે. દેશના તમામ લોકો સારી રીતે જાણે છે કે જમ્મુકાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ઓપરેશન ઓલઆઉટ ચાલે છે. જેના ભાગરૂપે ત્રાસવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યા છે.

આ ઓપરેશન મોતના ખેલ સમાન છે. ભારતીય સેનાના જવાનો સામે જઇને જંગ લડી રહ્યા છે. કારણ કે ત્રાસવાદીઓ સ્થાનિક વિસ્તાર અને વન્ય વિસ્તારમાં ક્યાં છુપાયેલા છે અને ક્યાંથી ગોળી આવી જાય તે કહી શકાય નહી. આવી સ્થિતીમાં ભારતીય લોકોના રક્ષણમાં રહેલા જવાનો સામે પ્રશ્ન કરવા અને શંકા કરવાની બાબત કોઇને પણ શોભા દેતી નથી.

(7:40 pm IST)