Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

'વિલ યુ બી માય વેલેન્ટાઈન.... મુજસે દોસ્તી કરોગે....'

કાલે વેલેન્ટાઈન - ડે : લાગણી વ્યકત કરવાનો અવસર

યુવા હૈયાઓમાં થનગનાટ : કાર્ડસ - ગીફટની બજારોમાં ધૂમ ધરાકી

રાજકોટ, તા. ૧૩ : યુવાધન જેની રાહ જોઈને બેઠા હોય છે તેઓનો દિવસ આવી રહ્યો છે. આવતીકાલે વેલેન્ટાઈન-ડે છે. સંત વેલેન્ટાઈનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. પશ્ચિમી સંસ્કૃતિનો આ તહેવાર છેલ્લા ઘણા સમયથી આપણે ત્યાં પણ ખીલ્યો છે. એકબીજા માટે પોતાની લાગણી વ્યકત કરવા માટે યુવાઓ વેલેન્ટાઈન વીકની ઉજવણી કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી વિવિધ ડે ઉજવી ગીફટની આપ-લે કરી ખુશી વ્યકત કરી રહ્યા છે. વેલેન્ટાઈન્સ વિકનો આજે છેલ્લો દિવસ આજે કિસ ડે છે. આવતીકાલે વેલેન્ટાઈન ડે હોય યુવા હૈયાઓએ તૈયારી કરી લીધી છે. એકબીજાને કાર્ડઝ - ગીફટની આપ-લે કરી આ પર્વની ઉજવણી કરશે.

જો કે આ પર્વ માત્ર યુવાઓ માટેનું જ નથી. કોઈપણ ઉંમરના લોકો ઉજવી શકે છે. બાળકોથી માંડી મોટેરાઓ પતિ, પત્નિ એકબીજાને ગીફટ આપી આ પર્વની ઉજવણી કરતા હોય છે.

દરમિયાન છેલ્લા એક સપ્તાહથી વોટ્સએપને લગતા મેસેજીસ ફરી રહ્યા છે. આવતીકાલે વેલેન્ટાઈન-ડે હોય આજે મધરાતથી જ વોટ્સઅપ ઉપર વિવિધ લખાણોવાળા મેસેજનો મારો જોવા મળશે. લોકો એકબીજાને મેસેજ શેર કરશે. તો વિવિધ ગ્રુપમાં પણ અવનવા લખાણવાળા મેસેજ ફરતા જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વેલેન્ટાઈન ડે નિમિતે તે દિવસના એક સપ્તાહ અગાઉથી ઉજવણી શરૂ થવા લાગતી હોય છે. યુવાધન વિવિધ દિવસની ઉજવણી કરતા હોય છે તો છેલ્લા કેટલાક દિવસોથી કાર્ડ અને ગીફટના શોરૂમોમાં ધૂમ ધરાકી જોવા મળે છે. આવા શો રૂમમાં દર વખતની જેમ આ વખતે પણ ખાસ કરીને યુવા ધન માટે ચેન, બ્રેસલેટ, ટીશર્ટ, વોલેટ સહિત અનેકવિધ ઢગલાબંધ વેરાયટીઓ જોવા મળી રહી છે. આજે અને આવતીકાલે પણ શોરૂમમાં યુવાધન ઉમટી પડશે.

આ એક પ્રેમનો પર્વ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પર્વના નામે ઘટનાઓ બની રહી છે જે યોગ્ય નથી. પશ્ચિમી સંસ્કૃતિનો આ તહેવાર છે.(૩૭.૩)

(11:39 am IST)