Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

સૌરાષ્ટ્ર કચ્છમાં કોરોનાના નવા સ્ટ્રેનનો દર્દી દેખાતાં ચિંતા, લંડનથી કચ્છના માંડવી આવેલ યુવાનનો રિપોર્ટ પોઝિટિવ : સંપર્કમાં આવેલા ૧૦ જણાને કવોરેન્ટાઈન કરાયા, ભુજના બે એનઆરઆઈ ને પણ કોરોના પોઝિટિવ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: કોરોનાનો નવા સ્ટ્રેન સૌરાષ્ટ્ર કચ્છમાં દેખાતાં આરોગ્યતંત્ર માં દોડધામ મચી ગઈ છે. કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે લંડનથી માંડવી આવેલ ૩૭ વર્ષીય યુવાન એનઆરઆઈ નવા સ્ટ્રેનથી સંક્રમિત હોવાનું રિપોર્ટમાં આવ્યું છે. ગત ૩૧ તારીખે આ યુવાનનું સેમ્પલ લઈને તે સેમ્પલ પૂના વાયરોલોજી લેબમાં મોકલાયું હતું. જેમાં આ યુવાનને બ્રિટનમાં દેખાયેલા કોરોનાનો નવો સ્ટ્રેન હોવાનું જણાયું છે. હાલે આ યુવાનની તબિયત સ્થિર છે અને તે મુન્દ્રાના પ્રાગપર ગામે આવેલા એંકરવાલા અહિન્સાધામ મધ્યે ઊભા કરાયેલા કવોરેન્ટાઈન સેન્ટર મધ્યે જિલ્લા આરોગ્ય તંત્રની દેખરેખ તળે સારવાર હેઠળ છે. તેની સાથે સંપર્કમાં આવનારા ૧૦ જણાને પણ કવોરેન્ટાઈન કરાયા છે. તો, લંડનથી ભુજની પટેલ ચોવીસીમાં  આવેલા પતિ પત્ની પોઝિટિવ છે. જોકે, આ બન્ને પતિ પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમનામાં નવા સ્ટ્રેનનો વાયરસ નથી. આ બન્ને જણ પણ સારવાર હેઠળ હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. આમ, અત્યારે કચ્છમાં દેખાયેલા કોરોનાના નવા સ્ટ્રેને લોકોમાં ચિંતા સર્જી છે તો આરોગ્યતંત્ર દોડતું થયું છે.

(6:47 pm IST)