Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ઇનપુટ ટેક્સ ક્રેડિટનાં ખોટા દાવા મામલે DGGIની એમેઝોનને શો કોઝ નોટીસ

જીએસટી ઇન્ટેલિજન્સ બ્રાન્ચે એમેઝોન ઇન્ડિયા પાસે 175 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી

નવી દિલ્હી : જીએસટી ઇન્ટેલિજન્સ વિભાગના મહાનિદેશક (DGGI)એ ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રણી કંપની અમેઝોન ઇન્ડિયાને નોટિસ જારી કરી છે. કંપની પર ઇનપુટ ટેક્સ ક્રેડિટના ખોટા દાવાનો આરોપ છે. સૂત્રો અનુસાર જીએસટી ઇન્ટેલિજન્સ બ્રાન્ચે એમેઝોન ઇન્ડિયા પાસે 175 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી છે.

નોટિસ અનુસાર DGCIની તપાસમાં એમેઝોન ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ ગણતરીમાં ભૂલો જણાઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીએ પહેલા વધુ જીએસટીની ચુકવણી કરી પછી રિફંડનો દાવો કર્યો હતો. એટલે કે વધુ જીએસટી ચુકવણી માટે કંપનીએ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ખોટો દાવો કર્યો હતો. DGGIએ અમેઝોન ઇન્ડિયાને પાઠવેલ નોટિસમાં વાસ્તવિક બાકી લેણાં અંગે પૂછ્યું છે.

ટેક્સ ચોરીને રોકવા માટે DGGIએ ઘણા કડક પગલા ભર્યા છે. તેનાથી એક દિવસ અગાઉ જ ઉબર અને ઓલા વિરુદ્ધ જીએસટી ચોરીને લઈને તપાસ શરુ થઇ છે. કરોડો રૂપિયાની જીએસટી ચોરી મામલે કંપનીઓના અધિકારીઓને સમન્સ મોકલવામાં આવ્યું છે. આ અગાઉ પણ ફ્લિપકાર્ટ અને ઝોમાટો જેવી ઓનલાઇન સર્વિસ આપતી કંપનીઓને પણ જીએસટી મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી

(12:26 pm IST)