Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ભરશિયાળે માવઠુઃ પવનના સુસવાટાઃ શિયાળુ પાકને નુકશાન

જૂનાગઢ, મેંદરડા, માંગરોળ, માણાવદર, દ્વારકા, રાજકોટ, ધોરાજી, ભૂજ, નખત્રાણા, પોરબંદર સહિતના સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં કમોસમી વરસાદ : જીરૂ, ચણા, ઘઉં, ડુંગળી સહિતના પાકને નુકશાનઃ પોષ મહિનામાં ફરી માવઠુ થતા ખેડૂતોમાં ભારે ચિંતાઃ પતંગરસીકોમાં નિરાશા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ : રાજકોટ : રાજકોટ-ભુજ-જુનાગઢ સહિત અનેક વિસ્તારોમાં સવારે  આઠ વાગ્યા આસપાસ હળવો વરસાદ પડયો હતો. ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. આગામી મકરસંક્રાંત પછી ફરી ઠંડીનો બીજો દોર આવી રહ્યાનું જાહેર થયું છે. તસ્વીરમાં જુદા જુદા વિસ્તારોમાં પડેલ વરસાદી પાણી નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મોડી રાત્રીના તથા આજે વહેલી સવારે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા શિયાળુ પાકને ભારે નુકશાન થયુ છે. આજે સવારે કમોસમી વરસાદ બાદ ઠંડીમાં રાહત થઈ હતી, પરંતુ ત્યાર બાદ ઠંડા પવનના સુસવાટા શરૂ થયા છે. મકરસંક્રાંતિ પર્વના એક દિવસ પહેલા કમોસમી વરસાદ વરસતા પતંગરસીયાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.

અફઘાનિસ્તાનમાં સર્જાયેલુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધતા સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

ગઇ કાલે મોડી રાત્રીના અને આજે વહેલી સવારે દ્વારકા, નખત્રાણા, ભુજ, જુનાગઢ, માંગરોળ, કેશોદ, રાજકોટ, સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો.

સૌરાષ્ટ્રભરમાં આજે સોમવારે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં છાંટા પડયા હતા. તો જામનગર, પડધરી, દ્વારકા, દ્વારકા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે. હાલ જીરૂ, ચણા, ઘઉં અને ડુંગળીનો પાક વાવેલો હોય નુકશાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ભરશિયાળે વરસાદ પડતા વાતાવરણમાં વધુ ઠંડી જોવા મળી રહી છે.

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં બસસ્ટેન્ડ, ટાવરચોક સહિતના વિસ્તારોમાં

ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી છાંટા પડયા હતા. મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ ગાઢ ધુમ્મસ અને બીજી તરફ વરસાદથી ખેડૂતો પર પડયા પર પાટા સમાન સ્થિતિ સર્જાઇ છે.

અગાઉ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીનો પાક કમોસમી વરસાદને કારણે નિષ્ફળ ગયો હતો. આથી ખેડૂતોને ઘઉં, ચણા, જીરૂ અને ડુંગળીના પાક સારી રીતે તૈયાર થશે તેવી આશા હતી પરંતુ આજે વરસાદ પડતા તેને  પણ નુકશાન થયું છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થઇ રહેલા બરફ વર્ષા વચ્ચે કચ્છમાં પણ મોસમનો મિજાજ બદલાયો છે. છેલ્લા ચારેક દિવસ થયા ઠંડીની વધ ઘટ અનુભવતા કચ્છી ભાડુઓ આ શિયાળો વધુ આકરો હોવાનો અહેસાસ કરી રહ્યા છે. તેની વચ્ચે રાત્રી દરમ્યાન ભુજ સહિત કચ્છમાં અનેક જગ્યાએ ઝરમર ઝરમર વરસાદ સાથે પડેલા માવઠાએ વાતાવરણમાં બદલાવ આવ્યો છે. પરોઢિયે ભીજાયેલા ઘરના આંગણાઓ, શેરીઓ અને રસ્તાઓની સાથે સાથે બર્ફિલા પવનોનો અહેસાસ કરવતી શીત લહેરોએ જાણે કચ્છને કાશ્મીર બનાવી દીધું છે. ગોરંભાયેલા આકાશ વચ્ચે સૂરજ વાદળોમાં છુપાઇ ગયો હોય ઠંડી વધુ કાંતિલ બની છે અત્યારે સમગ્ર કચ્છમાં ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે. તે જોતા લાગે છે કે, આ વખતે શિયાળો વધુ આકરો બનશે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ નવરાત્રી, દિવાળી, અને હવે મકરસંકાતી પર મેઘરાજાએ મંડાણ કર્યા છે. મોરબી જીલ્લામાં સવારથીસ વાતવરણમાં પલટો આવ્યો અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઝરમર કમોસમી વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદ વરસતા રોડ રસ્તા ભીના થયા હતા તો વાતાવરણ ઠંડુગાર બન્યું હતું અને સવારના સમયે વ્યવસાયે જતા લોકોને ઠંડીની સાથે સાથે ઝરમર વરસાદના કારણે મુશ્કેલી વેઠવી પડી હતી.

ભરયિાળે મોરબી જીલ્લાના નાના વાવડી, બીલીયા, શનાળા, રવાપર, જેતપુર, મળિયા, વેણાંસર, ખાખરેચી, કુંભારિયા, હળવદ, માનગઢ, ટીકર અને અજીતગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો તો કમોસમી વરસાદ વરસતાની સાથે ખેડુતોની ચિતામાં વધારો થયો છે. ચોમાસાની સીઝનમાં અતિવૃષ્ટિ અને માવઠાના મારના કારણે ખેડુતો બેહાલ થયા હતા તો હવે શીયાળા પણ કામોસમી વરસાદ વરસતા હોવાનો વારો આવ્યો છે અને જો વધારે વરસાદ વરસે તો ખેતરમાં રહેલ ઘઉં, જીરૃં, ચણા સહિતના શિયાળુ પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ જુનાગઢ, માણાવદર - વિસ્તારમાં સાંજે કમોસમી વરસાદ થતા અને વંથલી, ભેસાણ માળીયા ,કેશોદ, બાટવામાં છાંટા વરસતા લોકો અને ખેડુતો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.

કમોસમી વરસાદની આગાહી વચ્ચે અને સવારે જુનાગઢના વાતાવરણનો પલ્ટો આવેલ અને સવારના અચાનક જ ધીમી ધારે કમોસમી વરસાદ વરસતા માર્ગો ભીના થઇ ગયા અને ખાબોચીયા ભરાઇ ગયા હતા.

જુનાગઢમાં  કમોસમી વરસાદને લઇ દોલતપરા સ્થિત માર્કેટીંગ  યાર્ડમાં રોડ બહાર પડેલ મગફળી પલળી ગઇ હોવાના સમાચાર છે.

જુનાગઢની સાથે માણાવદર પંથકમાં પણ સવારે કમોસમી વરસાદનું ઝાપટુ વરસતા ખેડુતોની પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જા છે.

આ ઉપરાંત સોરઠના વંથલી, ભેંસાણ, માળીયા હાટીના, બાટવા અને કેશોદ વિસ્તારમાં પણ આજે સવારે કમોસમી વરસાદના છાંટા વરસ્યા હતા.

આજના વરસાદ છતા તાપમાનમાં કોઇ ફરક પડ્યો નથી. સવારે જુનાગઢનુ લઘુતમ તાપમાન ૧૮.૭ ડિગ્રી નોંધાયુ હતુ. જેના પરિણામે ઠંડી નહીવત થઇ ગઇ હતી.

વાતાવરણમાં પ્રમાણ ૮૯ ટકા રહેતા કેટલાક વિસ્તારોમાં ઝાકળ વર્ષા થઇ હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૧ કિમીની રહી હતી.

માંગરોળમાં વહેલી સવારે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.  કમોસમી વરસાદ વરસતા થતા જગતનો તાત ફરી ચિંતા તુર છે. એકાએક વાતાવરણમાં પલટો આવતા માંગરોળ પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. માંગરોળ બસ સ્ટેન્ડ ટાવરચોક  તથા અન્ય  પાણી પાણી થયા હતા.  ઘઉ ધાણા ચણા સહિતના પાકને ભારે નુકશાની થાય તેવી શકયતા રહી છે.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : આજે વહેલી સવારે સાડા છ વાગ્યે વરસાદનું જોરદાર ઝાપટું પડી ગયું હતું જે માત્ર પાંચ મિનિટ ચાલુ રહ્યું છે, પરંતુ પાંચ મિનિટમાં રોડ ભીના કરી ગયું હતું. ભરશિયાળામાં વરસાદ જોઇને લોકો ઉંઘમાંથી ઉઠીને ચકિત થઇ ગયા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ શહેરનું લઘુતમ તાપમાન ૧૭ ડીગ્રી, મહતમ ર૯.પ ભેજ  ૮ર ટકા અને પવનની ઝડપ ૪.રપ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

(3:36 pm IST)