Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

વિરોધ પ્રદર્શને કંપનીઓને પડયા પર પાટુ માર્યુઃ કરોડોનું નુકશાન

સીએએના દેશવ્યાપી પડઘા પડતા કારથી લઈને ઘડીયાલ સુધીના ઉદ્યોગોની માઠીઃ શો-રૂમમાં આવતા ગ્રાહકોની સંખ્યા ઘટીઃ મંદી ઉપરાંત વધારાનો ફટકોઃ પ્રવાસ ઉદ્યોગની કમ્મર તૂટી ગઈઃ પ્રવાસના બુકીંગ ધડાધડ કેન્સલ થયાઃ હોટલ વ્યવસાયની પણ માઠીઃ વિદેશીઓના પ્રવાસનું પ્રમાણ ઘટયું

નવી દિલ્હી, તા. ૧૩ :. નાગરિકતા સંશોધન એકટ એટલે કે સીએએને લઈને દેશભરમાં થયેલા દેખાવોની સૌથી માઠી અસર કંપનીઓ પર પડી છે. દેશના વિવિધ શહેરોમાં થયેલા વિરોધ પ્રદર્શનને કારણે કારથી લઈને ઘડીયાળ સુધીના શો-રૂમમાં આવતા ગ્રાહકોની સંખ્યામાં ભારેખમ ઘટાડો જોવા મળ્યો છે. એટલુ જ નહિ દિલ્હી, લખનૌ અને કોલકત્તા જેવા શહેરોમાં તંત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધાત્મક આદેશોને કારણે ફુડ બિઝનેશને પણ માઠી અસર પડી છે.

ટાઈટન કંપની લી. કે જે ૮૦૦૦ કરોડના ઘડીયાલના માર્કેટ ઉપર અડધાઅડધનો હિસ્સો ધરાવે છે તેણે જણાવ્યુ છે કે, નોર્થ ઈસ્ટ અને દેશના અન્ય ભાગોમાં થયેલા દેખાવ કાર્યક્રમોને કારણે અમારે સ્ટોર્સ બંધ રાખવા પડયા જેની વેચાણ પર અસર પડી છે.

બે મોટી કાર બનાવતી કંપનીઓના ટોચના અધિકારીઓએ જણાવ્યુ છે કે, વિરોધને કારણે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અમારી કંપનીના શો-રૂમમાં આવતા ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. એટલુ જ નહિ ઓટો કંપનીઓને શીપમેન્ટ અને સપ્લાયમાં પણ મુશ્કેલી પડી હતી.

નેશનલ રેસ્ટોરન્ટ એસો. ઓફ ઈન્ડીયાના જણાવ્યા પ્રમાણે દિલ્હી, લખનૌ, કોલકતા સહિતના શહેરોમાં હિંસા અને બંધની અમારા વ્યવસાય પર અસર પડી છે. આ ઉપરાંત ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને પણ માઠી અસર પડી છે. લોકોએ પ્રવાસના કાર્યક્રમો મુલત્વી રાખ્યા છે. અનેક લોકોએ બુકીંગ કેન્સલ કરાવ્યા છે. એટલુ જ નહિ રશિયા, કેનેડા, અમેરિકા, યુકે અને ઈઝરાયેલ જેવા દેશોએ પોતાના નાગરિકોને ભારતના પ્રવાસે જતા સાવચેત રહેવા જણાવ્યુ છે. એટલુ જ નહિ નોર્થ ઈસ્ટ પ્રવાસ કેન્સલ કરવા પણ કહ્યુ છે. ટ્રાવેલ ઉદ્યોગ કહે છે કે જો વિરોધ લાંબો ચાલશે તો ઉદ્યોગ બેથી ત્રણ મહિના પાછળ ધકેલાય જશે. આવી રહેલી સીઝનમાં પણ મુશ્કેલી પડશે. આસામમાં નેશનલ પાર્કમાં તમામ ઓપરેટરોએ બુકીંગ બંધ કરી દીધા છે. હાલ રીસોર્ટ અને હોટલ ફુલ હોય તેના બદલે ખાલી જણાય છે.

હીરો ઈલેકટ્ર્ીકના એમ.ડી. નવીન મુંજાલનું કહેવુ છે કે, વિરોધની નેગેટીવ ઈમેજ બની છે અને અર્થતંત્રને મોટુ નુકશાન થયુ છે.

(11:47 am IST)