Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

સંત સંમેલનમાં નકકી થશે રામ મંદિર નિર્માણની તારીખ

યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે સંત સંમેલનમાં

ર૧ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં થશે આયોજન

પ્રયાગરાજ તા. ૧૩ :.. કુંભમેળાની જેમ જ આ વખતનો માઘમેળો પણ વિહીપ માટે બહુ મહત્વપુર્ણ છે. આ વખતનો માઘ મેળો હિન્દુત્વના એજન્ડા પર કેટલાક ખાસ નિર્ણયોનો સાક્ષી બનવાનો છે. કેમ કે ર૧ જાન્યુઆરીએ વિહિપ શિબીરમાં આયોજીત સંત સંમેલનમાં રામ મંદિર નિર્માણની તારીખની જાહેરાત થઇ શકે છે. તે પહેલા ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ મંદિર નિર્માણની તૈયારીઓની ચર્ચા ક્ષેત્ર ચિંતન બેઠકમાં થશે.

આ દરમ્યાન કાશી પ્રાંતના અધિકારીઓની બે દિવસીય બેઠક પણ રવિવારે પૂર્ણ થઇ. તેમાં નકકી થયું કે રામ-નામના સહારે ગામે ગમે હિંદુત્વનું વાતાવરણ તૈયાર કરવામાં આવશે. તેના માટે રપ માર્ચથી હનુમાન જયંતી સુધી ૧પ દિવસ પ્રયાગરાજ અને તેની આજુબાજુના લગભગ દસ હજાર સ્થળોએ રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે.

કાશી પ્રાંતના પદાધિકારીઓની બે દિવસીય બેઠકના સમાપન સત્રમાં વિહિપના કેન્દ્રીય ઉપાધ્યક્ષ ચંપતરાય પણ સામેલ થયા હતાં. તેમણે આગામી દિવસોમાં વિહિપ શિબીરમાં થનાર ક્ષેત્ર ચિંતન બેઠક અને સંત સંમેલનની તૈયારીઓ અંગે ચર્ચા કરતા કહ્યું કે સંગઠનની સ્થાપના જે ઉદેશો સાથે થઇ છે તેની પ્રાપ્તી માટે અમે સતત આગળ વધી રહ્યા છીએ. વિહિપ શિબિરમાં ર૧ જાન્યુઆરીએ યોજાનાર સંત સંમેલનમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહી શકે છે. સંમેલનમાં સામેલ થવા માટે વિશ્વ હિન્દુ પરિષદે તેમને આમંત્રણ મોકલ્યું છે. સંત સંમેલનમાં જૂના પીઠાધીશ્વર સ્વામી અવધેશાનંદ ગીરી પણ સામેલ થવાની શકયતા છે. આ ઉપરાંત નૃત્ય ગોપાલદાસ, સાધ્વી ઋતંભરા અને મુખ્ય અખાડાઓના વરિષ્ઠ સંતો પણ આ સંમેલનમાં હાજરી આપી શકે છે.

(11:40 am IST)