Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

LICની માર્કેટ હિસ્સેદારીમાં ઉલ્લેખનીયરીતે થયેલો ઘટાડો

ખાનગી કંપનીઓની હિસ્સેદારીમાં વધારો : આક્રમકરીતે પ્રચારના કારણે ખાનગી કંપનીઓને ફાયદો

નવીદિલ્હી, તા. ૧૩ : એલઆઈસીની માર્કેટ હિસ્સેદારીમાં હાલમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. ખાનગી વિમા કંપનીઓ દ્વારા વધુ આક્રમક વલણ અપનાવવામાં આવ્યા બાદ માર્ચ ૨૦૧૮માં પુરા થયેલા નાણાંકીય વર્ષમાં એલઆઈસીની માર્કેટ હિસ્સેદારી ૭૦ ટકાથી પણ નીચે પહોંચી ગઈ છે જ્યારે ખાનગી કંપનીઓની માર્કેટ હિસ્સેદારી વર્ષ ૨૦૧૭-૧૮માં વધીને ૩૦.૬૪ ટકા થઇ છે જે ૨૦૧૬-૧૭માં ૨૮.૧૯ ટકા હતી. કુલ પ્રિમિયમ આવકના આધાર પર એલઆઈસીની માર્કેટ હિસ્સેદારી ૨૦૧૭-૧૮માં ૬૯.૩૬ ટકા થઇ ગઇ છે જે ૨૦૧૬-૧૭માં ૭૧.૮૧ ટકા હતી. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના વાર્ષિક રિપાર્ટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. નવા બિઝનેસ પ્રિમિયમમાં ખાનગી વિમા કંપનીની માર્કેટ હિસ્સેદારી ગયા વર્ષની સરખામણીમાં ૨૦૧૭-૧૮માં વધી ગઈ છે. રિન્યુઅલ પ્રિમિયમના કેસમાં એલઆઈસીની હિસ્સેદારી અગાઉના વર્ષની સરખામણીમાં ઘટી ગઈ છે. સરકારી કંપનીમાં લોકોનો વિશ્વાસ હજુ પણ અકબંધ રહ્યો છે. ઓપરેશનમાં કુલ વિમા કંપનીઓ પૈકી જાહેરક્ષેત્રની ૮, બાકીની ખાનગી સેક્ટરમાં છે.

(4:39 pm IST)