Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

FPI દ્વારા માત્ર ૯ સેશનમાં ૩૬૦૦ કરોડ પાછા ખેંચાયા

ઇક્વિટીમાંથી ૩૬૭૭ કરોડ રૂપિયા પાછા ખેંચાયા : સમીક્ષા હેઠળના ગાળામાં ડેબ્ટ માર્કેટમાં ૧૮૭૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા : કારોબારી વધુ સાવધાન

મુંબઈ, તા.૧૩ : વિદેશી મૂડીરોકાણકારોએ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવ્યું છે. આના ભાગરુપે છેલ્લા નવ કારોબારી સેશનમાં ઇક્વિટી માર્કેટમાંથી ૩૬૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. નવેમ્બર અને ડિસેમ્બરના ગાળા દરમિયાન એફપીઆઈ દ્વારા ઇક્વિટી માર્કેટમાંથી ૮૫૮૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ નાણા પરત ખેંચવામાં આવ્યા છે. ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, એફપીઆઈએ પહેલીથી ૧૨મી જાન્યુઆરીના ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી ૩૬૭૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા જ્યારે આ લોકોએ સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૧૮૭૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, શેરબજારમાં ભારે પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે જેના લીધે કારોબારી સેશનમાં વિદેશી રોકાણકારો સાવચેતીપૂર્વકનુ વલણ અપનાવી રહ્યા છે. એફપીઆઈ દ્વારા સતત નાણાં ઠાલવામાં આવ્યા બાદ હવે ઇક્વિટી માર્કેટમાંથી નવ સેશનમાં જંગી નાણાં પરત ખેંચાયા હતા. ફોરેન પોર્ટ ફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા વર્ષ ૨૦૧૮માં ભારતીય બજારમાંથી ૮૩૧૪૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા જેમાં ઇક્વિટીમાંથી ૩૩૫૫૩ કરોડ અને ડેબ્ટ બજારમાંથી ૪૯૫૯૩ કરોડનો સમાવેશ થાય છે. ૨૦૦૨ બાદથી વિદેશી મૂડી રોકાણની દ્રષ્ટિએ ભારતીય મૂડી માર્કેટ માટે આ સૌથી નિરાશાજનક વર્ષ રહ્યું છે. જુદા જુદા કારણો આના માટે જવાબદાર રહ્યા છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારો પણ અડચણરુપ રહ્યો છે. ૨૦૧૮ પહેલા એફપીઆઈ દ્વારા સતત છ વર્ષમાં ઇક્વિટીમાં ખરીદી કરવામાં આવી હતી. ૨૦૧૧માં ભારતીય શેરબજારમાંથી એફપીઆઈએ નાણાં પરત ખેંચ્યા હતા. તે પહેલા ૨૦૦૮માં પણ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ૨૦૧૮માં એફપીઆઈ શરૂઆતના ગાળામાં નાણાં ઠાલવ્યા હતા પરંતુ વૈશ્વિક બજારમાં નબળી સ્થિતિ અને ઇક્વિટી મૂડીરોકાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના પરિણામ સ્વરુપે નાણાં પરત ખેંચવાની શરૂઆત થઇ હતી. માર્ચ મહિનામાં ટુંકી રિકવરી થયા બાદ આ વર્ષના મોટાભાગના ગાળામાં વેચવાલી રહી હતી.

FPI દ્વારા વેચવાલી....

*   વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા નવ કારોબારી સેશનમાં ૩૬૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા

*   દેશમાં પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇ સાવચેતીપૂર્વકનુ વલણ

*   એફપીઆઈએ પહેલીથી ૧૨મી જાન્યુઆરી દરમિયાન ઇક્વિટીમાંથી ૩૬૭૭ કરોડ પાછા ખેંચ્યા

*   સમીક્ષા હેઠળના ગાળામાં ડેબ્ટ માર્કેટમાં ૧૮૭૨ કરોડ ઠલવાયા

*   બજેટને લઇને પણ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે ત્યારે રોકાણકારોની નજર આર્થિક વિકાસના મોરચે અને સામાન્ય ચૂંટણી પર કેન્દ્રિત થયું

*   વર્ષ ૨૦૧૮માં માર્કેટ મૂડીમાંથી ૮૩૦૦૦ કરોડ વિદેશી રોકાણકારોએ પાછા ખેંચી લીધા

*   ૨૦૧૭માં બે લાખ કરોડ રૂપિયા ઠલવાયા હતા

*   અમેરિકામાં વ્યાજદરમાં વધારો, વૈશ્વિક ક્રૂડની કિંમતમાં વધારો અને ડોલર સામે રૂપિયામાં ઘટાડો થતાં અસર

*   રોકાણકારોએ ૨૦૧૮માં ઇક્વિટીમાંથી ૩૩૫૫૩ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હતા

એફપીઆઈની સ્થિતિ

મુંબઈ, તા. ૧૩ : એફપીઆઈએ ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા છે. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૮............................... ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................. ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................. ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................. ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................. ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩......................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨......................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(4:38 pm IST)