Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ઉત્તરાયણઃ જિંદગીના આકાશને રંગીન કરવાનો અવસર

પતંગની મોજ-મસ્તી... સૂર્યદેવની સાધના થકી અંતરનો આનંદ... દાન-પુણ્યથી માનવતાની મ્હેક પ્રસરાવવાનું પર્વ

પાવન પર્વ દિવાળીના યશોજ્જવલ અને અંતિમ મહાપર્વની વિદાય બાદ વિક્રમ સવંતના આરંભ બાદ વર્ષનું પ્રથમ પર્વ એટલે મકરસંક્રાંતિ...

માત્ર સૌરાષ્ટ્ર જ નહિ ગુજરાતભરમાં મકરસંક્રાંતિ પર્વનો અનેરો દબદબો રહ્યો છે. અબાલ વૃધ્ધ સહિતના પતંગ રસિયાઓમાં આ પર્વને ઉજવવા અનેરો થનગનાટ જણાઇ રહ્યો છે.

જાણે ગુજરાતની આગવી ઓળખ એટલે પતંગોત્સવ... ઉત્સવ ઘેલા ગુજરાતીઓ આમ પણ કોઇપણ તહેવારની ઉજવણીમાં કચાસ રાખતા નથી તો પછી મકરસંક્રાંતિના પર્વમાં કેમ પાછળ રહી જાય, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ સતત બે દિવસ સુધી તો સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી પચરંગી બની જતું હોય છે.

આપણે ત્યાં ઉજવાતા તહેવારોમાં, ઉત્તરાયણ અને ચંદી પડવો એ અગાસીમાં ઉજવાતા તહેવાર છે, જેમાં એકની ઉજવણી દિવસમાં થતી હોય છે તો બીજાની ઉજવણી મધ્યરાત્રી થતી હોય છે.

પોષ માસમાં સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરે છે અને આ દિવસથી સૂર્ય એની પૃથ્વી આસપાસની પરિભ્રમણની દિશા બદલી ધીમે-ધીમે ઉત્તર તરફ ખસતો જાય છે, આથી આ પર્વ મકરસંક્રાંતિથી પ્રસિધ્ધ છે, આ પર્વનું ધાર્મિક, સામાજીક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અનેરૂ મહત્વ છે.

વેદો અને પુરાણોમાં પણ આ પર્વનો ઉલ્લેખ આવે છે, આ પર્વ આમ તો એક ખગોળીયા ઘટના છે અને જેનાથી જડ અને ચેતનાની દિશા અને દશા નક્કી થાય છે, આપણા શાસ્ત્રોમાં વર્ષના બે ભાગ પાડવામાં આવ્યા છે. જેમાં એક ભાગ ઉત્તરાયણ અને બીજો ભાગ દક્ષિણાયન. આ બંને અયન મળી એક વર્ષ થાય છે.

ખગોળીય દ્રષ્ટિએ જોઇએ તો આ દિવસથી સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા બદલીને થોડો ઉત્તર તરફ ઢળે છે, આથી ઉત્તરાયણ તરીકે પણ આ પર્વ મનાવાય છે, આ પર્વ સાથે ભગવાન સૂર્ય નારાયણની એક પૌરાણીક કથા પણ સંકળાયેલ છે.

મકરસંક્રાંતિ એટલે સૂર્ય શકિતની ઉપાસનાનું પાવન પર્વ પણ ગણાય છે, આપણે ત્યાં સૂર્ય ઉપાસના પ્રાચીન કાળથી ચાલી આવે છે, સૂર્ય દેવતા પોતાના સીધા કિરણો આશિર્વાદરૂપી આપણને આપે છે, કોઇ દેવી દેવતા આટલા પ્રત્યક્ષ થતા નથી, ભગવાન સૂર્ય ખૂબ જ દયાળુ છે, તેઓ અર્ધ્ય તેમજ નમસ્કાર માત્રથી પોતાના ભકતોના વશમાં થઇ જાય છે.

આ દિવસે પ્રાતઃકાળે તાંબાના લોટામાં શુધ્ધ જળ ભરીને તલ, પુષ્પ, ચંદન પધરાવીને પૂર્વ દિશામાં મુખ રાખી ભગવાન સૂર્ય નારાયણને ઓમ સૂર્યાય નમઃ કે અન્ય સૂર્ય મંત્ર બોલી અર્ધ્ય અર્પણ કરવાનો અનેરો ફાયદો થાય છે.

ઉત્તરાયણના આ પાવન પર્વના દિને દાન અને સ્નાનનું અદકેરૂ મહત્વ રહ્યું છે, પૌરાણીક માન્યતા અનુસાર ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પ્રયાગમાં આ દિવસે બધા દેવી-દેવતાઓ પોતાનું સ્વરૂપ બદલી સ્નાન કરવા આવે છે, આથી આ દિવસે ત્રિવેણી સ્નાન સહિત તમામ તીર્થોમાં સ્નાનનો અદકેરો મહિમા રહ્યો છે, ભાવિક ભકતો ગંગા, યમુના, કાવેરી જેવી નદીઓમાં ખાસ સ્નાન કરી પવિત્ર બને છે.

પશ્ચિમ બંગાળના ગંગા સાગરમાં આ દિવસે હજારો ભાવિકો ઉમટી પડે છે, એટલું જ નહિ પવિત્ર નદીઓ અથવા સરોવરનું સ્નાન કરવાનું પણ વિધાન છે, જો ત્યાં જઇ શકાય તેમ ના હોય તો પોતાના ઘરમાં જ શુધ્ધ જળમાં તલ તથા ગંગાજળ નાખીને સ્નાન કરવું જોઇએ.

ઉત્તરાયણના પાવન પર્વમાં દાનનું પણ અનેરૂ મહત્વ રહ્યું છે, કહેવાય છે કે, આ દિવસે કરેલા દાનના ફલાર્થે સૂર્ય ભગવાન જન્મોજન્મની સમૃધ્ધિ આપે છે, આ દિવસે જરૂરીયાતવાળાઓને જેટલું દાન કરવામાં આવે છે તે સુર્ય ભગવાન પોતાના ભકતોને પાછું આપે છે, એટલું જ નહિ કેટલાયે જન્મો સુધી ચાલે તેટલા વિપુલ પ્રમાણમાં દાન કરે છે.

આજના દિવસે બ્રાહ્મણો તેમજ જરૂરીયાતમંદોને ખીચડી, દાળ, ચોખા, તલ, શેરડી, બોર તથા ધન આપીને પુણ્ય કમાય છે, આજના દિને ગાય ચારો જરૂરથી અપાય છે, અનેક જગ્યાએ મંદિરની ગૌશાળા માટેના ઘાસચારા અને ખાણ-દાણની બોલીઓ બોલાય છે, અને એ દ્વારા સારૃં એવું ભંડોળ ભેગુ કરાય છે.

અનેક પરિવારો પોતાની માન્યતા અનુસાર મંદિર, હવેલી કે ગૌશાળાઓમાં યથાશકિત અનુસાર દાન કરતા હોય છે. આમ મકરસંક્રાંતિએ દાન અને ત્યાગની ભાવના વ્યકત કરતું પર્વ છે. આપણે ત્યાંના રાજા રજવાડાઓ પણ ગુપ્ત દાન કરતા હતા, આપણે ત્યાં આ દિવસે ઘઉં કે બાજરીનો ખીચડો બનાવવામાં આવે છે, તો ગાયો માટે વિશેષ રૂપે ઘઉંની ઘુઘરી કરી ખવડાવાતી હોય છે.

આ પર્વમાં પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા રહી છે, અને જેનો ઉલ્લેખ શ્રી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસના બાલકાંડમાં ઉલ્લેખ કરતા લખ્યું છે કે 'રામ ઇક દિન ચંગ ઉડાઇ, ઇન્દ્રલોક મે પહુચ ગઇ' કહેવાય છે કે એકવાર પ્રભુ શ્રી રામનો પતંગ ઇન્દ્રલોક પહોંચી ગયો હતો, આના ઉપરથી જ ખ્યાલ આવે છે કે, પતંગ ઉડાડવાની પરંપરા કેટલીક પ્રાચીન ભરી છે.

પતંગની શોધ કોણે કરી? અને કયાંથી ઉડવાની શરૂઆત થઇ... એમાં પડવાને બદલે પતંગ રસિયાઓના આ ઉત્સવને જોઇએ તો સવારથી જ લોકો અગાસી કે ધાબા ઉપર ચડી જાય છે અને પતંગ ચગાવવામાં મશગુલ બની જાય છે, જોતજોતામાં તો આખુ આકાશ રંગબેરંગી થઇ જાય છે અને ચારેય બાજુ કાપ્યો... છે... એ જાય... જેવા અવાજો ગુંજવા લાગે છે.

પતંગ ઉડાડવાની સાથે સાથે લોકો ધાબા કે અગાસી ઉપર જ તલ - મમરાના લાડવા, ચીકી, બોર, શેરડી જેવો નાસ્તો તથા ઉંધીયા સહિતના ભોજનની મજા પણ ટેરેસ ઉપર જ માણે છે અને જેમાં સાથ પુરાવે છે સંગીત, ટેપો, હોમ થિયેટરો ઉપર નવા નવા ગીતો વગાડી સાથે સાથે ડાન્સની મજા પણ લેતા હોય છે.

એટલું જ નહિ પતંગના પેચો સાથે સાથે કેટલાક ઠેકાણે નજરોના પણ પેચ લાગતા હોય છે, પતંગ રસિયાઓનું શહેર અમદાવાદ પતંગ પાટનગર તરીકે પણ ઓળખાય છે, અહીં છેલ્લા કેટલાક વર્ષોથી તો 'ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલ'નું આયોજન પણ થાય છે, આપણે ત્યાં અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના શહેરોમાં પતંગ રસિયાઓ ગાંડાતુર હોય છે.

આપણને આશ્ચર્ય થશે પરંતુ કહેવાય છે કે, પતંગથી ભૈરવબાબા પ્રસન્ન થાય છે! પરંતુ આ હકીકત છે, રાજસ્થાનના બીકાનેરમાં બાબા ભૈરવનાથના મંદિરમાં અનેરો નજારો જોવા મળે છે, અહીં ભકતો પ્રસાદમાં પતંગ લઇને આવે છે અને તેને ભૈરવબાબાના ચરણોમાં અર્પિત કરે છે.

પૂજા કર્યા બાદ ભકતે પતંગ પોતાના હાથે ઉડાડવાનો હોય છે અને પછી પતંગનો દોરો તોડીને એ પતંગ આકાશમાં છોડી દેવાનો હોય છે, એવી માન્યતા છે કે, આમ કરવાથી ભૈરવબાબા ભકતો પર પ્રસન્ન થાય છે, અને તેમની મનોકામના તરત જ પૂરી થાય છે.

આપણા ગુજરાતમાં આ પર્વ અતિ ધામધૂમથી ઉજવાય છે, ગગનમાં વિવિધ રંગી પતંગો જોઇને ભલભલી વ્યકિતઓના દિલ નાચી ઉઠે છે. પતંગ ઉડાડવા... પતંગનો દોરો હાથમાં આવતા જ આકાશમાં ઉડી રહેલા પતંગો વચ્ચે તમારો પતંગ પણ હોડ લગાવવા બને છે આતુર...

આનંદનો આ ક્રમ રાત્રે પણ ચાલતો રહે છે, પતંગ રસિયાઓ કાળા અંધારા આકાશમાં સફેદ પતંગ સાથે ફાનસ બાંધી ઉડાડે છે, આટલો આનંદ પણ ઓછો પડતો હોય તેમ ઉત્તરાયણના બીજે દિવસને વાસી ઉત્તરાયણ તરીકે ધામધૂમથી મનાવે છે.

તો ચાલો આપણે સૌ પણ આ નિર્દોષ પર્વને માણીયે અને બોલી ઉઠીયે... એ કાય પો... છે...

આશાના આકાશમાં વિશ્વાસની દોર વધે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી અકિલાના વાચકોને હાર્દિક શુભકામનાઓ

(9:23 am IST)
  • દિલ્હીના ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ઇન્ટરનેશનલ મુક્કાબાજ જિતેન્દ્ર માનનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. જિતેન્દ્રના શરીર પર ગોળીના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાય રહી છે. જિતેન્દ્ર બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. access_time 3:10 pm IST

  • મુંબઇથી ઉપડેલું હેલિકોપ્ટર થયું ગુમ : ઓએનજીસીના કર્મચારીઓ સહિત 7 લોકો તેમાં હતા સવાર : હેલિકોપ્ટર સવારે 10.20 કલાકે ઉડ્યું હતું, જે ઓએનજીસીના ઉત્તરીય વિસ્તારમાં 10.58 કલાકે પહોંચવાનું હતું, પરંતુ 10.30 વાગ્યા પછી તેના કોઈ સિગ્નલ મળ્યા નથી. access_time 1:31 pm IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST