Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સરકારી ખાતાઓમાં 'આધાર' ફરજીયાત આપવાની નહીં રહે જરૂર

આધાર નંબર ફરજીયાત આપવામાંથી મુકિત પરંતુ ઓથેન્ટિકેશન યથાવત

નવી દિલ્હી તા. ૧૨ : જો તમે ઇચ્છશો તમારો ૧૨ અંકોનો આધાર નંબર કયારેય કોઈ સરકારી એજન્સીને આપવાની ના પાડી શકો છો. આ કહેવું છે આધાર ઓથોરિટી UIDAIના એક ઉચ્ચ અધિકારીનું. બુધવારે આધાર ઓથોરિટીએ ભારતીય નાગરિકોની વ્યકિતગત સુરક્ષાને લઇને ઉઠતા સવાલ અંગે એક નવો વિકલ્પ રજૂ કરતા ડેટાબેઝની સુરક્ષા વધુ મજબૂત કરવા માટે ખાસ પગલા ઉઠાવ્યા છે.

UIDAIના CEO અજય ભૂષણ પાંડેયે જણાવ્યું કે, 'ત્યાં સુધી કે તમે ઇન્કમ ટેકસ ડિપાર્ટને અથવા તેના જેવી અન્ય એજન્સીઓને પણ આધાર નંબર આપવાની જરુર નહીં રહે. આ માટે તમને વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગ દ્વારા આ એજન્સીઓમાં પોતાના આધાર નંબરને ઓથેન્ટિકેટ કરાવી શકે છે. તેમણે કહ્યું કે આ નવો નિયમ આ વર્ષે જૂન મહિનાથી લાગુ થઈ જશે.'

UIDAIના સીઈઓએ કહ્યું કે, 'જો કસ્ટમર પોતાની ઇચ્છાથી સામે ચાલીને આધાર નંબર ન આપવો હોય તો તે ઓથેન્ટિકેશનનો મુખ્ય સ્ત્રોત નહીં બને. ત્યાં સુધી કે ઓનલાઇન ટેકસ રિટન્સ ફાઇલ કરવા જેવા કામોમાં પણ આધારની જગ્યાએ વર્ચ્યુઅલ આઈડી નંબર દઈને કામ ચલાવી શકાશે.'

૮ વર્ષ જૂની એજન્સી UIDAIએ સૌથી મહત્વપૂર્ણ સિકયોરિટી અપગ્રેડ જાહેર કરતા 'વર્ચ્યુઅલ આઈડ'તૈયાર કરવાનું જાહેર કર્યું છે. જેને કોઈપણ સર્વિસ લેતી વખતે ઓતેન્ટિકેશન માટે ૧૨ આંકડાના આધારની જગ્યાએ યુઝ કરી શકાશે. જેના કારણે ઓથેન્ટિકેશન એજન્સીને જે તે વ્યકિતની ખૂબ જ ઓછી જાણકારી મળશે. જોકે આ સાથે જો કોઈ વ્યકિત આધાર નંબર જ યુઝ કરવા માગે છે અને વર્ચ્યુઅલ આઈડી બનાવવા નથી માગતા તો તે વિકલ્પ પણ ખુલ્લો જ રખાશે.

પાન્ડેયે વધુમાં કહ્યું કે, 'અમે એ સુનિશ્ચિત કર્યું છે કે એવા સર્વિસ પ્રોવાઇડર્સ જેમને આધારની માહિતી સ્ટોર કરવાની મંજૂરી નથી તેઓ આવા વર્ચ્યુઅલ આઈડી દ્વારા આધાર ઓથેન્ટિકેટ કરી શકશે. જેથી તેમના નેટવર્કમાં કોઈપણ સ્વરુપે કોઈ માહિતી સ્ટોર નહીં થાય.' આ ઉપરાંત તેમણે કહ્યું કે, 'જો કોઈ સર્વિસ પ્રોવાઇડર્સ ગ્રાહકની મરજી વિરુદ્ઘ આધાર નંબર જાણવાનો ખોટી રીતે પ્રયાસ કરશે તો તેમની સામે કાયદાકીય અપરાધ ગણી પગલા ભરવામાં આવશે.'

આ સાથે જ બુધવારે UIDAIએ ઓથેન્ટિકેશન માટે કોઈપણ એજન્સીને વ્યકિતના પૂર્ણ ડેમોગ્રાફિક ડેટા સુધી પહોંચતી રોકવા માટે ખાસ KYC ફીચર લોન્ચ કર્યું છે. જે અંતર્ગત UIDAI પોતાની ૩૫૦ જેટલી ઓથેન્ટિકેશન એજન્સીઓને ખૂબ જ સિમિત માત્રામાં જરુરી ટેડા જ ઉપલબ્ધ કરાવશે.

UIDAIના સીઈઓ અજય ભૂષણ પાન્ડેયે કહ્યું કે, 'જયારે કોઈ એજન્સી ઓથેન્ટિકેશન માગશે ત્યારે અમે સામે તેમને સવાલ કરીશું કે કયા કાયદા હેઠળ તમને આ KYC ડિટેઇલ જોઇએ છે. કેમ કે અંતે સરકાર અને કાયદો જ નક્કી કરશે કે કયા સર્વિસ પ્રોવાઇડરને કયા પ્રકારનો ડેટા એકસેસ કરવા દેવો. જેમ કે કોઈ એજન્સીનું કામ ફકત નામ અને એડ્રેસથી પતી જતું હશે તો તેમને વધારાની માહિતી જેવી કે બર્થ ડેટ વગેરે આપવામાં નહીં આવે.'

UIDAI આગામી કેટલાક સપ્તાહ સુધી આ અંગે ચર્ચા કરશે અને માર્ચ સુધીમાં પોતાની આ ખાસ ઓથેન્ટિકેશન સિસ્ટમ તૈયાર કરી લેશે. પાન્ડેયે અંતે કહ્યું કે, '૧ જૂનથી જ તમામ ઓથેન્ટિકેશન એજન્સીઓએ આ નવી પદ્ઘતીનો અમલ કરવો પડશે. જો તેઓ નવી સિસ્ટમ નહીં અપનાવે તો તેમનું લાઇસન્સ કેન્સલ કરી દેવામાં આવશે.'

(4:21 pm IST)