Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

સમગ્ર બેન્કિંગ સેકટર પર તોળાતો ખતરો

બેન્કોએ મોટા પડકારો માટે સતત સતર્ક રહેવાની જરૂરઃ શકિતકાંતનું એલર્ટ

નવી દિલ્હી તા. ૧રઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શકિતકાંત દાસે સમગ્ર બેન્કિંગ સેકટરને ચેતવણી આપતાં જણાવ્યું છે કે બેન્કો પર ખતરો તોળાઇ રહ્યો છે. તેમણે જણાવ્યું છે કે વર્તમાન આર્થિક પરિસ્થિતિ બેન્કો માટે કેટલાક મોટા પડકારો ઉભા કરી શકે છે અને તેથી બેન્કોએ અત્યંત સતર્ક રહેવાની જરૂર છે.

બેન્કિંગ સેકટરને એલર્ટ જારી કરતાં શકિતકાંત દાસે જણાવ્યું છે કે બેન્કોએ વર્તમાન આર્થિક પરિસ્થિતિના કારણે ઉભા થનારા પડકારોને પહોંચી વળવા માટે સક્ષમ બની સુસજજ રહેવું પડશે.

પબ્લિક સેકટરની બેન્કોના વડાઓ સાથેની વાતચીતમાં જોકે આરબીઆઇના ગવર્નર શકિતકાંત દાસે એ વાતની પણ નોંધ લીધી હતી કે બેન્કિંગ સેકટરમાં હવે સુધારા આવ્યા છે અને બેન્કો હવે વધુ સુદૃઢ બનશે. તેમણે બેન્કોને ઉભરી રહેલા પડકારોનો મુકાબલો કરવા માટે સતર્ક રહેવા અને ખાસ કરીને સ્ટ્રેસ્ડ એસેટ્રસના મામલામાં ખુબ જ સતર્કતાથી કામ લેવા જણાવ્યું છે. આ માટે બેન્કોએ પારસ્પરિક વધુ સારો તાલમેલ સાધવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે જયારે દેશનો જીડીપી ગ્રોથ રેટ ચાલુ નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં છ મહિનાના સૌથી નીચલા સ્તરે એટલે કે ૪.પ ટકા પર પહોંચી ગયો છે. ત્યારે આરબીઆઇના ગવર્નરની બેન્કિંગ સેકટરને ચેતવણી આપતી ટિપ્પણીને ઘણી સુચક માનવામાં આવે છે.

રિઝર્વ બેન્કે પણ ચાલુ નાણાકીય વર્ષના જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડીને પાંચ ટકા કરી દીધું છે. બેન્કિંગ સેકટર પર હાલ અંદાજિત રૂ. ૧૦ લાખ કરોડની બ્રડ લોનનો જંગી આર્થિક બોજ છે. લગભગ રૂ. ચાર લાખ કરોડની લોન તો ટેલિકોમ કંપનીઓની જ છે. ટેલિકોમ કંપનીઓની હાલત સારી નથી અને અન્ય સેકટરની કંપનીઓ પણ હાલકડોલકની સ્થિતિમાં છે. આ સંજોગોમાં બેન્કોએ સતર્ક રહેવું પડશે.

(4:00 pm IST)