Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ગૌહત્તીમાં દેખાવકારો ઉપર ગોળીબારઃ સંખ્યાબંધ ઘવાયાઃલોકો કર્ફયુનો ઉલાળ્યો કરી નીકળી પડયા

આસામમાં આજે ત્રીજા દિવસે પણ હિંસા પ્રસરતી જાય છે

ગૌહત્તીઃ આસામમાં હિંસા બેકાબુ બનતી જાય છે. પોલીસે આજે હિંસા ઉપર ઉતરેલા સેંકડો દેખાવકારોને વિખેરવા ખુલ્લો ગોળીબાર કરવો પડયો છે. જેમા સંખ્યાબંધ ઘવાયાનું ધ ટ્રીબ્યુન જણાવે છે. ગૌહત્તીમાં લોકો કર્ફયુનો ભંગ કરી નિકળી પડયા છે. સીટીઝન એમેન્ડમેન્ટ બીલ વિરોધી તોફાનો આસામમાં વધુને વધુ પ્રસરતા જાય છે.

ગૌહત્તીમાં લાલુનગાંવ વિસ્તારમાં પોલીસ ગોળીબારમાં કેટલાક લોકો ઘવાયાનું સીનીયર પોલીસ અધિકારી જણાવે છે. આ લોકોએ પોલીસ ઉપર પથ્થર - ઇંટોનો મારો ચલાવેલ અને શાંત નહિ પડતા અંતે પોલીસે ગોળીબાર કરેલ. ઓછામાં ઓછા ૪ ઘવાયા છે. કર્ફયુની ઐસીતૈસી કરી ગૌહત્તીમાં લોકો શેરીઓમાં આવી ગયા છે. લશ્કરની ૫ કોલમ આસામમાં ખડકી દેવાયેલ છે.  વગદાર વિદ્યાર્થી સંસ્થા ''આસુ'' અને ખેડૂતોની ''કેએમએસએસ'' સંસ્થાએ લોકોને કર્ફયુનો ઉલાળ્યો કરવા હાકલ કરતા ગઇરાતથી લોકો રસ્તા પર ઉતરી આવ્યાનું ધ ટ્રીબ્યુન નોંધે છે.

આસામના સીનીયર પધાન હિમન્તા બિશ્વા શર્માની ઠાઠડી સળગાવી હતી. કોટન યુનિવર્સીટી અને હેન્ડીકયુ ગર્લ્સ કોલેજ ખાતે મોટાપાયે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા છે. દેખાવકાર કહે છે કે અમારા અસ્તિત્વ માટે જંગ ખેલી રહયા છીએ.

ત્રિપુરા-આસામની તમામ ટ્રેન સેવા રેલ્વેએ રદ કરી છે.

(1:56 pm IST)