Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

૨૬મી ડિસેમ્બરે સૂર્યગ્રહણ... અવકાશી નજારો નિહાળજો

ભારતમાં કંકણાકૃતિ- ખંડગ્રાસ સૂર્યગ્રહણઃ ગ્રહણ સમયે વૈજ્ઞાનિકો માનવકલ્યાણકારી સંશોધનો કરશે : ગ્રહણ સંબંધી વેધાદિ નિયમો, સૂતક, બૂતક બોગસઃ જાથા સદીઓ જુની માન્યતાઓનું ખંડન કરશે : દક્ષિણ ભારતમાં કંકણાકૃતિ બાકીના પ્રદેશમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ દેખાશેઃ દેશભરમાં ગ્રહણ નિદર્શન સાથે ચશ્માનું વિતરણઃ સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ ખતરનાક

રાજકોટઃ દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં ગુરૂવાર તા.૨૬મી ડિસેમ્બર સવારે અમુક દેશો- પ્રદેશોમાં કંકણાકૃતિ અને ખંડગ્રાસ ગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. ભારતમાં દક્ષિણ પ્રદેશમાં કંકણાકૃતિ અને બાકીના રાજયોમાં ખંડગ્રાસ ગ્રહણ જોવાનો અવસર છે. વિશ્વના વૈજ્ઞાનિકોએ માનવકલ્યાણકારી સંશોધનો માટે પોતાનું નિયત સ્થળની પસંદગી કરી લીધી છે. આ ગ્રહણ સંપૂર્ણ એશિયા ખંડ, આફ્રિકા ખંડ, ઈથોપીયા, કેન્યા અને ઓસ્ટ્રેલીયાની ઉત્તર તરફ અને ભાગોમાં જોવા મળશે. ભારત જન વિજ્ઞાન જાથાએ દેશભરમાં ગ્રહણ નિદર્શન સાથે સદીઓ જુની ગેરમાન્યતાઓના ખંડન કાર્યક્રમોનું આયોજન કરેલ છે. રાજયમાં તા.૨૦મી ડિસેમ્બરથી જિલ્લા- તાલુકા મથકે ગ્રહણ જોવાના ચશ્માનું પડતર કિંમતે વેચાણ કરવામાં આવશે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમકારક છે.

સવંત ૨૦૭૬ના માગશર કૃષ્ણપક્ષ અમાસને ગુરૂવાર તા.૨૬મી ડિસેમ્બર ધન રાશિ મૂળ નક્ષત્રમાં થનાર કંકણાકૃતિ, ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. આ ગ્રહણ દક્ષિણ ભારતમાં સંપૂર્ણ કંકણાકૃતિ દેખાશે અને ભારતના બીજા પ્રદેશોમાં ખંડગ્રાસ દેખાશે. આ ગ્રહણ સંપૂર્ણ એશિયા ખંડ, આફ્રિકા ખંડ, ઈથોપિયા, કેન્યા અને ઓસ્ટ્રલિયાની ઉતર તરફના પ્રદેશમાં દેખાશે. ગ્રહણની કંકણાકૃતિ ચમત્કૃતિ દક્ષિણ ભારત, સુમાત્રા, સાઉદી અરેબિયા, કતાર, શ્રીલંકા, બોરનિયો સિંગાપુરમાં જોવા મળશે. આ ગ્રહણની કંકણાકૃતિ ચમત્કૃતિ સૂર્યોદય સમયે સાઉદી અરેબિયાના રીયાધ પાસેથી શરૂ થશે. ત્યાંથી દક્ષિણ ભારત અને શ્રીલંકામાં થઈને ઈન્ડોનેશિયા, સિંગાપુર અને ફિલિપાઈન્સમાં થઈને ગ્યુઆમમાં સમાપ્ત થશે. કંકણકૃતિ ગ્રહણ સાઉદી અરેબિયાના હોકફૂમાં ભારતમાં મેંગ્લોર, કોઝીકોટ, પલ્લકડ, કોઈમ્બતુર, ઈરોડ, કરૂર, ડિન્ડીગૂલ, શિવગંગા, તિરૂચીનાપલ્લીમાં, શ્રીલંકામાં જાફના, ત્રીનકોમાલે, સિંગાપુરમાં સિંગાપુર, ઈન્ડોનેશિયામાં બાટમ, રીયુ આઈલેન્ડ, તાનજીંગ પીનાંગમાં કંકણાકૃતિ દેખાશે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયાની ઉતર તરફના પ્રદેશોમાં ખંડગ્રાસ ગ્રહણ દેખાશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે દેશભરમાં તા.૨૬મીએ સવારથી ગ્રહણ મોક્ષ સુધી ગ્રહણ નિર્દશન સાથે સદીઓની જુની ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો રાખવામાં આવશે. સૂર્યગ્રહણ વિજ્ઞાન ઉપકરણથી જોવું હિતાવહ છે. નરી આંખે જોવું અતિ જોખમકારક છે. કયારેક કાયમી અંધાપો આવી જવાની પુરેપુરી સંભાવના છે. દેશી પદ્ધતિથી સૂર્યગ્રહણ જોઈ શકાય છે. દક્ષિણ ભારતમાં જાથાની બે ટીમ મેંગ્લોર, કોઈમ્બતુર, જિલ્લા મથકોએ ફિલ્ટર ચશ્માથી નિદર્શન કાર્યક્રમ રાખવામાં આવશે. રાજયમાં તા.૨૦મી થી ફિલ્ટર ચશ્માનું વિતરણ કરવામાં આવશે. સગ્રમ ભારતમાં સૂર્યગ્રહણનો નજારો જોવાનો અવસર છે. જાથાએ સમગ્ર દેશમાં અભિયાન આદર્યું છે. ગામડે- ગામડે નિદર્શનથી જાણકારી આપવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. એક- એક નાના ગામમાં પાંચ ફિલ્ટર ચશ્મા પહોંચે તેવી વ્યવસ્થા આરંભાઈ છે. રાજયમાં જાથા ૨૫ મી બપોર સુધી જ ચશ્માનું પડતર કિંમતે વેચાણ કરશે.ઙ્ગ

ભારતમાં કંકણાકૃતિ- ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળવાનું છે. વિશ્વના અમુક દેશ- પ્રદેશો, ભારતમાં દક્ષિણ ભાગમાં આશરે સાડા પાંચ કલાક સુધી ગ્રહણનો અવકાશી નજારો આબેહુબ જોવા મળવાનો છે. આ ગ્રહણ અદ્દભુત- અલૌકિક છે. જીંદગીનો યાદગાર પ્રસંગ છે. માનવ જાતે વિજ્ઞાન ઉપકરણથી જોવાલાયક નજારો છે. રાજયમાં પોણા ત્રણ કલાકનો નજારો છે. મહારાષ્ટ્રમાં આશરે ૩ કલાક સુધી નજારો જોવા મળશે. ભારતના વૈજ્ઞાનિકોએ પોતાની જગ્યા નિયત કરી વ્યવસ્થા આરંભી દીધી છે. વિશ્વના વૈજ્ઞાનિકો અદ્યતન સાધનોથી લોકકલ્યાણકારી સંશોધનો કરશે. ગ્રહણની અસરો, પશુ- પંખી- પક્ષી અને તેની ગતિવિધિ સાથે સાર્વત્રિક અભ્યાસ કરશે. વિશ્વ આખું તા.૨૬મી સવારથી ટી.વી.માં ગ્રહણ સંબંધી વિસ્તૃત માહિતી આપશે. ઘર બેઠા નજરે ગ્રહણ જોઈ શકાય છે. ફિલ્ટર ચશ્માથી ગ્રહણ જોવું તે અલભ્ય  અનુભવ છે. પોતાના ઘરમાં સુરક્ષિત ફિલ્ટર ચશ્મા અગાઉના હોય તો ઉપયોગ કરી શકાય છે. ચંદ્ર- સૂર્યગ્રહણનો માત્ર ને માત્ર અવકાશી ખગોળીય ઘટના ભૂમિતિની રમત,  પરિભ્રમણના કારણે ઘટના બને છે. લાખો- કરોડો માઈલ દૂર અવકાશી ઘટના બને છે. તો પણ વૈજ્ઞાનિકો માનવ જાતની સુખાકારી માટે સંશોધનો કરે છે. જયારે ભારતમાં સદીઓથી લેભાગુ જયોતિષીઓ એકપણ વિજ્ઞાન ઉપકરણ વગર, કપોળકલ્પિત ચોપડીના આધારે ફળકથનો કરી લોોકોને ઊંધા- અવળે માર્ગે વાળે છે. ભૌગોલિક, રાજકીય, સામાજિક, રાશિ ફળકથનો, ક્રિયાકાંડો વગેરે જાતજાતના તૂત લોકોના માથા ઉપર મુકે છે. લોકોને માનસિક પછાત રાખવાનું ષડયંત્ર કહી શકાય. ભારતમાં મોટાભાગના જયોતિષીઓને ખગોળનું જ્ઞાન જ નથી. વર્ષો જુની ચોપડીમાંથી જોઈ ફળકથનો કરે છે.

જાથાએ કહેવાતા મોટા માથાના જયોતિષીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈ આકાશમાં રાશિ, નક્ષત્ર, ગ્રહણો બતાવવા કહ્યું તેમાંથી એકપણ ગ્રહ- રાશી નામ સહિત બતાવી શકાય ન હતા. માત્ર લોકોને ઉલ્લું બનાવવમાં બેહદ હોશિયાર સાબિત થયા હતા. પોતાના જયોતિષના ધંધામાં ગ્રહોના  મંત્ર- જાપ, નિવારણ હોમ, કર્મકાંડ કરવામાં પાવરધા સાબિત થયા હતા. જયોતિષીએ જાથાને કહ્યું કે માનવજાતને ગ્રહો નડતા જ નથી તેવું કહેવામાં આવે તો રોજગારી કયાંથી મેળવવી? ભય- ડર બતાવો તો જ ગ્રહ નિવારણ કરવામાં આવે છે. તેથી જાત- જાતના વિધિ- વિધાન બતાવવામાં આવે છે તેવી નિખાલસતા બતાવી હતી. ચંદ્ર- સૂર્યગ્રહણનો માવનજાતને નડતા જ નથી તેવું વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે છતાં ભારતમાં જયોતિષીઓનો ધંધો આજે પણ પૂરબહાર ચાલે છે તેનું જાથાને દુઃખ છે.

ભારતભરમાં ગ્રહણ સમયે ચા- નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. સદીઓ જુની માન્યતાનું ખંડન સ્થળ ઉપર કરવામાં આવશે. લેભાગુ જયોતિષીઓના ફળકથનોની હોળી કરવામાં આવશે. લોકોમાં માનસિક ભય- ડર દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવશે.

વિશેષમાં એડવોકેટ જયંત પંડ્યા જણાવે છે કે પૃથ્વી ઉપર દર મિનિટે સારી- ખરાબ, શુભ- અશુભ, લાભ- નુકશાન, હોની- અનહોની ઘટના ભૌગોલિક પરિસ્થિતિ, પ્રાકૃતિક- કુદરતી, નિયમો અનુસાર બને જ છે તેને કોઈ અટકાવી શકતું નથી કે રોકી શકતું નથી. તેને જપ- તપ, અનુષ્ઠાન, પૂજાવિધિ કે અન્ય કોઈપણ પ્રકારના ક્રિયાકાંડોના ગતકડા, આશિર્વાદ કે કૃપાદ્રષ્ટિ સાથે કશી જ લેવા- દેવા નથી. લેભાગુઓ સદીઓથી નિરાધાર વાતો મુકી અમંગળ ઘટના બતાવી લોકોને મુર્ખ બનાવે છે. હોમ- હવન, જપ- તપ, અનુષ્ઠાન વિગેરેને અનુસરવું તે માનસિક અધઃ પતન સાથે સમયની બરબાદી જ છે. ગ્રહણની જયોતિષીઓ દર્શાવે છે તેવી કોઈપણ ભૌગોલિક અસરો જોવા મળતી નથી. તેની પાસે એક પણ વૈજ્ઞાનિક ઉપકરણ નથી. હંબક વાતો કરે છે. લોકોને ઉઠા ભણાવે છે. મંદિર- દેવસ્થાના બંધ રાખવા, ગોળાનું પાણી ફેંકી દેવું, રાંધેલું અનાજ, પથારીનો ત્યાગ કરવો વિગેરે વર્ષો પૂર્વે બોગસ કહાની કથનો છે. તેને ગ્રહણ સાથે કશી જ લેવા- દેવા નથી. માનવીએ ચંદ્ર- મંગળ ઉપર પગ મુકી દીધો છે. છતાં પણ ભારતમાં માનસિક નબળા લોકો ચંદ્ર- મંગળની વીંટીઓ, હાથના આંગળામાં પહેરી છિન્ન મનોવૃતિના દર્શન કરાવી તેના મંત્ર- જાપ કરી નંગની વીંટી પહેરી મુખાર્મીનું પ્રદર્શન કરે છે. જેનાથી જાથા દુઃખી છે.

ભૂમંડલે ગ્રહણ સ્પર્શ

ભારતીય સમય મુજબ, ગ્રહણ સ્પર્શઃ સવારે ૭ કલાક ૫૯ મિનિટ ૫૧ સેકન્ડ, ગ્રહણ સંમીલનઃ ૯ કલાક ૦૪ મિનીટ ૩૨ સેકન્ડ, ગ્રહણ મધ્યઃ ૧૦ કલાક ૪૭ મિનિટ ૪૩ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલનઃ ૧૨ કલાક ૩૧ મિનિટ, ગ્રહણ મોક્ષઃ ૧૩ કલાક ૩૫ મિનિટ ૪૩ સેકન્ડ, ગ્રહણ સ્થિરતાઃ ૩ કલાક ૨૬ મિનિટ ૨૮ સેકન્ડ, ગ્રહણ પર્વકાળઃ ૫ કલાક ૩૫ મિનિટ પર સેકન્ડ, ગ્રહણનું ગ્રાસમાનઃ ૦.૯૭૦૧, રાજયમાં ૨ કલાક ૪૭ મિનિટ સુધી ખંડગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે. ગુજરાતમાં સવારે સાડા નવ કલાક આસપાસ આશરે ૬૮ ટકા સૂર્ય ઢંકાઈ જશે.

ગામેગામ જાથાના કાર્યક્રમો

રાજકોટઃ રાજયમાં જાથાના કાર્યક્રમો જિલ્લા મથકો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, છોટા ઉદેપુર, ડાંગ આહવા, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, હિંમતનગર, માણસા, રાજપીપળા, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ- ભુજ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગિર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, બોટાદ, તાપી વ્યારા, મહીસાગર લુણાવાડા, ડીસા, ગાંધીધામ, અંજાર, ધોરાજી, ઉપલેટા, કેશોદ, મહુવા, કુંકાવાવ, બાબરા, લીંબડી સહિત અનેક તાલુકા મથકે આયોજનની તૈયારી ચાલી રહી છે.

જાથાના ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, વિનોદ વામજા, રાજુભાઈ યાદવ, જીવણભાઈ મીયાત્રા, હસમુખ ગાંધી, અરવિંદભાઈ પટેલ, વિનુભાઈ લોદરીયા, રૂચિર કારીઆ, ગૌરવ કારીઆ, શૈલેષ શાહ, એસ.એમ. બાવા, હુસેનભાઈ ખલીફા, મગનભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, પ્રમોદ પંડ્યા, નિર્ભય જોષી, કિશોરગીરી ગોસાઈ, તુષાર રાવ, હરેશ ભટ્ટ, ભરત પંડયા અનેક કાર્યકરો પોતાના વિસ્તારમાં કાર્યક્રમ ગોઠવવા સંબંધી વ્યવસ્થા કરી રહ્યા છે.

રાજયમાં પોતાના ગામ, શહેરમાં શાળા, મહાશાળામાં સૂર્યગ્રહણનો નિદર્શન કાર્યક્રમ, ફિલ્ટર ચશ્મા મેળવવા ઈચ્છુકોએ મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

(11:37 am IST)