Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

કાર વેચાણમાં ૧૧ ટકા અને ટુ-વ્હિલરના વેચાણમાં ૧૫ ટકાનો ધરખમ ઘટાડો

દેશના ઓટોમોબાઈલ માર્કેટ માટે નવેમ્બર મહિનો પણ મુશ્કેલીભર્યો જ રહ્યો છે

નવી દિલ્હી, તા.૧૨: દેશના ઓટોમોબાઈલ માર્કેટ માટે નવેમ્બર મહિનો પણ મુશ્કેલીભર્યો જ રહ્યો છે. સ્થાનિકમાં પેસેન્જર વાહનોનું વેચાણ નવેમ્બરમાં  ૦.૮૪ ટકા દ્યટીને ૨,૬૩,૭૭૩ એકમ થઈ ગયુ છે, જે ગયા વર્ષના આ જ મહિનામાં ૨,૬૬,૦૦૦ યુનિટ હતું. જો કે, આ આંકડો ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર બંનેના વેચાણને જોડીને બતાવવામાં આવ્યો છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચર્સ (SIAM) એ બહાર પાડેલા આંકડા મુજબ સ્થાનિક બજારમાં પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ નવેમ્બર ૨૦૧૯માં ૧૦.૮૩ ટકા ઘટીને ૧,૬૦,૩૦૬ એકમ રહ્યું છે. જે નવેમ્બર ૨૦૧૮માં ૧,૭૯,૭૮૩ એકમ  હતું.

બીજી તરફ સ્થાનિક બજારમાં મોટરસાયકલોના વેચાણમાં પણ મોટો દ્યટાડો જોવા મળ્યો છે.  મળેલી માહિતી મુજબ મોટર સાયકલનું વેચાણ ગત વર્ષના નવેમ્બર મહિનામાં ૧૦,૪૯,૬૫૧ એકમની સરખામણીએ ૧૪.૮૭ ટકા દ્યટીને ૮,૯૩,૫૩૮ એકમ થયું છે. જો તમામ ટુ-વ્હીલર્સના વેચાણની વાત કરવામાં આવે તો એક વર્ષ અગાઉ નવેમ્બર મહિનામાં કુલ ટુ-વ્હિલરનું વેચાણ ૧૪.૨૭ ટકા દ્યટીને ૧૪,૧૦,૯૩૯ એકમ થયું છે, જે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ૧૬,૪૫,૭૮૩ યુનિટ હતું. મંદીની અસર માત્ર પેસેન્જર વાહનના વેચાણ પર પડી છે એવુ નથી પરંતુ કમર્શિયલ વાહનોના વેચાણ પર પણ અસર પડી છે. SIAMએ જણાવ્યું હતું કે નવેમ્બરમાં વાણિજિયક વાહનોનું વેચાણ ૧૪.૯૮ ટકા ઘટીને ૬૧,૯૦૭ એકમ થઈ ગયું છે. વાહનોના વેચાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે કંપનીઓ સરકારના નવા BS-6 ઉત્સર્જનના ધોરણ મુજબ તેમના વાહનોને અપડેટ કરવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં મોટા ભાગના ગ્રાહકો નવા મોડલોની રાહ જોવે છે, ત્યારે આની અસર વેચાણ પર પડી રહી છે. જો કે મારુતિ સુઝુકી આ બાબતમાં સૌથી આગળ છે, કંપનીએ અત્યાર સુધીમાં BS-6 એન્જિનથી તેના ૭ મોડેલોને અપડેટ કર્યા છે.

(10:38 am IST)