Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

દેશમાં મંદી હોવા છતાં પણ સાત કરોડથી વધારે વાર્ષિક પગાર લેતાં CEOની સંખ્યામાં ભારે વધારો

૨૦૧૯માં ૨૨ નવા સીઇઓ મિલિયેન ડોલર સીઇઓ કલબમાં સામેલ થયા

નવી દિલ્હી, તા.૧૨: ભારતમાં આર્થિક મંદીને કારણે સ્થિતિઓ ગંભીર બનતી જણાય છે. મંદીની અસરને કારણે ક્રેડિટ એજન્સીઓ ભારતની જીડીપીને સતત દ્યટાડી રહી છે. લોકોની પ્રાથમિક જરુરિયાતો મુજબ સામાન ખરીદવાની ક્ષમતા પણ દ્યટી રહી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ઓટોમોબાઇલ્સ કંપનીઓ પણ મંદીની અસર હેઠળ તેના હજારો કર્મચારીઓની છટણી કરી ચૂકી છે.

આ બધા વચ્ચે ખાસ બાબત એ છે કે, કરોડો રુપિયાનો વાર્ષિક પગાર લેનારા સીઇઓની સંખ્યા સતત વધી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૧૯માં ૨૨ નવા સભ્યોની મિલિયન ડોલર સીઇઓ કલબમાં એન્ટ્રી થઇ છે. દેશભરના બજારમાં મંદીનો માર જોવા મળી રહ્યો છે, એમ છતા ઊંચો પગાર લેનારા સીઇઓની સંખ્યા વિતેલા ચાર વર્ષથી સતત વધી રહી છે.

આંકડા મુજબ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૧૮ ટકાના વધારા સાથે સીઇઓની સંખ્યા ૧૨૪થી વધીને ૧૪૬ થઇ છે. છેલ્લા ચાર વર્ષના આંકડા જોઇએ તો આ સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ૨૦૧૬માં ૧૧૯, ૨૦૧૭માં ૧૨૦, ૨૦૧૮માં ૧૨૪ અને ૨૦૧૯માં ૧૪૬ સીઇઓ બન્યા છે. મિલિયન ડોલર સીઇઓ કલબમાં ઇન્ફોસિસના નવા સીઇઓ સલીલ પારેખે સૌથી ઉંચી છલાંગ લગાવી છે. ૨૦૧૮-૧૯માં તેમણે ૧૭ કરોડની આવક મેળવી છે.

આ સિવાય સીઇઓના ટોટલ કમ્પન્સેશનમાં પણ વધારો જોવા મળ્યો છે. ૨૦૧૬માં ૨૦૮૩ કરોડ રુપિયા, ૨૦૧૭માં ૧૯૭૯ કરોડ, ૨૦૧૮માં ૨૧૫૮ કરોડ અને ૨૦૧૯માં ૨૪૫૭ કરોડ રુપિયા મિલિયન ડોલર મેળવનારા સીઇઓ કલબનો પગાર ૧૪ ટકાના વધારા સાથે ૨૧૫૮ કરોડથી ૨૪૫૭ કરોડ રુપિયા રહ્યો.

(10:38 am IST)