Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ચેન્નઇના અંબુરમાં પિતાઅે ઘરે શૌચાલય બનાવવાનું વચન ન નિભાવતા ૭ વર્ષની પુત્રીની પોલીસ ફરિયાદ

ચેન્નઈઃ અંબુરમાં સાત વર્ષની એક છોકરી તેના પિતાને પોલીસ સ્ટેશન લઈ જતા કૌતુક સર્જાયુ હતુ. પિતાએ દીકરીને વચન આપ્યું હતુ કે તે ક્લાસમાં પહેલી આવશે તો તેને ઘરે શૌચાલય બનાવી આપશે. પરંતુ તેમણે આવુ ન કરતા દીકરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

બે વર્ષ પહેલા વચન આપ્યુઃ

બીજા ધોરણમાં ભણતી ઈ હનીફા ઝારાએ પોલીસને જણાવ્યું કે પિતાએ બે વર્ષ પહેલા તે જ્યારે લોઅર કેજીમાં હતી ત્યારે જો તેનો ક્લાસમાં પહેલો નંબર આવશે તો શૌચાલય બનાવવાનું વચન આપ્યું હતું. અત્યારે તે બીજા ધોરણમાં છે અને ક્લાસમાં હંમેશા પહેલી આવે છે છતાંય તેના પિતાએ વચન પાળ્યું નથી. આ ચીટીંગ છે. આથી છોકરીએ માંગ કરી કે તેને લેખિતમાં ખાતરી જોઈએ છે કે તેના પિતાની ધરપકડ થાય.

પિતાને પોલીસ સ્ટેશને તેડુ આવ્યુઃ

ઝારાના 31 વર્ષીય પિતા એસાનુલ્લાહને જ્યારે પોલીસ સ્ટેશનમાંથી બપોરે સાડા ત્રણે ફોન આવ્યો ત્યારે તેમને અંદાજો પણ નહતો કે મામલો શું છે. તેમણે જણાવ્યું, “મને જ્યારે મહિલા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો હુકમ થયો ત્યારે હું ડરી ગયો. મેં જ્યારે પોલીસ સ્ટેશનમાં પગ મૂક્યો તો મેં મારી પત્ની અને દીકરીને જોયા. હું કન્ફ્યુઝ થઈ ગયો. પોલીસે પછી પરિસ્થિતિ સમજાવી અને મને મારી દીકરીને સમજાવી ઘરે લઈ જવા જણાવ્યું.”

પિતાને છે દીકરી પર ગર્વઃ

ઝારાના પિતા તેમની દીકરીએ જે કર્યું તેના પર ગર્વ છે. ઝારા બે દીકરીઓમાં મોટી દીકરી છે. તેમણે જણાવ્યું, “મેં મારી દીકરીઓને હંમેશા બોલ્ડ બનતા અને કોઈ પણ સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરતા શીખવ્યું છે.” ઝારાની પરીક્ષા પૂરી થતા જે તેણે 26 વર્ષની માતા મેહરીન પાસે પોલીસ સ્ટેશન જવાની જીદ પકડી હતી. મેહરીને જણાવ્યું, “મેં તેને શાંત પાડવાની કોશિશ કરી અને સમજાવ્યું કે પિતા પાસે નોકરી ન હોવાથી તેમને આર્થિક કટોકટી છે પણ તે ટસની મસ ન થઈ. તેણે રવિવાર રાતથી ખાવા-પીવાનું બંધ કરી દીધુ એટલે મારે તેની સાથે જવુ પડ્યું.”

જલ્દી જ બનશે શૌચાલયઃ

એસાનુલ્લાહે જણાવ્યું કે તેણે બે વાર એમ્બુર મ્યુનિસિપાલિટીને પિટિશન સબમિટ કરી છે અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ટોઈલેટ બનાવવા માટે આર્થિક મદદ માંગી છે. પરિવાર ઘરે આવ્યો તેના કલાકો અંદર મ્યુનિસિપાલિટીના ઑફિસરો તેમના ઘરે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની સ્કીમ અંતર્ગત તેઓ જલ્દી જ શૌચાલય બાંધી આપશે.

(6:11 pm IST)