Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

મધ્ય પ્રદેશઃ આખરે શિવરાજે પરાજય સ્વીકાર્યોઃ રાજીનામું: કમલનાથનો સરકાર રચવા દાવોઃ સપા-બસપાનું સમર્થન

સંખ્યાબળ સામે નત મસ્તક થાઉ છું કહી શિવરાજ ચૌહાણે રાજયપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું: રાજયમાં કોંગ્રેસને ૧૧૪ તથા ભાજપને ૧૦૯ બેઠકો પ્રાપ્ત થઇ છે : કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે ૧ર૧ સભ્યોના સમર્થન સાથે રાજયમાં સરકાર રચવા દાવો કર્યોઃ બપોરે વિધાનસભા પક્ષની બેઠકઃ મધ્યપ્રદેશમાં ભાજપને રોકવા માટે કોંગ્રેસને સમર્થન, રાજસ્થાનમાં પણ ટેકો આપશું: માયાવતીની જાહેરાતઃ અખિલેશે પણ ટેકો આપવાની જાહેરાત કરી

ભોપાલ, તો, ૧રઃ મધ્યપ્રદેશ વિધાનસભાના તમામ પરીણામો જાહેર થયા બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથ, જયોતીરાદિત્ય સિંધીયા સહિતના કોંગ્રેસના નેતાઓએ રાજયપાલને મળી સરકાર રચવા દાવો કર્યો છે. તેઓએ કુલ ૧ર૧ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. જેમાં સપા-બસપાનો સમાવેશ થાય છે. કોંગ્રેસને રાજયમાં ૧૧૪ બેઠકો પ્રાપ્ત થઇ છે. આ પહેલા શિવરાજસિંહ ચૌહાણે પરાજયનો સ્વીકાર કરી પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને કહયું હતું કે સંખ્યાબળ આગળ અમે નત મસ્તક થયા છીએ. આમ મધ્યપ્રદેશમાં હવે કોંગ્રેસની સરકાર રચાશે.

આજે બપોરે વિધાનસભા પક્ષની બેઠક મળી રહી છે જેમાં નેતાની પસંદગી કરવામાં આવશે.  કોંગ્રેસે રાજયમાં ર૩૦માંથી ૧૧૪ બેઠકો જીતી છે જયારે ભાજપને ૧૦૯ બેઠકો મળી હતી. સરકાર રચવા સપા અને બસપાએ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી હતી. બસપાના સુપ્રિમો માયાવતીએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં ભાજપને રોકવા માટે અમે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. રાજસ્થાનમાં પણ સમર્થન આપશું.  માયાવતીએ કહયું હતું કે  ભાજપની ખોટી નીતીઓ અને ખોટી પ્રણાલીથી પ્રજા ત્રાસી ગઇ હતી અને તેથી લોકોએ તેનો જાકારો આપ્યો છે. મધ્યપ્રદેશમાં બસપાના બે ધારાસભ્યો ચુંટાયા છે. અહીં સપાને પણ એક બેઠક મળી છે અને અખિલેશે પણ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી છે.

દરમિયાન આજે બપોરે ૪ વાગ્યા બાદ કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળી રહી છે જેમાં કમલનાથ, દિગ્વીજયસિંહ, જયોતીરાદિત્ય સિંધીયા, પ્રભારી મહામંત્રી દિપક બાબરીયા સહિતના નેતાઓ હાજર રહેશે. આ બેઠકમાં સર્વાનુમતે નેતાની પસંદગી કરવામાં આવશે.

(4:04 pm IST)