Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

હિન્દમહાસાગર – મોમ્બાસામાં શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃત - સમુદ્ર સ્નાન, રંગોત્સવમાં સૌ રંગાયા...

પૂર્વ આફ્રિકાના કેન્યા રાષ્ટ્રમાં આવેલા મોમ્બાસા પોર્ટ બંદર જે હિન્દ મહાસાગર તટે વસેલું છે. ત્યાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ હરિભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરી એક અઠવાડિયાના અધ્યાત્મસભર સત્સંગ પ્રચારાર્થે સંતો-ભક્તો સહ પધાર્યા હતા. આ વિચરણ દરમ્યાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પરાયાણો, બાળકો અને બાલિકાઓના ભક્તિ નૃત્યો, મહિમાગાન, એકાદશી ઓચ્છવ, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ, શ્રી સદ્ગુરુ દિન, રાસોત્સવ, શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી અભિષેક, સમુદ્ર સ્નાન  વગેરે...

ભારતીય ધાર્મિક પૂજન વિધિ ષોડશોપચારથી થાય છે. તેમાં ભગવાનને દૂધ, દહીં, ઘી, મધ અને કેસર જળ પંચામૃતથી અભિષેક એટલે કે સ્નાનવિધિ કરાવવામાં આવે છે. જીવનપ્રાણ અબજી બાપાશ્રીના સિદ્ધાંતો મુજબ  શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મૂર્તિને પ્રત્યક્ષ અને પ્રગટનો મહિમા સમજી સંસ્કારભાસ્કર આચાર્ય સ્વામીજી મહારાજે  પંચામૃતથી સ્નાન કરાવ્યું હતું. સંતો-ભક્તોએ પણ અણમોલા અવસરે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને સ્નાન કરાવ્યું હતું. ત્યારબાદ હિન્દ મહાસાગરને કાંઠે સૌ સંતો-ભક્તો પર પ્રસાદીભૂત રંગથી આચાર્ય સ્વામીજી મહારાજે રંગમાં તરબતર કર્યા હતા. અને સહુ સંતો-ભક્તો સહ વીંટળાયેલા થકા શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ સમુદ્રમાં પધાર્યા. શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્ય સૌ ઉચ્ચારવા લાગ્યા. સંતો-ભક્તો સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની મૂર્તિનું ધ્યાન કરીને આનંદમાં ને આનંદમાં ડોલતા હતા. આચાર્ય સ્વામીજી મહારાજ સૌને સાગરજળમાં ભેટી અવિસ્મરણીય સંભારણું કરી આપ્યું હતું. જલક્રીડા કરતા, કીર્તન બોલતા આજે સૌને સાગરસ્નાનની સૌના સ્મરણ પટ પર ઉપસ્થિત થઇ. સાગર મીઠું ઘૂઘવ્યો. વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજના ચરણ ચૂમ્યા અને સૌએ પ્રેમસભર સ્નાન કર્યુ. યુગદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પાવનકારી પાદારવિન્દથી  હિન્દમહાસાગર તો તીર્થરૂપ ક્યારનો બની ચુક્યો હતો. એને તો સ્વામીબાપાના ઉત્તરાધિકારી આચાર્ય સ્વામીજી મહારાજ પુનઃ એના લાડકોડ પૂરવા જ પધાર્યા હતા! જૂનું તીર્થ સજીવન કર્યું. આમ તો દરવર્ષે હિન્દ મહાસાગરને આ અવસર સાંપડે જ છે. ઉદધી આજ બહુ જ હરખાયો. ઘેરું ઘૂઘવતો તરંગની યાળ ઉછાળતો સિંહ સમું ગરજ્યો. અવિસ્મરણીય સંભારણું કરી સમીપ દર્શન સૌને આપતા આચાર્ય સ્વામીજી મહારાજ નિજ્સ્થાને પધાર્યા હતા. દેશી વિદેશીઓ દર્શન આદિથી અભિભૂત બન્યા હતા.

(2:19 pm IST)