Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

નાંદેડ અને માલેગાંવમાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે ધીંગાણું :ટોળાનો પોલીસ પર હુમલો :એસપી સહિત 7 પોલીસકર્મી ઘાયલ

હિંસક અથડામણ દરમિયાન પોલીસના વાહનો પર પથ્થરમારો: અમરાવતીમાં પ્રદર્શન દરમિયાન 20થી વધુ દુકાનોમાં તોડફોડ: ચોક્કસ સમાજના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા

મહારાષ્ટ્રના નાંદેડ અને માલેગાંવમાં મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં લોકોના ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો.  જેમાં એડિશનલ એસપી સહિત 7 પોલીસકર્મી ઘાયલ થયા છે. નાંદેડ અને માલેગાંવમાં એક જ સમુદાયના બે જૂથો એકબીજા સાથે અથડામણ કરી હતી. જે બાદ હિંસા અને પથ્થરમારો થયો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રિપુરામાં હિંસા વિરુદ્ધ માલેગાંવમાં એક ખાસ સમુદાય દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન લોકો એકબીજા સાથે અથડાયા હતા. હિંસા બાદ બજારો બંધ કરી દેવામાં આવી હતી. પોલીસે લોકોને ઘરોમાં રહેવાની સૂચના આપી છે.

હિંસક અથડામણ બાદ નાસિકના એસપી સચિન પાટીલે કહ્યું કે, માલેગાંવમાં હવે સ્થિતિ શાંતિપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે સાંજે કેટલાક લોકોએ 3-4 દુકાનો પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની ખોટી અફવા ન ફેલાવે. આવું કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હિંસક અથડામણ દરમિયાન પોલીસના વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સાથે અમરાવતીમાં પ્રદર્શન દરમિયાન 20થી વધુ દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. અબ્દુલ હમીદ ચોક ખાતે ચોક્કસ સમાજના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બંને જૂથો વચ્ચે બોલાચાલી બાદ મારામારી શરુ થઈ હતી.

ત્રિપુરામાં હિંસાના વિરોધમાં માલેગાંવમાં પ્રદર્શન થયું હતું. આ દરમિયાન લોકો વચ્ચે અથડામણ થઈ હતી. આ વર્ષે બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન લઘુમતી હિંદુ સમુદાય વિરુદ્ધ હિંસાના અહેવાલો બાદ ત્રિપુરામાં આગચંપી, લૂંટફાટ અને હિંસાની ઘટનાઓ સામે આવી છે.

(12:28 am IST)