Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

BMC લોકોના સ્‍વાસ્‍થ્‍ય પર ધ્‍યાન આપી રહી છે : મુંબઇમાં IEC હેલ્‍થ કેર કાર્યક્રમ આગામી સપ્‍તાહમાં શરૂ કરાશે

મુંબઇ : કોરોનાએ બીજી લહેર દરમિયાન ભારે તબાહી મચાવી હતી. હોસ્પટલોમાં બેડ તેમજ ઓક્સિજનની પણ અછત સર્જાઇ હતી. ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. ત્યારે કોરોના મહામારીમાંથી (Corona epidemic) બોધપાઠ લેનાર બીએમસી (BMC) હવે મુંબઈના લોકોના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. વિવિધ રોગોને રોકવા અને તેની સામે જાગૃતિ લાવવા માટે આઈઈસી’ (IEC) હેલ્થ કેર પ્રોગ્રામ આગામી સપ્તાહમાં શરૂ કરવામાં આવશે.

સિનેમાઘરો અને સોશિયલ મીડિયા દ્વારા હેલ્થ ટીપ્સ આપવામાં આવશે. જણાવી દઈએ કે સાડા સાત લાખથી વધુ મુંબઈકર કોરોનાનો ભોગ બન્યા હતા. જે લોકો કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થયા છે, તેમાંથી ઘણા લોકો અન્ય બીમારીઓથી પણ પીડિત હતા.

કોરોના આવા લોકો પર એટલો હાવી થયો હતો કે તેઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. BMCએ આ બાબતને ગંભીરતાથી લીધી છે. બિમારીઓથી બચવા અને તેમને ફિટ રાખવા માટે, BMC આગામી સપ્તાહમાં ‘IEC’ સ્વાસ્થ્ય પહેલ શરૂ કરી રહી છે. આ પહેલને સમર્થન આપતા BMCના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે BMC બીમારીઓ અને તેનાથી બચવાના ઉપાયો વિશે લોકોમાં જાગૃતિ લાવશે.

કાકાણીએ માહિતી આપી હતી કે BMC ફિટનેસ મંત્રો ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવશે. લોકો નિષ્ણાતો સાથે લાઈવ સેશન દ્વારા બીમારીઓ અંગેના તેમના પ્રશ્નોના જવાબો મેળવી શકશે. આમાં BMC મેડિકલ કોલેજના ડોક્ટરોની મદદ લેવામાં આવશે. એટલું જ નહીં, બીમારીઓ પર નાની નાની ફિલ્મો બનાવવામાં આવશે, જે સોશિયલ મીડિયા અને થિયેટરોમાં બતાવવામાં આવશે.

કાકાણીએ જણાવ્યું કે વિવિધ પ્રકારના રોગો હોય છે. એક ચોમાસાની બીમારી, બીજી નિયમિત બીમારી. ચોમાસામાં થતા રોગ એટલે ચોમાસા દરમિયાન થતી બીમારી જ્યારે ડાયાબિટીસ, હાઈપરટેન્શન, હ્રદયરોગ, કેન્સર વગેરે જેવા રોગો નિયમિત બીમારી છે. ચોમાસાની બીમારી મોટાભાગે જૂનમાં શરૂ થાય છે, તેથી લોકોને આ બીમારીઓથી બચાવવા માટે BMC બે મહિના અગાઉથી જ જાગૃતિ ફેલાવશે. જ્યારે નિયમિત બિમારીઓમાંથી લાઇવ સેશન સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.

(11:03 pm IST)