Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

અફઘાનિસ્તાનમાં ગૃહ યુદ્ધ જેવો માહોલ : તાલિબાન - ISIS વચ્ચે ભારે ઘર્ષણ : આજે ફરી જુમ્માની નમાઝ પઢવા આવેલ લોકો વચ્ચે નંગરહાર પ્રાંતની મસ્જિદમાં થયો વિસ્ફોટ : મૌલાના સહિત 12 થી વધુ લોકો થયા ઘાયલ

કાબુલ: અફઘાનિસ્તાનમાં ગૃહ યુદ્ધ જેવો માહોલ થઈ ગયો હોય તેમ જોવા મળે છે. સત્તાધારી તાલિબાન - ISISના આતંકીઓ  વચ્ચે ભારે ઘર્ષણ ફેલાય રહ્યું છે. આ સાથે અફઘાનિસ્તાનમાં શુક્રવાર (જુમ્મા)ના દિવસે ફરી એક વખત મસ્જિદને નિશાન બનાવવામાં આવી છે. સમાચાર એજન્સીઓના જણાવ્યા  અનુસાર પૂર્વી અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતના સ્પિન ઘરની એક મસ્જિદમાં થયેલા ધડાકામાં મૌલાના સહિત 12 લોકો ઘાયલ થયા છે. મસ્જિદ પાસે એક રહેવાસીએ જણાવ્યુ હતું કે ધડાકો બપોરે 1.30 વાગ્યે થયો હતો. આતંકીઓ દ્વારા વિસ્ફોટ મસ્જિદની અંદર કરવામાં આવ્યો હતો, જેથી વધુમાં વધુ લોકોને નિશાન બનાવી શકાય. મસ્જિદ પર થયેલા હુમલાની જવાબદારી કોઇ સંગઠને હજુ સુધી લીધી નથી. 

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી સ્થિતિ વધુને વધુ ખરાબ થતી જાય છે. લઘુમતીઓ ઉપર અત્યાચાર વધ્યા છે. શિયા - સુન્ની લોકો વચ્ચે પણ ઘર્ષણ વધતું જાય છે. થોડા સમય પહેલા કંદહારમાં પણ શિયા મુસ્લિમોની મસ્જિદમાં અસંખ્ય લોકો શુક્રવારની નમાઝ અદા કરતા હતા ત્યારે એમાં આત્મઘાતી હુમલો કરાયો હતો. ઈમામ બર્ગા નામની મસ્જિદમાં આ હુમલો થયો હતો. 

આવો જ એક હુમલો, આ પહેલા, કુંઝુદ પ્રાંતમાં શિયા મુસ્લિમોની મસ્જિદ પર કરવામાં આવ્યો હતો, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા મોટા ભાગના શિયા મુસ્લિમો હતા.

(6:43 pm IST)